મૉનેટા, અર્નિસ્ટો (જ. 20 સપ્ટેમ્બર 1833, મિલાન; અ. 10 ફેબ્રુઆરી 1918, મિલાન) : ઇટાલીના પત્રકાર તથા શાંતિવાદી કાર્યકર્તા. શાંતિ માટેના 1907ના નોબેલ પુરસ્કારના તે સહવિજેતા હતા. રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય માટે તેમણે ઘણી યાતનાઓ વેઠી. 1840માં તેમણે મિલાનના બળવા પ્રસંગે વિવિધ આડશો પાછળથી લડવાનું બન્યું ત્યારે તેમના ચિત્તમાં યુદ્ધની દૂરગામી અસર ઝિલાઈ. તેમના પિતા પણ આ લડાઈમાં જોડાયા હતા.
1859–61 દરમિયાનના આ આઝાદી-યુદ્ધ પૂર્વે તે એક ગુપ્ત મંડળના આગેવાન હતા અને તેની મારફત ઇટાલીના રાષ્ટ્રવાદી વીરનાયક પૅલૅવિચિનો સાથે સતત સંપર્ક રખાતો. 1859માં તે ઉત્તર ઇટાલીમાં ગૅરિબાલ્દીના નેતૃત્વ હેઠળ યુદ્ધમાં જોડાયા; પછીના વર્ષે કૅલૅબ્રિયામાં વૉલ્તુર્નો મોરચે જોડાયા. પાછળથી તે ઇટાલીની સેનામાં અધિકારી નિમાયા, પરંતુ 1866માં કસ્નોઝા ખાતે હાર થવાથી, તેમણે રાજીનામું આપ્યું અને સંપૂર્ણપણે પ્રકાશનની કામગીરી અપનાવી. 1867માં તે ‘ઇલ સિકૉલો’ના તંત્રી બન્યા અને તેમની આગેવાની હેઠળ તે ઇટાલીનું એક સૌથી વધુ વંચાતું દૈનિક બની રહ્યું. આક્રમણનો સામનો કરવાના પ્રસંગે અહિંસા આચરવાના સિદ્ધાંતમાં તે માનતા ન હતા. કોઈ પણ રાષ્ટ્રના સ્વયંશાસન(self-government)ના અધિકારના રક્ષણ માટેની પ્રવૃત્તિ તેમજ આંતરરાષ્ટ્રીય સુમેળ-સહકારને ઉત્તેજન આપવાની પ્રવૃત્તિ વચ્ચે તેમને કોઈ વિસંગતતા જણાતી ન હતી. આ બાબતમાં તે ઇટાલીના મૅઝિની અને ગૅરિબાલ્દી જેવા અગ્રણીઓ સાથે સહમત હતા. તે શાંતિવાદી મંતવ્યો ધરાવતા હતા અને ક્યારેય તેમણે લશ્કરવાદી વલણ અપનાવ્યું નહોતું. 1870ની આસપાસ તેમણે સક્રિય ધોરણે શાંતિવાદી કાર્ય ઉપાડી લીધું. આંતરરાષ્ટ્રીય બંધુત્વની આ ભાવના માટે રાષ્ટ્રવાદની મર્યાદિત લાગણીઓ કસોટીરૂપ હતી. આવી રાષ્ટ્રવાદી લાગણીઓ સમગ્ર ઇટાલીમાં અવારનવાર ફરી વળતી.
તેમની ઝુંબેશ ખાસ તો ફ્રાન્સના ભય પરત્વે હતી, કેમ કે 1881માં ફ્રાન્સે ટ્યૂનિસનો કબજો લીધો હતો. ‘ઇલ સિકૉલો’ની કટારો, લોકભોગ્ય ચોપાનિયાં-પુસ્તિકાઓ તથા ‘વિતા ઇન્ટરનેશનલ’ સામયિક મારફત તેમજ 1887માં તેમણે સ્થાપેલ ‘ઇન્ટરનેશનલ સોસાયટી ફૉર પીસ-લૉમ્બાર્ડ લીગ’ નામની શાંતિવાદી સંસ્થાના આશ્રયે સબળ નેતૃત્વ દ્વારા તેમણે યુરોપનાં પડોશી રાજ્યોનાં ઉશ્કેરણીભર્યાં અને તંગ વલણો શાંત પાડવાની સતત મથામણ કરી હતી.
મહેશ ચોકસી