મૉને, ક્લૉદ (Monet, Claude) (જ. 14 નવેમ્બર 1840, પૅરિસ; અ. 5 ડિસેમ્બર 1926, ફ્રાન્સ) : ફ્રેન્ચ ઇમ્પ્રેશનિસ્ટ ચિત્રકાર. લેહેવરમાં ભણ્યા. 1858માં તેમને બોદીં મળ્યા, જેમણે તેમને નિસર્ગ-ચિત્ર તરફ વાળ્યા. હવામાનના-વાતાવરણના સંદર્ભમાં ચિત્રો કરવાનાં શરૂ કર્યાં. આવું પ્રથમ ચિત્ર ‘સીન એસ્ચુઅરી’ લોકાદર પામ્યું. તેમાં નિસર્ગના છાયાભેદ પકડવાના ર્દષ્ટિભ્રમે મુખ્ય ભાગ ભજવ્યો છે.
1860માં મૉને અને રેન્વાએ સાથે મળી ચિત્ર ‘લા ગ્રેનૉવલિયર’ બનાવ્યું. તેમાં સ્થળ પરના રંગોને શુદ્ધ રંગોના તૂટક લસરકા આપી, ચિત્રને ઉપસાવ્યું છે. બીજા એક ચિત્ર ‘ધ મેગથી’માં હિમાળા ર્દશ્યને ફિક્કા ભૂરા રંગથી છાયા આપી પીળા રંગના ઉત્તેજક સ્પર્શથી આકર્ષક બનાવ્યું છે. 1872ના ચિત્ર ‘ઇમ્પ્રેશન સનરાઇઝે’ તેના આખા કલાકારવૃંદને ઇમ્પ્રેશનિસ્ટનું નામ સંપડાવ્યું. પૂર્વસૂરિઓ કૉન્સ્ટેબલ અને ટર્નરે ઝીલેલી વાતાવરણની ઝલક કરતાં તેઓ કંઈક બતાવી શક્યા.આ પછી આ જાતનાં 6થી 8 પ્રદર્શનો યોજાયાં, પણ પિસારોની જેમ, તેમને આશ્રયદાતાઓ અને પ્રોત્સાહકો ન મળ્યા. આગળ જતાં મૉને પ્રકાશ અને તેની વાતાવરણ પર પડતી અસરને ચિત્રપટ પર લાવવાની કોશિશ કરતા રહ્યા.
1876થી એક જ વિષય પર જુદા જુદા પ્રકાશ-સમયે ચિત્રો દોરી તેની શ્રેણીઓ તૈયાર કરી; જેમાં ‘ધ ગેર-સટ-લઝાર’, ‘ધ હે સ્ટૉક્સ’, ‘પૉપલર્સ’ વગેરેનો સમાવેશ થાય છે. તેમાં પ્રકાશ તથા વાતાવરણ મુખ્ય ભાગ ભજવે છે. તેમનાં ચિત્રોમાં ઉપરછલ્લી વૈભવી રંગ-રજૂઆત રહી છે. કેટલાક તેમને અમૂર્ત અભિવ્યક્તિવાદના નમૂનાઓમાં ગણાવે છે. આભાસવાદના આ ટોચના કલાકાર હોવા છતાં 1880થી 1889નાં તેમનાં વર્ષો ગરીબાઈ અને હતપ્રભ અવસ્થામાં ગયાં. છેલ્લું ચેદાં સાથેનું પ્રદર્શન આશાસ્પદ રહ્યું. 1883થી ગીવરવીમાં ઉત્તરાવસ્થા ગાળી. ફૂલઝાડનું ઉપવન રચી જળકમળવનનાં ચિત્રો રચ્યાં. એ રીતે ર્દષ્ટિને આનંદ આપતું વિશ્વ રચ્યું. 30 વર્ષની ઉજ્જ્વલ કારકિર્દીના તેમના કલાકાર્યનો ખ્યાલ આપતાં તેમનાં ચિત્રો આજેય પૅરિસના મ્યુઝિયમમાં છે. એ ચિત્રો શાંતિનાં પ્રસારક ગણાય છે. મૉનેએ એક વખત કહેલું કે ‘મૃત્યુ કરતાં અંધારાનો મને વધુ ભય છે’, અને એમને છેવટે અંધ અવસ્થામાં જ મૃત્યુને ભેટવાનું થયું !
કનુ નાયક