મેલિકૉવ, આરિફ (જ. 13 સપ્ટેમ્બર 1933, આઝરબૈજાન) : આઝરબૈજાની સંગીતકાર અને સંગીતનિયોજક. બાળપણમાં મેલિકૉવનો આઝરબૈજાની લોકસંગીતનાં વાદ્યો વગાડવાનો શોખ કિશોરવયે બાકુ ખાતે આવેલી ઝેલીની મ્યૂઝિક સ્કૂલમાં તેમને વિદ્યાર્થી તરીકે ખેંચી ગયો. અહીં લોકવાદ્યોના વિભાગમાં તેમને વિશેષ રસ પડ્યો. આ પછી તેમણે બાકુની બાકુ કૉન્ઝર્વેટરીમાં પ્રવેશ મેળવ્યો અને વિખ્યાત સંગીતનિયોજક કારા કારાયેલ પાસે ભણવાની તક મેળવી. તેમની શ્રેષ્ઠ કૃતિઓમાં ‘કન્ચર્ટિનો ફૉર ફ્લૂટ ઍન્ડ ઑર્કેસ્ટ્રા’, સિમ્ફનિક પોએમ ‘ફેરીટેલ’, પહેલી સિમ્ફની તથા બૅલે ‘લવ લિજન્ડ’નો સમાવેશ થાય છે. 1961માં લેનિનગ્રાડ (હવે સેંટ પીટર્સબર્ગ) ખાતે પ્રથમ વાર મંચન પામેલ આ બૅલે ‘લવ લિજન્ડ’નો રશિયન બૅલે-કલાની એક શ્રેષ્ઠ કૃતિ તરીકે તુરત સ્વીકાર થયો. તેમાં રંગમંચસજ્જા (scenario) નાઝિમ હિકમતે તથા નૃત્યનિયોજન (choreography) યુરી ગ્રિગૉરોવિચે કર્યું હતું. બોલ્શોઈ બૅલે કંપનીએ પણ ‘લવ લિજન્ડ’નાં નિયમિત મંચન દેશવિદેશમાં શરૂ કરી તેને આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ આપી.
ફુરસદના વખતમાં મેલિકૉવ ચિત્રકલાના પ્રયોગો પણ કરે છે.
અમિતાભ મડિયા