મેદાની રમતો : રમતો – સ્પર્ધાત્મક રમતો આંતરભિત્તીય (INDOOR) તેમજ બહિરભિત્તીય (OUTDOOR) પ્રકારની હોય છે. મેદાની રમતો બહુધા બહિરભિત્તીય રમતો છે. મેદાની રમતો ખુલ્લા આકાશ નીચે મેદાનમાં રમાય છે. મેદાની રમતોમાં રમવાની સપાટી જમીન, ઘાસ, બરફ તેમજ કૃત્રિમ ઘાસ – સિન્થેટિક્સ–ની હોય છે. ઘણી રમતો પશ્ચિમના દેશોમાં આંતરભિત્તીય રમાય છે; પરંતુ ભારતમાં તે જ રમતો ખુલ્લા મેદાનમાં રમાય છે; દા.ત., બાસ્કેટબૉલ, વૉલીબૉલ, હૅન્ડબૉલ વગેરે. ટૂંકમાં જે રમતો ખુલ્લા આકાશ નીચે જમીન, ઘાસ, બરફ તેમજ સિન્થેટિકની સપાટી ઉપર રમાય છે, તેવી રમતો મેદાની રમતો તરીકે ઓળખવામાં આવે છે.
માટી-જમીનની સપાટી ઉપર રમાતી રમતોમાં કબડ્ડી, ખોખો, લંગડી તેમજ આટાપાટાની રમતો મોટાભાગે ભારતીય રમતો છે. ઘાસ ઉપર રમાતી રમતોમાં ફૂટબૉલ, ટેનિસ, ક્રિકેટ અને સિન્થેટિક સપાટી ઉપર રમાતી રમતોમાં હૉકી, ટેનિસ અને ઍથ્લેટિક્સની રમતો છે. ફક્ત ખોખોની રમતને બાદ કરતાં બધી જ રમતોનાં મેદાન ઉત્તર–દક્ષિણ હોય છે.
મેદાની રમતો ગમે તે સપાટી ઉપર રમાતી હોય પરંતુ કેટલીક સામાન્ય બાબતો એકસરખા પ્રકારની હોય છે.
(1) રમતોનાં મેદાન ચોક્કસ દિશામાં હોય છે.
(2) દરેક મેદાન ઉપર સફેદ રેખાંકન કરેલું હોય છે.
(3) મેદાન ઉપર રમતને લગતાં ઉપકરણો જમીનમાં દાટેલાં હોય છે.
(4) રમત માટે બે ટીમ હોય છે. મોટાભાગે દરેક ટુકડીમાં રમતના નિયમ મુજબ 5થી 11 ખેલાડી રમતા હોય છે.
(5) રમનાર ખેલાડી સાથે 5થી વધુ અવેજી ખેલાડીઓ હોય છે.
(6) રમતની સ્પર્ધાનો સમય નક્કી હોય છે.
(7) સ્પર્ધા દરમિયાન દરેક ટુકડીનો ગણવેશ અલગ અલગ હોય છે.
(8) સ્પર્ધામાં ઉપયોગમાં લેવામાં આવતાં ઉપકરણો, સાધનો જે-તે રમતોના આંતરરાષ્ટ્રીય રમત સંઘોએ નક્કી કરેલા નિયમોને અધીન રાખવામાં આવે છે.
(9) મોટાભાગે સ્પર્ધામાં રમતને અનુરૂપ નાના-મોટા વિવિધ પદાર્થોના બૉલનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ બૉલને રમવા માટેનાં ઉપકરણો પણ રમત મુજબ બદલાય છે. ઉદાહરણ તરીકે હૉકીમાં લાકડાની સ્ટિક, ક્રિકેટમાં એક બાજુની સપાટીવાળું બૅટ બેઝબૉલમાં લાકડાનું ગોળ બૅટ હોય છે. ટેનિસમાં જાળીવાળું બૅટ હોય છે.
(10) રમતોની સ્પર્ધા ક્રિકેટની જેમ ડ્રૉ થતી નથી, પરંતુ વિજેતા નક્કી કરવા માટે વિવિધ પ્રકારના અગાઉથી નક્કી કરેલા નિયમોનો ઉપયોગ કરવામાં આવે છે.
