મેડૉના (જ. 16 ઑગસ્ટ 1958, બે સિટી (Bay City), રૉચેસ્ટર મિશિગન, યુ.એસ.) : વિખ્યાત પૉપ-ગાયિકા. પૂરું નામ મેડૉના લુઈઝ સિકોન. તેમણે મિશિગન યુનિવર્સિટી ખાતે નર્તિકા તરીકેની તાલીમ લીધી હતી. ત્યારબાદ તેઓ ન્યૂયૉર્ક સિટી ગયાં; ત્યાં ન્યૂયૉર્કનાં સંખ્યાબંધ ગાયકવૃંદોમાં ગાયિકા તરીકે સાથ પુરાવવાની કામગીરી તેમણે શરૂ કરી.
તેમણે માઇકલ જૅક્સનના મૅનેજરની સહાયથી 1983માં ‘મેડૉના’ નામક આલબમ બહાર પાડ્યું; તેમાં અમેરિકાનાં 5 અતિસફળ નીવડેલાં એકલ-ગીતો (hit singles) સમાવેલાં હતાં.
તે પછીનાં આલબમોમાં મુખ્ય છે : ‘વર્જિન’ (1984) ‘ટ્રુ બ્લૂ’ અને ‘યુ કૅન ડાન્સ’ (1987). તેમણે ફિલ્મમાં પણ અભિનય આપ્યો છે; તેમાં ‘ડેસ્પરેટલી સીકિંગ સૂઝન’ (1985), ‘શાંગહાઈ સરપ્રાઇઝ’ (1986) તથા ‘એવિના’ (1996) ઉલ્લેખનીય છે. રંગભૂમિ પરના તેમના બિનધાસ્ત ઉત્તેજક દેખાવ તથા અભિનયના પરિણામે 1980ના તથા 1990ના દાયકાઓમાં તેઓ કિશોર-કિશોરીઓ માટે ઉન્માદપૂર્ણ અને ઘેલછારૂપ વ્યક્તિ બની રહ્યાં. તેમને મળેલી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ તથા સિદ્ધિ-પ્રસિદ્ધિ પાછળ તેમની પ્રતિભા ઉપસાવવાની તથા બહોળી પ્રચાર-પ્રક્રિયાની તરકીબોનો મહત્વનો સાથ છે. 1990ના પ્રારંભિક દશકામાં, આમાં વિશેષ ઉમેરણ રૂપે ‘સેક્સ’ (1992) જેવા સામયિકમાં તેમનાં વિવાદાસ્પદ અને કામોત્તેજક ચિત્રોનો સંપુટ પ્રગટ કરાયો હતો. આમ સમૂહમાધ્યમો પણ તેમની વિલક્ષણ છાપ ઉપસાવવામાં કારણભૂત રહ્યાં છે.
મહેશ ચોકસી