મેન્ડેલ, ગ્રેગોર જોહાન (જ. 22 જુલાઈ 1822, હીંઝેનડૉર્ફ, ઑસ્ટ્રિયા; અ. 6 જાન્યુઆરી, 1884, બ્રૂન ચેકોસ્લોવેકિયા) : જનીનવિજ્ઞાનના સંસ્થાપક. તે 1843માં ઑસ્ટ્રિયાના બ્રૂન શહેર (હાલના ચેકોસ્લોવેકિયાના બર્નો શહેર)ના સંત ઑગસ્ટાઇનના મઠમાં ગરીબ છોકરા તરીકે જોડાયેલા અને 1847માં તેમને ધર્મોપદેશકની દીક્ષા આપવામાં આવેલી. 1851માં તેમને વિયેના જઈ પ્રાકૃતિક વિજ્ઞાનમાં પારંગત થવાનો આદેશ મળ્યો. તે ત્યાં ભૌતિકવિજ્ઞાન અને ગણિતમાં સારો દેખાવ કરી શક્યા નહિ. 1853માં વિયેનાથી પાછા ફર્યા બાદ તેમને મઠની આજુબાજુની ખુલ્લી ઉજ્જડ જમીન પર બગીચો કરવાનું કાર્ય સોંપાયું. તેમણે ઉપાધિ (degree) વગરનું સહાયક શિક્ષક તરીકેનું કાર્ય સ્વીકાર્યું અને સર્વેનો પ્રેમ સંપાદન કર્યો.

ગ્રેગૉર જોહાન મેન્ડેલ

મેન્ડેલે (1865) દેશી વટાણા (Pisum sativum) ઉપર સંકરણને અનુલક્ષીને સતત સાત વર્ષ સુધી કરેલાં વિસ્તૃત સંશોધનો ‘નૅચરલ હિસ્ટરી સોસાયટી ઑવ્ બ્રૂન’ની બે વાર મળેલી સભામાં વાંચ્યાં. આ સંશોધનોનાં પરિણામો અને નિયમો 1866માં સોસાયટીની વાર્ષિક કાર્યવહીમાં છપાયાં. પરંતુ 1900 સુધી તેમના સંશોધનકાર્યને વિજ્ઞાન-જગતમાં કોઈ ખાસ પ્રસિદ્ધિ મળી નહિ. પરંતુ આ જ વર્ષે નેધરલૅન્ડ્ઝ-(હોલૅન્ડ)ના હ્યૂગો-દ-ફ્રીસ, જર્મનીના કૉરેન્સ અને ઑસ્ટ્રિયાના સ્કેર્મેકે લગભગ એકસાથે વિયોજન(segregation)નો નિયમ પુન: સંશોધિત કર્યો અને મેન્ડેલના કાર્યની જાહેરાત કરી.

તેમણે જનીનને સમકક્ષ ‘કારક’ (factor) શબ્દ પ્રચલિત કર્યો અને સમયુગ્મી (homozygous), વિષમયુગ્મી (heterozygous) અને વૈકલ્પિક કારક(allele)ની પરિભાષા આપી.

તેમનાં અવલોકનો પરથી તેમણે આપેલા આનુવંશિકતાના નિયમો આ પ્રમાણે છે :

(1) પ્રભાવિતા(dominance)નો નિયમ

(2) વિયોજનનો નિયમ

(3) જન્યુઓ(gametes)ની વિશુદ્ધતાનો નિયમ

(4) કારકોની મુક્ત વહેંચણી(independent assortment)નો નિયમ.

તેમણે આનુવંશિકતા અંગે સંશોધનાત્મક અભ્યાસ સૌપ્રથમ વાર કર્યો હોવાથી તેમને જનીનવિજ્ઞાનના પિતા તરીકે ઓળખાવવામાં આવે છે. તેમનાં સંશોધનો પરથી માનવનાં પુરોગામી તેમજ વર્તમાન પેઢીઓના વંશાવળી (pedigree) નકશાઓ તૈયાર કરીને આનુવંશિક લક્ષણોના અભ્યાસનો પ્રારંભ થયો.

ટ્યુટૉન રીને (1962) પોતાના પુસ્તક ‘Reason and Chance in Scientific Discovery’માં મેન્ડેલે આપેલા આનુવંશિકતાના નિયમો અંગે જણાવ્યું છે કે ‘મૂળભૂત રીતે આ સિદ્ધાંતનું આણ્વીય જીવવિજ્ઞાનમાં નવાં સંશોધનો દ્વારા વિસ્તૃતીકરણ થયું છે. તે અર્વાચીન જનીનવિજ્ઞાનના સારતત્વરૂપ ગણાયું છે.’

‘ઇંડિયન સોસાયટી ઑવ્ જેનેટિક્સ ઍન્ડ પ્લાન્ટ બ્રીડિંગે’ મેન્ડેલવાદની શતાબ્દી ઊજવી ત્યારે ‘કૃષિવિજ્ઞાન, જીવવિજ્ઞાન અને ઔષધવિજ્ઞાન ઉપર મેન્ડેલવાદનો પ્રભાવ’ (The Impact of Mendelism on Agriculture, Biology and Medicine) નામનો ગ્રંથ પ્રકાશિત કર્યો છે.

ચંદ્રકુમાર કાંતિલાલ શાહ