મેળવણીપત્રક : ધંધાદારીના હિસાબી ચોપડા મુજબ દેવાદાર/લેણદારના ખાતામાં તથા જે તે દેવાદાર/ લેણદારના હિસાબી ચોપડા મુજબ ધંધાદારીના ખાતામાં તફાવત જણાય અથવા ધંધાદારીના હિસાબી ચોપડા મુજબ બૅંક ખાતામાં તથા તેની બૅંક પાસબુકમાં તફાવત જણાય તો તેનાં કારણો શોધીને મેળવણી કરવા માટેનું પત્રક. ધંધામાં દેવાદારો અને લેણદારો હિસાબની પતાવટ કરવા માટે એકબીજાને ખાતાના ઉતારા મોકલે છે. કેટલીક વખત સામસામેની ખાતાંઓની બાકી જુદી જુદી આવે છે. આ સંજોગોમાં તફાવત કયાં કારણોને લીધે સર્જાયો તે જાણી તે દૂર કરવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. આ ઉપરાંત બૅંકની ખાતાવહી અને ધંધાદારીના ચોપડે બૅંક ખાતાની બાકી વચ્ચે પણ તફાવત પડતો હોય છે. બૅંક ખાતેદારને તેના ખાતાનો ઉતારો પાસબુકમાં કરી આપે છે. આજે કમ્પ્યૂટરની સેવાને કારણે બૅંક કમ્પ્યૂટર પર તૈયાર કરેલ પત્રક ખાતેદારને આપે છે. આ પત્રકની સાથે ખાતેદાર પોતાના બૅંકખાતાની બાકી સરખાવે છે. જો બાકી સરખી ન આવે તો તફાવત ઊભા થવાનાં અનેક કારણો હોઈ શકે તે કારણો જાણી તેમને દૂર કરવા માટે જરૂરી નોંધ કરે છે.

આમ ઉપર્યુક્ત બંને પરિસ્થિતિમાં પક્ષકારો ખાતાંની બાકીઓની મેળવણી કરવા માટે જે પત્રક તૈયાર કરે છે તેને મેળવણીપત્રક કહેવાય છે.

દેવાદાર-લેણદારના સંદર્ભમાં જોઈએ તો દેવાદાર લેણદારને ક્રૉસ્ડ ચેકથી રકમ ચૂકવે ત્યારે લેણદારને ખાતે ઉધારે છે, પરંતુ જો આ ચેક બૅંકમાં નકારાય ત્યારે દેવાદારને ખબર ન હોવાથી તેના ચોપડે તેની નોંધ ન થઈ હોય, પરંતુ બીજી બાજુએ લેણદાર ચેક નકારાયાની નોંધ તેના ચોપડે દર્શાવે છે. પરિણામે બંને પક્ષકારોની અરસપરસનાં ખાતાંની બાકી આવે છે. ખરીદ-વેચાણની રકમ ચેક દ્વારા ચૂકવવામાં આવી હોય અને ચેક બકમાં નાખવાનો રહી ગયો હોય ત્યારે પણ ખાતાની બાકીમાં તફાવત સર્જાય છે. તેવી રીતે બૅંક અને ખાતેદાર વચ્ચે પણ બૅંક ખાતાની બાકી વચ્ચે તફાવત ઊભો થવાનાં અનેક કારણો હોય છે; જેમ કે વેપારીએ લખેલો ચેક બૅંકમાં નાખવાનો રહી ગયેલો હોય; કોઈ ગ્રાહકે બારોબાર વેપારીના ખાતામાં રકમ જમા કરી હોય; મળેલો પણ બૅંકમાં જમા ન થયેલ ચેક ખાતેદારના ગલ્લામાં કે તિજોરીમાં પડી રહ્યો હોય; બૅંકમાં ભરેલી હૂંડી નકારાઈ હોય; બૅંકે કમિશનની રકમ ઉધારી હોય, પણ તેની ખાતેદારને જાણ ન હોય; બૅંકે જમા કરેલા વ્યાજની ખાતેદારના ચોપડામાં નોંધ ન થઈ હોય; બૅંકે ખાતેદાર વતી વીમાનું પ્રીમિયમ, વીજળીનું બિલ, વેરાનું બિલ ભર્યું હોય, જેની ખાતેદારના ચોપડામાં નોંધ કરવાની રહી ગઈ હોય. આવાં તો અનેક કારણો હોઈ શકે.

આમ પક્ષકારો વચ્ચે સામસામે ખાતાંની બાકીઓ વચ્ચે ઊભા થતા તફાવતનાં કારણો જાણી તે દૂર કરવા માટે તૈયાર કરવામાં આવતા પત્રકને મેળવણીપત્રક તરીકે ઓળખવામાં આવે છે.

અશ્વિની કાપડિયા