મેઢ, અંજલિ (જ. 11 સપ્ટેમ્બર 1928; અ. 10 ફેબ્રુઆરી 1979, વડોદરા) : ભરતનાટ્યમ્ નૃત્યશૈલીનાં જાણીતાં નૃત્યાંગના. સાત વર્ષની ઉંમરે તેઓ ભરતનાટ્યમ્ શિક્ષણ માટે દક્ષિણ ભારતની વિખ્યાત નૃત્યસંસ્થા ‘કલાક્ષેત્ર’ ગયાં ત્યારે તેમની નૃત્યછટા અને આત્મવિશ્વાસ જોઈ તેમનાં ગુરુ રુક્મિણીદેવીને તેમનામાં જન્મજાત કલાકારના અણસાર વર્તાયા હતા. અંજલિ મેઢનો ઉછેર કલારસિક વાતાવરણમાં થયો હતો. પિતા રમેશ હોરા નાટ્યકલામાં રસ ધરાવતા હતા, તેમજ માતા મુગ્ધાબહેન પુત્રીની નૃત્યકલાને પ્રોત્સાહન આપવા ઉપરાંત સુંદર કાવ્યરચના પણ કરતાં હતાં. શરૂઆતમાં બાળપણમાં કથક-શૈલીમાં તાલીમ મેળવી માત્ર ચાર વર્ષની ઉંમરથી અંજલિ મુંબઈમાં રંગમંચો પર રજૂઆત કરતી ત્યારે પ્રેક્ષકો તેમને ‘બેબી અંજલિ’ તરીકે ઉમળકાથી વધાવી લેતા હતા.

અંજલિ મેઢ
1944માં તેમણે ભરતનાટ્યમનાં વિખ્યાત નર્તકી અને ગુરુ રુક્મિણીદેવીના માર્ગદર્શન હેઠળ તાલીમ લેવાનું શરૂ કર્યું. તે ઉપરાંત ગુરુ ઓકલિંગમ્ પિલ્લૈ, દંડાયુધપાણિ પિલ્લૈ જેવા શ્રેષ્ઠ ગુરુઓ પાસેથી વિશેષ માર્ગદર્શન મેળવ્યું અને નૃત્યકલામાં ડિપ્લોમા હાંસલ કર્યો. ત્યારબાદ વધુ બે વર્ષ એ જ સંસ્થામાં રહી નટુવાંગમ્, કર્ણાટક-સંગીત, પ્રસાધન, વેશભૂષા ઉપરાંત ચિત્રકામ અને તમિળ, તેલુગુ, સંસ્કૃત અને અંગ્રેજી ભાષાઓનો અભ્યાસ કર્યો. આ સાથે ‘કલાક્ષેત્ર’ દ્વારા રજૂ થયેલ નૃત્યનાટિકાઓમાં ભાગ લીધો અને દેશભરમાં નૃત્યપ્રવાસ ખેડ્યો.
મુંબઈ પરત આવ્યા બાદ પોતાની સંસ્થા ‘રુક્મિણી કલાવિહાર’ શરૂ કરી. આ ઉપરાંત ભારતીય વિદ્યાભવનના નૃત્યવિભાગના અધ્યક્ષપદે પણ કેટલાંક વર્ષો રહ્યાં. 1953માં ડૉ. સુકુમાર મેઢ સાથે લગ્ન થયાં બાદ તેઓ વડોદરા સ્થાયી થયાં અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના નૃત્યવિભાગમાં અધ્યાપિકા બન્યાં અને સમય જતાં તેનાં અધ્યક્ષ પણ બન્યાં.
અંજલિબહેન નૃત્યક્ષેત્રે તેમના નિર્ભીક પ્રયોગો માટે જાણીતાં હતાં. ભરતનાટ્યમમાં હિંદુસ્તાની રાગ ઉપરાંત બિનતમિળભાષી નૃત્યરસિકો દ્વારા પણ આ નૃત્યકૃતિઓ માણી શકાય તે માટે ગુજરાતી, મરાઠી જેવી પ્રાદેશિક ભાષાઓમાં ભરતનાટ્યમનાં નૃત્યગીતોની રચના કરી. તેમણે અનેક નૃત્યનાટિકાઓની સંરચના કરી. તેમાં ‘સુદામાચરિત્ર’, ‘રામાયણ’, ‘શચિ પૌલોમી’, ‘રાધાનું સમણું’, ‘ચંદ્રમૌલીશ્વર કુરવંજી’ અને ‘નવગ્રહ’ નોંધપાત્ર ગણાય. સંગીત વિશેની તેમની વિશેષ સૂઝને કારણે ઘણી કપરી વિષયવસ્તુ તેઓ સરળ રીતે અને છતાં અસરકારક રીતે રજૂ કરતાં હતાં. તેમણે ગુજરાતીમાં ‘નર્તન દર્શિકા’, ‘ચંદ્રમૌલીશ્વર કુરવંજી’ તેમજ ‘અષ્ટ નાયિકા’ પુસ્તકો લખ્યાં છે. નૃત્ય ઉપરાંત સારાં ગાયિકા હોવાથી ઘણાં વર્ષો સુધી આકાશવાણી-કલાકાર પણ રહ્યાં હતાં. કંઠની મીઠાશ ઉપરાંત માર્દવભર્યાં ભાવસભર ગીતો-પદો તેમના સ્વરે સાંભળવાં એ એક લહાવો થઈ રહેતો હતો. પૂર્વ યુરોપ, રશિયા, આફ્રિકા અને સિલોન જેવા દેશોમાં તેમણે નૃત્ય-પ્રવાસો ખેડ્યા હતા.
‘નવગ્રહ’ની નૃત્યસંરચના તેમના માટે એક પડકારરૂપ હતી. તેની રજૂઆત પૂરી થઈ અને તુરત જ તેમના ઉપર જીવલેણ હૃદયહુમલો થયો અને રંગમંચ ઉપર જ તેમણે છેલ્લા શ્વાસ લીધા.
પ્રકૃતિ કાશ્યપ