મેઇન (Maine) : યુ.એસ.ના ઈશાન કોણમાં આવેલા ન્યૂ ઇંગ્લૅન્ડ વિભાગનાં છ રાજ્યો પૈકીનું સૌથી મોટું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે આશરે 43°થી 47° 30´ ઉ. અ. અને 67°થી 71° પ. રે. વચ્ચેનો 91,646 ચોકિમી. (કિનારાની અંદરના 5,811 ચોકિમી. જળવિસ્તાર સહિત) જેટલો વિસ્તાર આવરી લે છે. આ રાજ્ય ન્યૂ ઇંગ્લૅન્ડ વિભાગના કુલ વિસ્તારનો 50 % જેટલો ભાગ ધરાવે છે. તેની વાયવ્ય અને ઈશાનમાં અનુક્રમે કૅનેડાનાં ક્વિબેક અને ન્યૂ બ્રુન્સવિક રાજ્યો, પશ્ચિમે ન્યૂ હૅમ્પશાયર રાજ્ય તથા નૈર્ઋત્ય અને અગ્નિ તરફ આટલાંટિક મહાસાગર આવેલાં છે.

મેઇન રાજ્ય

ભૂપૃષ્ઠ : ન્યૂ હૅમ્પશાયરથી મેઇન સુધી ઍપેલેશિયનની પર્વતમાળા આવેલી છે. આ રાજ્યમાં આવેલું તેનું સર્વોચ્ચ શિખર કૅટાહડિન (Katahdin) 1,606 મીટરની ઊંચાઈ ધરાવે છે. વાયવ્ય અને પશ્ચિમ સીમાવર્તી પ્રદેશો ખડકાળ છે. અહીં હિમાચ્છાદિત શિખરો, હિમનદીઓ, સરોવરો અને સાંકડા ખીણપ્રદેશો આવેલા છે. રાજ્યના દક્ષિણ અને પૂર્વ ભાગમાં અસમાન ઊંચાઈ ધરાવતા પર્વતો તથા સાકો, ઍન્ડ્રોસ્કોગીન, કૅનબેક અને પેનોબ્સ્કૉટ જેવી નદીઓના વિશાળ ખીણપ્રદેશો આવેલા છે. આ રાજ્યની દક્ષિણે કીટેરીથી એલિઝાબેથની ભૂશિર સુધી લાંબો રેતપટ છે, પરંતુ કેટલીક જગાએ અવરોધી ખડકો પણ છે. વળી અહીંના સમુદ્રકિનારે નદીનાળ, અખાતો, ફિયૉર્ડ અને સમુદ્રગુફાઓ પણ છે.

જળપરિવાહ–જમીન : રાજ્યની મોટાભાગની નદીઓનો પ્રવહનમાર્ગ ઉત્તરથી દક્ષિણ દિશા તરફનો છે; પરંતુ સેન્ટ જૉન નદી તથા તેની સહાયક નદીઓનો જળપરિવાહ પૂર્વ તરફનો છે, તે ફંટાઈને દક્ષિણનો બની રહે છે. આ રાજ્યમાં આશરે 2,500 જેટલાં છૂટાંછવાયાં સરોવરો અને તળાવો આવેલાં છે, તે પૈકી 307 ચોકિમી. વિસ્તાર ધરાવતું મૂસહેડ સરોવર સૌથી મોટું છે.

રાજ્યના નૈર્ઋત્ય ભાગમાં ગ્રૅનાઇટના ખડકો આવેલા છે, જ્યારે મધ્ય અને પૂર્વના સમુદ્રકિનારા નજીકની જમીનો મૃણ્મય, રેતીવાળી અને ચૂનાના ઘટકોથી બનેલી છે. કેરિબૂની આસપાસની જમીન કંઈક અંશે ફળદ્રૂપ છે.

