મેહરા, પ્રકાશ (જ. 1939, બિજનૌર, ઉત્તર પ્રદેશ) : હિંદી ચિત્રોના ગીતકાર, નિર્માતા, નિર્દેશક. અમિતાભ બચ્ચન માટે મહાનાયક બનવાનો માર્ગ કંડારનાર ચિત્ર ‘ઝંજીર’ના નિર્માતા તરીકે તેમનું એ પ્રથમ ચિત્ર હતું.

1958–59માં વિષ્ણુ સિનેટોન ચિત્રનિર્માણ સંસ્થામાં દિગ્દર્શક ધીરુભાઈ દેસાઈના સહાયક તરીકે કારકિર્દી શરૂ કરનાર પ્રકાશ મેહરા 1960ના દસકામાં ગીતકાર અને દિગ્દર્શક તરીકે જાણીતા થવા લાગ્યા. પ્રારંભે નાનાં ચિત્રોમાં કામ કર્યા બાદ ‘હસીના માન જાયેગી’ (1968) તેમનું પ્રથમ સફળ ચિત્ર નીવડ્યું. આ ચિત્રનાં ગીતો પણ તેમણે જ લખ્યાં હતાં. એ પછી ‘મેલા’ (1971) અને ‘સમાધિ’ (1972) પણ સફળ થતાં કેટલાક મિત્રોની સલાહથી તેઓ નિર્માતા બની ગયા અને ‘પ્રકાશ મેહરા પ્રોડક્શન્સ’ નામની સંસ્થાની સ્થાપના કરી. આ સંસ્થાના નેજા હેઠળ તેમણે પ્રથમ ચિત્ર ‘ઝંજીર’નું નિર્માણ કર્યું. એક પ્રામાણિક પોલીસ ઇન્સ્પેક્ટર અને તેના પઠાણ મિત્રની કહાણી કહેતા આ ચિત્રે એવી જબરદસ્ત વ્યાવસાયિક સફળતા મેળવી કે તે પછી ચિત્રના નાયક અમિતાભ બચ્ચને કદી પાછું વાળીનું જોવું ન પડ્યું અને પ્રકાશ મેહરા પણ અગ્રણી નિર્માતા-દિગ્દર્શકોની હરોળમાં આવી ગયા. ‘ઝંજીર’ પછી અમિતાભ અને પ્રકાશ મેહરાની પણ જોડી થઈ ગઈ. તેમની સાથે અભિનેતા વિનોદ ખન્ના જોડાતાં આ ત્રિપુટીનાં એક પછી એક ચિત્રો સફળ થવા માંડ્યાં. આવાં ઘણાં ચિત્રો તેમણે આપ્યાં.

નોંધપાત્ર ચલચિત્રો : ‘હસીના માન જાયેગી’ (1968), ‘મેલા’ (1971), ‘આનબાન’, ‘સમાધિ’ (1972), ‘ઝંજીર’ (1973), ‘હાથ કી સફાઈ’ (1974), ‘હેરાફેરી’ (1976), ‘મુકદ્દર કા સિકંદર’ (1978), ‘લાવારિસ’ (1981), ‘નમકહલાલ’ (1982), ‘શરાબી’ (1984), ‘જાદુગર’ (1988), ‘જિંદગી એક જુઆ’ (1992), ‘દલાલ’ (1994).

હરસુખ થાનકી