મૈત્રેયીદેવી (જ. 1 સપ્ટેમ્બર 1914, કૉલકાતા; અ. 5 ફેબ્રુઆરી 1990) : બંગાળી કવયિત્રી, નવલકથાકાર અને રવીન્દ્રનાથ ટાગોરનાં સંસ્મરણોનાં પ્રસિદ્ધ આલેખક. ભારતીય દર્શનશાસ્ત્રના વિશ્વવિખ્યાત વિદ્વાન સુરેન્દ્રનાથ દાસગુપ્તનાં પુત્રી. બચપણથી જ પિતાના ટાગોર સાથેના સખ્યને લીધે મૈત્રેયીદેવી રવીન્દ્રનાથનાં સ્નેહભાજન બન્યાં હતાં. 16 વર્ષની વયે જ્યારે એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ઉદિતા’ (1929) પ્રગટ થયો ત્યારે એ સંગ્રહને રવીન્દ્રનાથની પ્રસ્તાવના મળી હતી. એ પછી એમના ‘ચિત્તછાયા’, ‘હિરણ્મય પાખિ’ વગેરે કાવ્યસંગ્રહો પ્રગટ થયા છે; પરંતુ મૈત્રેયીદેવી વિશેષ જાણીતાં થયાં છે તેમનાં રવીન્દ્રવિષયક સંસ્મરણાત્મક પુસ્તકોથી. તેમાં એક જે અતિ લોકપ્રિય થયું તે છે ‘મંગ્પૂતે રવીન્દ્રનાથ’ (1943). દાર્જીલિંગના પહાડોમાં મંગ્પૂ નામે ગામડામાં રવીન્દ્રનાથ કેટલોક સમય મૈત્રેયીદેવીને ત્યાં રહેલા. એ દિવસોની રોજ-બ-રોજની ઘટનાઓ, વાર્તાલાપો અને પારસ્પરિક હાસપરિહાસથી આ પુસ્તક રવીન્દ્રનાથનો એક વિનોદપ્રવણ પક્ષ રજૂ કરે છે. ગુજરાતીમાં તેનો અનુવાદ રમણીક મેઘાણીએ ‘ગુરુદેવ અમારે આંગણે’ – એ નામથી કર્યો છે. એ ઉપરાંત ‘કવિ સાર્વભૌમ’ અને ‘રવીન્દ્રનાથ : ગૃહે ઓ વિશ્વે’ પણ ટાગોરવિષયક ગ્રંથો છે. પણ આ પ્રકારના ગ્રંથોમાં ‘સ્વર્ગેર કાછાકાછિ’ (1981) સૌથી સમૃદ્ધ છે. ટાગોર સાથેના દીર્ઘકાલીન સંબંધો દરમિયાન તેમના અનેક પત્રો મૈત્રેયીદેવીને અને તેમના પિતા સુરેન્દ્રનાથને લખાયા હતા. ટાગોરનાં સ્મરણો સાથે એ પત્રોને ગૂંથતાં જઈને આ એક અનન્ય પુસ્તક મૈત્રેયીદેવીએ લખ્યું છે. તેમાં રવીન્દ્રનાથની એક આંતરછબિ તો પ્રગટે છે, એ સાથે વિશ્વકવિ બનેલા ઉત્તરવયના રવીન્દ્રનાથની એકલતા પણ માર્મિક રીતે પ્રગટ થઈ છે. ગુજરાતીમાં નગીનદાસ પારેખે ‘સ્વર્ગની લગોલગ’ – એ નામે તેનો અનુવાદ કર્યો છે. આ પુસ્તકમાં રવીન્દ્રનાથના જીવનની કેટલીક એવી ઉદાત્ત ક્ષણો મૈત્રેયીદેવીએ અંકિત કરી છે, જે પુસ્તકના ભાવકોને પણ સ્વર્ગની લગોલગ પહોંચવાની ઉન્નત અનુભૂતિ કરાવે છે. આમ છતાં તેઓ બંગાળમાં અને બંગાળ બહાર જાણીતાં થયાં તે એમની આત્મકથનાત્મક નવલકથા ‘ન હન્યતે’થી. આ નવલકથા બહુચર્ચિત છે. અનેક ભાષાઓમાં તેનો અનુવાદ થયો છે. ગુજરાતીમાં તેનો અનુવાદ પણ નગીનદાસ પારેખે કર્યો છે. તેની પ્રસ્તાવના ઉમાશંકર જોશીએ લખી છે. 1976માં આ પુસ્તકને ભારતીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મળ્યો છે.
મૈત્રેયીદેવીએ વિદેશોના અનેક વ્યાખ્યાનપ્રવાસો કરેલા છે. ‘અચેના ચીન’ (અજાણ્યું ચીન) અને ‘ચીને ઓ જાપાને’ જેવા ભ્રમણ-ગ્રંથો પણ લખ્યા છે. તેમણે રશિયા અને ચીનમાં ઘણાં પ્રવચનો કરેલાં. તેમણે ‘ઋગ્વેદેર દેવતા ઓ માનુષ’ નામે અભ્યાસગ્રંથ પણ લખ્યો છે.
બાંગ્લાદેશના 1972ના સ્વાતંત્ર્યસંગ્રામ વખતે અનાથ થયેલાં શિશુઓ માટે મૈત્રેયીદેવીએ કૉલકાતાની સમીપવર્તી સીમામાં ‘ખેલાઘર’ નામે સંસ્થાની શરૂઆત કરી હતી. તેઓ શાંતિવાદી કાર્યકર હતાં અને ‘કાઉન્સિલ ફૉર પ્રમોશન ઑવ્ કૉમ્યુનલ હાર્મની’નાં સ્થાપક હતાં.
ભોળાભાઈ પટેલ