મેન્ચર, જોન પી. (જ. અ.) : અમેરિકાનાં વિદુષી મહિલા નૃવંશશાસ્ત્રી. તેમણે સ્નાતકની પદવી સ્મિથ કૉલેજમાંથી અને પીએચ. ડી.ની પદવી કોલંબિયા યુનિવર્સિટીમાંથી 1958માં પ્રાપ્ત કરી. તેમણે 1958 પછીનાં વર્ષોમાં ભારતનાં કેરળ, તામિલનાડુ તથા પશ્ચિમ બંગાળમાં ક્ષેત્રકાર્ય કર્યું હતું. 1969–74ના સમયગાળા દરમિયાન કોલંબિયા યુનિવર્સિટી તરફથી રિસર્ચ એસોસિયેટ તરીકે સંશોધનકાર્ય કર્યું હતું. આ સંશોધન અભ્યાસ તામિલનાડુના કૃષિક્ષેત્રને લગતો હતો.
મેન્ચરે ભારત અને અમેરિકામાં સંશોધનક્ષેત્રે ઘણું મહત્વનું અને ઉપયોગી કાર્ય કર્યું. તેમને અનુસ્નાતક સંશોધનકાર્ય કરવા માટે ફેલોશિપ મળી હતી. નૅશનલ સાયન્સ ફાઉન્ડેશન પ્રકલ્પ(project)માં સહનિયામક તરીકે કાર્ય કર્યું. આ પ્રકલ્પ ન્યૂયૉર્ક યુનિવર્સિટીના રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યો હતો. આ સંશોધન પ્રકલ્પને કોલંબિયા યુનિવર્સિટી દ્વારા વિશેષ અનુદાન આપવામાં આવ્યું હતું. તેમણે આ પ્રકલ્પમાં સુંદર કામગીરી કરી હતી.
તેઓ અમેરિકન ઍન્થ્રૉપૉલૉજિકલ ઍસોસિયેશન ઍન્ડ સોસાયટી ફૉર એપ્લાઇડ ઍન્થ્રૉપૉલૉજીનાં ફેલો હતાં. આ ઉપરાંત તેઓ ઍસોસિયેશન ફૉર એશિયન સ્ટડીઝ અને ધી ઇન્ડિયન ઍન્થ્રૉપૉલૉજિકલ ઍસોસિયેશનનાં સભ્ય હતાં. તેમણે ભારતમાં તથા યુ.એસ.માં અનેક સંશોધનો કર્યાં છે, તેના આધારે તેમનાં લેખો અને સંશોધનો ભારત તથા અમેરિકાનાં વિવિધ સામયિકોમાં પ્રગટ થયાં છે. તેમણે ભારતના કૃષક સમાજની સામાજિક–આર્થિક સમસ્યાઓ પરત્વે ઘણું ઉપયોગી કાર્ય કર્યું છે.
તેમણે લેખક તથા સંપાદક તરીકે પણ કાર્ય કર્યું છે. તેમનું ‘સોશિયલ સ્ટ્રક્ચર ઇન તામિલનાડુ’ પુસ્તક 1978માં પ્રસિદ્ધ થયું હતું. આ ઉપરાંત ‘સોશિયલ ઍન્થ્રૉપૉલૉજી ઑવ્ પેઝન્ટ્રી’ નામના પુસ્તક(1983)નું સંપાદનકાર્ય કર્યું છે. તેમનાં અન્ય પુસ્તકોમાં ‘મિક્સ્ડ બ્લેસિંગ્ઝ’, ‘વિમેન ઍન્ડ રિલિજિયસ ફંડામેન્ટલિઝમ’ વગેરેનો સમાવેશ થાય છે.
હર્ષિદા દવે