મેયર, મારિયા ગીયોપર્ટ (જ. 28 જૂન 1906, કાટોવીટ્સ, જર્મની; અ. 20 ફેબ્રુઆરી 1972, સાન ડિયેગો, કૅલિફૉર્નિયા) : પ્રોટૉન અને ન્યુટ્રૉનથી રચાતા કવચની સંરચનાને આધારે પારમાણ્વિક ન્યુક્લિયસની સમજૂતી આપનાર જર્મન ભૌતિકવિજ્ઞાની. આ સમજૂતી બદલ આ મહિલા વિજ્ઞાનીને પશ્ચિમ જર્મનીના જે. હાંસ ડૅનિયલ જેન્સન અને યુ. એસ.ના યૂજીન પી. વિગ્નેરની ભાગીદારીમાં 1963નો ભૌતિકવિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.
1930માં તેમણે ગોટિંગન યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી, ને યુ.એસ.ના રાસાયણિક ભૌતિકવિજ્ઞાની જોસેફ ઈ. મેયર સાથે લગ્ન કર્યું. પછી તે તેમની સાથે બાલ્ટિમોરની જૉન હૉફકિન્સ યુનિવર્સિટીમાં ગયાં. 1939માં તે કોલંબિયા યુનિવર્સિટીમાં ગયાં. ત્યાં રહીને તેઓ પરમાણુ બૉંબ-પ્રકલ્પ માટે જરૂરી યુરેનિયમના સમસ્થાનિકોને છૂટા પાડવાના કામમાં લાગી ગયાં. ત્યારબાદ તેઓ 1945માં શિકાગો યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ન્યૂક્લિયર સ્ટડિઝમાં જોડાયાં.
મેયર અને જેન્સને સ્વતંત્ર રીતે ન્યુક્લિયસનો કવચ નમૂનો વિકસાવ્યો. ન્યુટ્રૉન અને પ્રોટૉનને સંયુક્ત રીતે ન્યુક્લિયૉન્સ કહે છે. આ નમૂનામાં આવા ન્યુક્લિયૉન્સ કક્ષાની અંદર ગતિ કરતા હોય છે. એમણે મહત્વની વાત તો એ કરી કે ન્યુક્લિયસની અંદર ફરતા ન્યુક્લિયૉન્સનાં પ્રચક્રણ એક જ દિશામાં અથવા વિરુદ્ધ દિશામાં હોય તો તેઓ જુદી જુદી ઊર્જા ધરાવે છે. આ રીતે પ્રત્યેક ન્યુક્લિયૉનના કક્ષીય વેગમાન અને પ્રચક્રણ વચ્ચે મજબૂત યુગ્મન અસ્તિત્વમાં આવે છે. ન્યુક્લિયસની અંદરના કવચમાં ન્યુટ્રૉન અથવા પ્રોટૉનની સંખ્યા 2, 8, 20, 28, 50, 82, 126 હોય ત્યારે કવચ પૂર્ણ થતાં ન્યુક્લિયસની સ્થિરતા મહત્તમ બને છે. આ સંખ્યાઓને મૅજિક સંખ્યા કહે છે. પ્રચક્રણ–કક્ષીય યુગ્મનના ખ્યાલ ઉપર તૈયાર કરેલ કવચ નમૂનો મૅજિક સંખ્યાની આગાહી કરે છે. અને આવી ન્યુક્લિયસની સ્થિરતા અને વિપુલતાની સમજૂતી તેમણે આપી.
હીલિયમ (2), ઑક્સિજન (8), કૅલ્શિયમ (20) વગેરેની ન્યુક્લિયસ મહત્તમ સ્થિરતા ધરાવે છે.
ન્યૂક્લિયર કવચના સિદ્ધાંતના આધારે આ સમજૂતી 1949માં આપી તેમણે 1955માં જેનસન સાથે ‘એલિમેન્ટરી થિયરી ઑવ્ ન્યૂક્લિયર સેલ સ્ટ્રક્ચર’ નામે પુસ્તક લખ્યું.
આશા પ્ર. પટેલ