મૅન્ડેટરી ઓવર્સ : કોઈ પણ ત્રણ દિવસ, ચાર દિવસ કે પાંચ દિવસની (ટેસ્ટ) ક્રિકેટ મૅચના અંતિમ દિવસે રમતનો છેલ્લો કલાક બાકી હોય ત્યારે બંને ટીમોને પરિણામ માટે સરખી ન્યાયી તક મળે, એ માટે ફરજિયાત 20 ઓવર્સ ફેંકવામાં આવે છે. હવે આ મર્યાદા ઘટાડીને 15 ઓવર્સની કરવામાં આવી છે, જેને ‘મૅન્ડેટરી ઓવર્સ’ કહેવામાં આવે છે.

1966 પછી ટેસ્ટ ક્રિકેટમાં છેલ્લા દિવસે–પરિણામ લાવવા માટે આ ‘મૅન્ડેટરી ઓવર્સ’ અમલી બનાવવામાં આવી હતી. મૅચના અંતિમ દિવસે છેલ્લો કલાક બાકી હોય ત્યારે મેદાન પર ‘ડ્રિંક્સ’ (પાણી તથા ઠંડાં પીણાં) આવે છે, જે મૅન્ડેટરી ઓવર્સ શરૂ થવાની નિશાની હોય છે.

મૅન્ડેટરી ઓવર્સ શરૂ થયા બાદ, થોડી ઓવર્સ ફેંકાયા પછી પરિણામ આવી જાય તો ઠીક છે, પરંતુ અમ્પાયરોને લાગે કે મૅન્ડેટરી ઓવર્સ પૂરી થયા બાદ મૅચનું પરિણામ આવવાનું નથી તો બંને ટીમોના સુકાનીઓ અમ્પાયરો સાથે મસલત કરીને રમતને ત્યાં જ અટકાવી મૅચને ‘ડ્રૉ’ જાહેર કરે છે.

જગદીશ બિનીવાલે