(11) રમત-સંઘોએ માન્ય કરેલા પંચ અધિકારીઓ જ રમત રમાડી શકે છે.
(12) રમતોમાં ઝડપ, ત્વરિત નિર્ણયશક્તિ અને ચોકસાઈ આવે તે માટે ચાર વર્ષે રમતોના નિયમોમાં ફેરફાર થતા હોય છે.
(13) સ્પર્ધા દરમિયાન ખેલાડીઓ ગમેતેમ અથવા મનફાવે તેમ ન રમે તે માટેના ખેલાડીઓને નિયંત્રિત કરવાના નિયમો પણ હોય છે.
(14) કેટલીક રમતોમાં ખેલાડીને રમતમાંથી બાકાત કરવામાં આવે છે. કેટલીક રમતોમાં ત્યારપછીની રમતમાંથી બાકાત કરવામાં આવે છે.
(1) કબડ્ડી : સપાટી = માટીની સપાટી હોય છે.
મેદાન = 12.50 મી. લંબાઈ અને 10.0 મીટર પહોળાઈનું હોય છે.
ખેલાડીની સંખ્યા = 7 રમનાર અને 5 અવેજી મળીને 12 ખેલાડી હોય છે.
રમતનો સમય = ભાઈઓ માટે 20 મિનિટનો એક એવા બે દાવ અને બે દાવની વચ્ચે 5 મિનિટનો આરામ આપવામાં આવે છે. બહેનો માટે 15 મિનિટના દાવ હોય છે.
રમતનો ધ્યેય : પ્રતિસ્પર્ધી ટીમના આંગણમાં કબડ્ડી, કબડ્ડી શબ્દોચ્ચાર બોલતા જઈને શ્વાસ અટક્યા વગર પ્રતિસ્પર્ધીઓને અડકીને અથવા લંઘનરેખા ઓળંગીને સહીસલામત રીતે પોતાના આંગણમાં આવવું અને પ્રતિસ્પર્ધી ખેલાડીને પોતાના આંગણની લંઘનરેખા ઓળંગવા ન દેવી તેમજ જ્યાં સુધી શ્વાસ મૂકી ન દે ત્યાં સુધી આંગણમાં પકડી રાખવો.
વિજેતા = રમતના અંતે જે ટીમે વધુ ગુણ પ્રાપ્ત કર્યા હોય તે ટીમ વિજેતા ગણાય છે.
(2) ખોખો : સપાટી = માટીની સપાટી હોય છે.
મેદાન = 29 મીટર લંબાઈ અને 16 મીટર પહોળાઈનું હોય છે.
ખેલાડી સંખ્યા = રમનાર 9 ખેલાડી, અવેજી 6 ખેલાડી સાથે 15 હોય છે.
રમતનો સમય = દરેક રમત બે દાવની હોય છે. દરેક દાવમાં એક વારી પકડનાર તરીકે અને એક વારી રમનાર તરીકેની હોય છે. દરેક વારી 9 મિનિટની હોય છે. બે વારી વચ્ચે 2 મિનિટનો આરામ જ્યારે બે દાવ વચ્ચે 9 મિનિટનો આરામનો સમય હોય છે.
રમતનો મુખ્ય ધ્યેય = રમતના નિયમાનુસાર સમયમર્યાદામાં વધુમાં વધુ ખેલાડીઓને માર કરવા
વિજેતા = બે દાવને અંતે જે ટીમે વધુ ખેલાડીઓ માર કર્યા હશે તે ટીમ વિજેતા ગણાય છે.
સાધનો = જમીનની બહાર 1.25 મીટર બહાર રહે તેવા 9થી 10 સેમી. વ્યાસવાળા લાકડાના બે ગોળ ખૂંટ.
(3) હૉકી : સપાટી = માટી, ઘાસ અથવા સિન્થેટિક સપાટી હોય છે.
મેદાન = 91.44 મીટર લંબાઈ અને 54.86 મીટર પહોળાઈ હોય છે.
