મેન્ડિપ ટેકરીઓ : ઇંગ્લૅન્ડના દક્ષિણ ભાગમાં આવેલા સમરસેટ પરગણાની ટેકરીઓ. ભૌગોલિક સ્થાન : 51° 15´ ઉ. અ. અને 2° 45´ પ. રે.ની આજુબાજુ ત્યાં વાયવ્યમાં આવેલા એક્સબ્રિજથી અગ્નિમાં આવેલા શેપ્ટન મૅલેટ સુધીના આશરે 50 કિમી. સુધી તે વિસ્તરેલી છે. તેના પર આવેલું સર્વોચ્ચ શિખર 326 મીટરની ઊંચાઈ ધરાવે છે. પશ્ચિમ તરફની ટેકરીઓ ઉચ્ચપ્રદેશીય સ્વરૂપવાળી છે અને સરેરાશ 244 મીટર આજુબાજુની ઊંચાઈવાળી છે, કોઈક કોઈક જગાએ તેમની પહોળાઈ 10 કિમી. જેટલી પણ છે; જ્યારે પૂર્વ તરફ જતાં ઊંચાઈનું પ્રમાણ ઘટતું જાય છે. વધુ પશ્ચિમે તે વિસ્તરીને બ્રિસ્ટલની ખાડી સુધી પણ પહોંચે છે. અહીંના ચેડર કોતરના ચૂનાખડકોમાં ઘણી ગુફાઓ તૈયાર થયેલી છે. વળી જ્યાં ડૂબક-બખોલો (swallow holes) બનેલી છે ત્યાં થઈને વહેતાં ઝરણાં તેમાં એકાએક ઊતરી પડવાથી અર્દશ્ય થઈ જતાં જણાય છે. આવી ડૂબક-બખોલો ચેડર અને વૂકી ખાતે જોવા મળે છે. પ્રાગૈતિહાસિક વસાહતોના અગત્યના પુરાવારૂપ અંશો પણ અહીંથી મળી આવેલા છે.
ગિરીશભાઈ પંડ્યા