મેકડૉનાલ્ડ-રાઇટ, સ્ટૅન્ટન

February, 2002

મેકડૉનાલ્ડ-રાઇટ, સ્ટૅન્ટન (જ. 8 જુલાઈ 1890, ચાર્લોટસ્વિલે, વર્જિનિયા; અ. 22 ઑગસ્ટ 1973, લૉસ એન્જલસ, કેલિફૉર્નિયા, યુ.એસ.) : ‘એબ્સ્ટ્રૅક્શન’ ચિત્રશૈલીના એક સ્થાપક અમેરિકન કલાકાર. મૉર્ગન રસેલના સહયોગમાં તેઓ 1912માં ‘સિન્ક્રોનિઝમ’ના સહસ્થાપક બન્યા.

1900નાં પ્રારંભિક વર્ષોમાં પૅરિસમાંના અભ્યાસકાળ દરમિયાન તેઓ પ્રભાવવાદી (impressionist) કલાકારોની કૃતિઓથી તેમજ એ કલાવાદના અનુગામીઓ પૈકી પૉલ સેઝાં, જ્યૉર્જ બ્રેક, પાબ્લો પિકાસો તથા હેન્રી માતિસની કલાથી વિશેષ પ્રભાવિત થયા હતા.

તેમના ‘સિન્ક્રોનિસ્ટ’ શૈલીનાં ચિત્રો લગભગ સંપૂર્ણપણે અપ્રત્યક્ષ-અવાસ્તવિક સ્વરૂપનાં હોય છે. જોકે તેમણે ઊંડાણ તથા આકારની અભિવ્યક્તિ માટે પૂરતી કોશિશ કરી છે.

તેમનું એક લાક્ષણિક ચિત્ર તે ‘ઑરિયેન્ટલ સિન્ક્રોમી ઇન બ્લૂ-ગ્રીન’.

1919માં તેઓ કૅલિફૉર્નિયામાં સ્થાયી થયા અને પ્રાકૃતિક ર્દશ્યોની ચિત્રણા તરફ વળ્યા. તેમની તે પછીની ચિત્રકૃતિઓમાં પ્રતિનિધાનનો પ્રભાવ વિશેષ રહ્યો અને 1930 પછી તો દૂરપૂર્વની કલા તથા સંસ્કૃતિ વિશેનાં તેમનાં આજીવન અભિરુચિ તથા શોખ તેમની કૃતિઓમાં વિશેષ અભિવ્યક્ત થયાં.

મહેશ ચોકસી