ખેલાડીસંખ્યા = રમનાર ખેલાડીઓ 11 અને 5 અવેજી ખેલાડીઓ મળીને 16 ખેલાડીઓ હોય છે.
રમતનો સમય = 35 મિનિટનો એક એવા બે દાવની રમત હોય છે. વચ્ચે 5 મિનિટનો આરામ રાખવામાં આવે છે.
રમતનો ધ્યેય = પ્રતિસ્પર્ધી પક્ષના ગોલસ્તંભમાંથી દડાને પસાર કરવાના અને સામા પક્ષને પોતાના ગોલસ્તંભમાંથી દડાને પસાર કરવાના પ્રયત્નને રોકવાનો છે.
વિજેતા = બે દાવને અંતે જે ટીમે વધુ ગોલ કર્યા હોય તે ટીમ વિજેતા ગણાય છે.
સાધનો = ગોલપોસ્ટ, નેટ, બૉલ, સ્ટિક, ધ્વજ, સમય ઘડિયાળ.
(4) ફૂટબૉલ : સપાટી = માટી અથવા ઘાસની સપાટી હોય છે.
મેદાન = 90થી 120 મીટરની લંબાઈ અને 45થી 90 મીટરની પહોળાઈ હોય છે.
ખેલાડીની સંખ્યા = રમનાર 11 ખેલાડીઓ અને 5 અવેજી મળીને કુલ 16 ખેલાડીઓ હોય છે.
રમતનો સમય = 45 મિનિટનો એક એવા બે દાવની રમત હોય છે. વચ્ચે 10 મિનિટનો આરામ હોય છે.
રમતનો ધ્યેય = સામા પક્ષના ગોલપોસ્ટમાં બૉલને પસાર કરીને ગોલ કરવાનો અને પોતાના ગોલપોસ્ટમાં સામા પક્ષના ખેલાડીઓ બૉલ પસાર ન કરે તે રીતે રોકવાનો છે.
વિજેતા = બે દાવના અંતે જે ટીમે વધુ ગોલ કર્યા હોય તે ટીમને વિજેતા ગણવામાં આવે છે.
સાધનો = ગોલપોસ્ટ, નેટ બૉલ, ધ્વજ, સમય ઘડિયાળ.
(5) ક્રિકેટ : સપાટી = ઘાસની સપાટી હોય છે.
મેદાન = 75 વાર અથવા 68.62 મીટરની ત્રિજ્યાના વર્તુળનો પ્રદેશ
ખેલાડીની સંખ્યા = રમનાર 11 ખેલાડીઓ અને 5 અવેજી ખેલાડીઓ મળીને 16 ખેલાડીઓ હોય છે.
રમતનો સમય = રમતનો સમય નક્કી હોતો નથી. પરંતુ એકદિવસીય મૅચ માટે 50 ઓવરો દરેક ટીમને રમવાની હોય છે અને જે ટીમ વધારે રન કરે તે વિજેતા ગણાય છે. જ્યારે ટેસ્ટ ક્રિકેટ મૅચ 5 દિવસની હોય છે. બંને ટીમને બે દાવ રમવાના હોય છે અને બે દાવને અંતે જે ટીમે વધારે રન કર્યા હોય તે વિજેતા ગણાય છે. જો 5 દિવસના અંતે બે દાવ પૂરા ન થાય તો તે મૅચ ડ્રૉ ગણાય છે.
રમતનો ધ્યેય = પ્રતિસ્પર્ધી ટીમ સાથે વધુ ને વધુ રન કરવા અને પ્રતિસ્પર્ધી ટીમને બને તેટલા ઓછા રનમાં આઉટ કરવાનો હોય છે.
વિજેતા = રમત પૂરી થતાં જે ટીમે વધારે રન કર્યા હોય તે ટીમ વિજેતા ગણાય છે.
સાધનો = વિકેટ, બેલ્સ, બૉલ, બૅટ, હેલમેટ અને અન્ય શરીર-સંરક્ષણનાં સાધનો.
(6) હૅન્ડબૉલ : સપાટી–માટીની હોય છે. (આંતરભિત્તીય માટે લાકડાની)
મેદાન = 38થી 44 મીટરની લંબાઈ અને 18થી 22 મીટરની પહોળાઈનું હોય છે.
