મૉને, ઝ્યાં (જ. 9 નવેમ્બર 1888; અ. 16 માર્ચ 1979) : ફ્રેંચ વ્યાપારી, રાજનીતિજ્ઞ અને યુરોપિયન એકતાના પુરસ્કર્તા. પ્રથમ વિશ્વયુદ્ધ (1914–1918) સમયે મિત્ર દેશોને યુદ્ધ-પદાર્થો, ખાદ્ય પદાર્થો તથા વહાણવટાની સગવડો પૂરી પાડતા ઇન્ટર ઍલાઇડ મેરિટાઇમ કમિશનમાં તેમણે સેવાઓ આપી હતી. 1919થી 1923 દરમિયાન તેમણે લીગ ઑવ્ નેશન્સના નાયબ મંત્રી તરીકે સેવાઓ આપી. બીજા વિશ્વયુદ્ધ (1939–1945) સમયે ફ્રેંચ કમિટી ઑવ્ નૅશનલ લિબરેશન વતી તેમણે વિવિધ ક્ષેત્રે કામ કર્યું અને બ્રિટિશ સપ્લાય કાઉન્સિલના વૉશિંગ્ટન-સ્થિત એકમના સંકલનકાર તરીકે સેવાઓ આપી હતી. બીજા વિશ્વયુદ્ધ બાદ તેઓ ફ્રાંસના નૅશનલ પ્લાનિંગ બૉડી(1947)ના વડા નિમાયા અને ફ્રાંસની ખાણો, રેલમાર્ગો અને વિદ્યુત-વ્યવહારના રાષ્ટ્રીયકરણની દિશામાં નિર્ણયો લીધા. આ મહત્ત્વના નિર્ણયો સાથે તેમણે ‘મૉનેઝ પ્લાન’ રજૂ કર્યો હતો; જેમાં આર્થિક લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે કામના 48 કલાકોનું સપ્તાહ તેમજ ફ્રેંચ ઉદ્યોગો અને કૃષિનું આધુનિકીકરણ કરવાનું આયોજન હતું. આમ ફ્રાંસના આર્થિક પુનરુદ્ધારની દિશામાં તેમણે નોંધપાત્ર કામગીરી બજાવી.

યુરોપને પડકારતી આર્થિક અને રાજકીય સમસ્યાઓનો ઉકેલ યુરોપનું સંગઠન રચીને લાવી શકાય એવા મંતવ્ય સાથે ‘યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ યુરોપ’ માટેની એક પગલાં-સમિતિ તેમણે રચી. આ સંદર્ભમાં તેમણે ‘યુરોપિયન કોલ ઍન્ડ સ્ટીલ કંપની’ સ્થાપી અને તેના પ્રથમ પ્રમુખ તરીકેનું પદ ત્રણ વર્ષ માટે (1952–55) શોભાવ્યું. આ પ્રકારના સહયોગને તેઓ યુરોપના રાજકીય અને આર્થિક ઐક્ય માટેનું પ્રથમ ચરણ માનતા હતા. આ સંગઠનો દ્વારા યુરોપિયન કૉમન માર્કેટની રચનાની ભૂમિકા તેમણે તૈયાર કરી. પચાસ અને સાઠના દસકાઓ દરમિયાન તેમણે પશ્ચિમ યુરોપની એકતા માટેની લડતનું નેતૃત્વ પૂરું પાડ્યું. આ પ્રયાસો દ્વારા તેઓ યુરોપીય સમુદાયની એકતાના પિતા બની રહ્યા.

ઝ્યાં મૉને

વ્યાપક હિત માટેની તેમની આ કામગીરી સન્માનનીય રહી. 1963માં તેમને ‘પ્રેસિડેન્શિયલ મેડલ ઑવ્ ફ્રીડમ’ એનાયત થયો, જે અમેરિકા દ્વારા આપવામાં આવેલું સર્વોચ્ચ નાગરિક સન્માન છે.

તેમણે પોતાના જીવનનાં સ્મૃતિચિત્રો ‘મેમ્વાર્સ’ (1976) પ્રગટ કર્યાં હતાં.

રક્ષા મ. વ્યાસ