મેમ્લિન્ગ, હૅન્સ (જ. 1430, સૅલિજેન્સ્ટાડ, જર્મની; અ. 11 ઑગસ્ટ 1494, બ્રુજેસ, બેલ્જિયમ) : પ્રસિદ્ધ ફ્લેમિશ ચિત્રકાર. કોલોન નગરમાં ચિત્રકળાની તાલીમ લીધા પછી 1455માં તેઓ નેધરલૅન્ડ્ઝ ગયા અને ત્યાં ચિત્રકાર રૉજિયર વૅન ડર વેડનના સ્ટુડિયોમાં ચિત્રકામના સહાયક તરીકે રહ્યા. 1460માં બ્રુજેસમાં સ્થિર થઈને તેમણે સ્ટુડિયો શરૂ કર્યો અને પ્રભુભોજનના ટેબલ પાછળનાં ચિત્રો (alterpieces) તથા વ્યક્તિચિત્રો સર્જ્યાં. ચિત્ર-સર્જનમાંથી તેઓ અઢળક ધન કમાયા અને નગરના ધનાઢ્ય-વર્ગમાં સ્થાન પામ્યા. 1470થી 1480ના ગાળામાં તેમણે આન્ના દે ફાલ્કેનાએરી (Anna de Valkenaere) સાથે લગ્ન કરેલું.
મેમ્લિન્ગનાં ઘણાં ચિત્રો પર તારીખ છે, તો કેટલાંક તારીખ વગરનાં પણ છે. તેમના સમગ્ર સર્જનને સમયાનુક્રમ પ્રમાણે ગોઠવવું કળા-ઇતિહાસકારો માટે મુશ્કેલ છે; કારણ કે યુવાવસ્થાના પ્રારંભમાં વિકસેલી તેમની નિજી શૈલીમાં સમગ્ર કારકિર્દી દરમિયાન કોઈ ખાસ ફેરફાર થયો નહોતો. એટલું સ્પષ્ટ છે કે મેમ્લિન્ગનાં ચિત્રોમાં મેડૉનાની ચિત્ર-આકૃતિ ઉત્તરોત્તર પાતળી થતી જતી દેખાય છે. મેમ્લિન્ગની ચિત્રકલા પર પ્રસિદ્ધ ફ્લેમિશ ચિત્રકારો જાન વાન આઇક (Jan van Eyck), ડર્ક બાઉટ્સ તથા હ્યૂગો વાન ડર ગૉએઝ(Hugo van der Goes)ની સ્પષ્ટ અસર જોવા મળે છે. ઝગારા મારતા અરીસા, ટાઇલ જડેલી ભોંય, ઝુમ્મરો, ચિત્રવિચિત્ર સુશોભનો, ચંદરવા (canopies) તથા જરીભરતના પોશાકોનું ચિત્રણ સ્પષ્ટ રીતે ફ્લેમિશ વાતાવરણ ઊભું કરે છે. મેમ્લિન્ગને ફ્લૉરેન્સના પ્રસિદ્ધ ધનાઢ્ય મેદિચી કુટુંબના પ્રતિનિધિઓ તથા અન્ય ધનાઢ્ય વેપારીઓ તથા ખ્રિસ્તી ધાર્મિક સંગઠનો તેમજ સંસ્થાઓ તરફથી પ્રોત્સાહન મળતું રહ્યું હતું.
તેમની જાણીતી કલાકૃતિઓમાં ચાટ્સવર્થ ખાતેનું ‘મેડૉના એન્થ્રૉન્ડ’ (1468), બ્રુજેસ ખાતેનાં ‘મૅરેજ ઑવ્ સેંટ કૅથરિન’ (1479) અને ‘શ્રાઇન ઑવ્ સેંટ અર્સ્યુલા’ (1489) જેવાં ચિત્રો ઉલ્લેખનીય છે. ધર્મવિષયક ચિત્રો ઉપરાંત તેમનાં વ્યક્તિચિત્રો પણ તેમની નિપુણતા માટે વખણાયેલાં છે.
અમિતાભ મડિયા