ખેલાડીની સંખ્યા = રમનાર 7 ખેલાડીઓ અને 5 અવેજી ખેલાડીઓ મળીને 12 ખેલાડીઓ હોય છે.
રમતનો સમય = 30 મિનિટનો એક એવા બે દાવની રમત હોય છે. અને બે દાવની વચ્ચે 10 મિનિટ આરામનો સમય હોય છે
રમતનો ધ્યેય = પ્રતિસ્પર્ધી ટીમના ગોલપોસ્ટમાંથી દડાને પસાર કરવાનો અને પ્રતિસ્પર્ધી ટીમના ખેલાડીઓને પોતાના ગોલપોસ્ટમાંથી દડાને પસાર કરતા રોકવાનો છે.
વિજેતા = બે દાવને અંતે જે ટીમે વધુ ગોલ કર્યા હોય તે ટીમ વિજેતા ગણાય છે.
સાધનો = ગોલપોસ્ટ, નેટ, બૉલ, સ્ટૉપ વૉચ
(7) વૉલીબૉલ : સપાટી = માટીની સપાટી (આંતરભિત્તીય માટે લાકડાની)
મેદાન = 18 મીટર લંબાઈ અને 9 મીટર પહોળાઈનું હોય છે.
ખેલાડીની સંખ્યા = રમનાર 6 ખેલાડીઓ અને 6 અવેજી ખેલાડીઓ મળીને 12 ખેલાડીઓ હોય છે.
રમતનો સમય = સમય નક્કી હોતો નથી, કારણ કે રમતનું પરિણામ ટીમે જીતેલા સેટ ઉપરથી નક્કી કરવામાં આવે છે.
રમતનો ધ્યેય = પ્રતિસ્પર્ધી ટીમના આંગણમાં બૉલને ફટકારવો અને પ્રતિસ્પર્ધીઓને પોતાના આંગણમાં બૉલને ફટકારતા રોકવાનો છે.
વિજેતા = જે ટીમ 5માંથી 3 સેટ જીતે તે વિજેતા ગણાય છે. દરેક સેટ 25 ગુણનો હોય છે. આ એક જ રમત એવી છે કે પોતાની ભૂલ માટે સામી ટીમને ગુણ મળે છે.
સાધનો = 2.45 મીટર જમીનથી બહાર રહે તેવા બે થાંભલાઓ, નેટ, બે ઍન્ટેના, દર્શક પટ્ટાઓ, બૉલ,
(8) બાસ્કેટબૉલ : સપાટી = માટી, ડામર, સિમેન્ટની (આંતરભિત્તીય માટે લાકડાની સપાટી)
મેદાન = 28 મીટર લંબાઈ અને 15 મીટરની પહોળાઈ હોય છે.
ખેલાડીની સંખ્યા = રમનાર 5 ખેલાડીઓ અને રમવાના મૅચની સંખ્યા મુજબ 5 અથવા 7 અવેજી ખેલાડીઓ હોય છે.
રમતનો સમય = રમત 10 મિનિટની એક એવા ચાર સમયગાળાની હોય છે. રમતનો અર્ધસમયનો આરામ 15 મિનિટનો હોય છે. બે સમયગાળા વચ્ચે બે મિનિટનો આરામ આપવામાં આવે છે.
રમતનો ધ્યેય = પ્રતિસ્પર્ધી ટીમની બાસ્કેટબૉલમાં ગોલ કરવામાં અને પ્રતિસ્પર્ધી ટીમને પોતાની બાસ્કેટમાં ગોલ કરતા અટકાવવાનો છે.
વિજેતા = રમતને અંતે જે ટીમે વધુ ગુણ પ્રાપ્ત કર્યા હોય તે ટીમ વિજેતા ગણાય છે.
સાધનો = લાકડા અથવા પારદર્શક બે પાટિયાં, રિંગ, નેટ, બૉલ, સ્ટૉપવૉચ, સ્ટૉપ ઍન્ડ ગો વૉચ, ફાઉલ બનાવવાના પ્લેકાર્ડ.
હર્ષદભાઈ પટેલ