મે દિન : આંતરરાષ્ટ્રીય મજૂર દિન. પહેલી મેના દિવસને ‘મે ડે’ (મે દિન) તરીકે ઊજવવાની પ્રથાનું પગેરું ફળદ્રૂપતા અને ઉત્પાદન સાથે સંકળાયેલ પ્રાચીન વસંતોત્સવમાં જડી રહે છે. તેનું સ્થાન ઈસ્ટરની ઉજવણીએ લીધું છે. આ તહેવાર જુદી જુદી રીતે જળવાઈ રહ્યો છે. પંદરમી સદીમાં ઇંગ્લૅન્ડમાં મે દિનનો ઉત્સવ મે-પોલ તરીકે વચ્ચે રોપેલા શણગારેલા થાંભલા ફરતાં નૃત્યો વડે ઊજવાતો હતો. સ્થાનિક યુવાવૃંદો મૉરિસ નૃત્યોમાં તથા નાટ્ય-ભજવણીમાં રૉબિન-હુડનો પાઠ ભજવતાં હતાં.
1889માં મળેલી ‘સેકન્ડ સોશિયાલિસ્ટ ઇન્ટરનેશનલ’માં મે દિનનો દિવસ મજૂરો માટે રજાના દિવસ તરીકે રાખવાનું નક્કી કરાયું. ત્યારથી મજૂર સંગઠનો અને ડાબેરી રાજકીય પક્ષો સરઘસ, રૅલી, પ્રવચનો તથા દેખાવો જેવા કાર્યક્રમો વડે આ દિવસની ઉજવણી કરે છે. વિશ્વના 700 દેશોમાં મે દિનનો દિવસ આંતરરાષ્ટ્રીય મજૂર દિન તરીકે ઊજવાય છે અને તે દિવસે જાહેર રજા હોય છે. મે દિનની પરેડમાં કેટલીક વાર સંબંધિત દેશની લશ્કરી તાકાતનું પ્રદર્શન મોખરે રહે છે.
પહેલી મે ગુજરાત રાજ્યનો સ્થાપના દિન પણ હોઈ ગુજરાત પૂરતું તો તેનું બેવડું મહત્વ છે.
મહેશ ચોકસી