આબોહવા : આબોહવાના સંદર્ભમાં રાજ્યને ત્રણ વિભાગોમાં વહેંચી શકાય : (i) દક્ષિણના અંતરિયાળ પ્રદેશો, (ii) સમુદ્રકિનારાના પ્રદેશો, (iii) ઉત્તરના પ્રદેશો. દક્ષિણ અને પશ્ચિમના વાયુ-સમુચ્ચયોની અસર દક્ષિણના અને કિનારાના પ્રદેશો પર વિશેષ પ્રમાણમાં થાય છે. સેન્ટ જૉન અને પેનોબ્સ્કૉટ નદી-મેદાનોથી વાયુ-સમુચ્ચયો સેન્ટ લૉરેન્સ નદી-મેદાનો તરફ ધસે છે અને તેની અસર આ પ્રદેશો પર થાય છે.

ઉત્તરના પ્રદેશોમાં વાર્ષિક સરેરાશ તાપમાન 3°થી 4° સે., જ્યારે દક્ષિણે અને કિનારાના વિસ્તારમાં વાર્ષિક સરેરાશ તાપમાન 6°થી 7° સે. જેટલું રહે છે. દક્ષિણના પ્રદેશોમાં સમગ્ર વર્ષ દરમિયાન આશરે 100 દિવસો જ સ્વચ્છ આકાશવાળા હોય છે, જ્યારે ઉત્તર તરફ આશરે 70 દિવસો. આ રાજ્યમાં વાર્ષિક વરસાદ આશરે 900થી 1,200 મિમી. જેટલો, જ્યારે હિમવર્ષાનું પ્રમાણ લગભગ 2,500 મિમી. જેટલું (ઊંચાઈના વિસ્તારોમાં વધુ) રહે છે.

વનસ્પતિ–પ્રાણીજીવન : આ પ્રદેશમાં જોવા મળતાં વનસ્પતિ અને પ્રાણીજીવન પર ધ્રુવવૃત્તીય આબોહવાની અધિક અસર જોવા મળે છે. અહીંનાં જંગલોમાં પાઇન, સ્પ્રૂસ અને ફર જેવાં પોચા લાકડાનાં વૃક્ષોનું પ્રમાણ અધિક છે, જ્યારે કઠણ લાકડાનાં વૃક્ષોમાં મૅપલ, પીળા બર્ચ, પેપર બર્ચ વગેરે વૃક્ષોનું પ્રમાણ અધિક છે. વન્ય પ્રાણીઓમાં હરણ, કાળાં હરણ, મૂસ, શિયાળ, લાયનેક્સ, શાહુડી, રકૂન, નોળિયા તથા દરિયાઈ જીવોમાં સીલ, વહેલ, લૉબ્સ્ટર, શ્રિંપ, ક્લૅમ, હેડોક, કોડ વગેરેનો સમાવેશ થાય છે.

કાગળ-ઉદ્યોગ માટે ખાસ પ્રકારનાં લાકડાંનો વિશાળ જથ્થો

અર્થતંત્ર : અહીંના નિવાસીઓની આવકનો આધાર મુખ્યત્વે લાકડાં, રેતી, કપચી, ચૂનાખડકો, બાંધકામખડકો તથા ખાણપેદાશો જેવી કુદરતી સંપત્તિ પર રહેલો છે. તાંબા અને જસતનાં ખનિજો તથા કીમતી ખનિજો, ફેલ્સ્પાર અને પીટ અહીં થોડા પ્રમાણમાં મળી આવે છે. અનુકૂળ જમીન અને આબોહવાને કારણે અહીં ઉત્તમ જાતના બટાટા, સફરજન, બ્લૂ બેરીઝ (blueberries) તેમજ અન્ય ફળોની ખેતી થાય છે. રાજ્યમાં પશુપાલન, મરઘાં-બતકાંઉછેર અને મત્સ્યપ્રવૃત્તિનો ફાળો પણ મહત્ત્વનો છે. પ્રવાસન-ઉદ્યોગનો વિકાસ થાય તે માટે નૌકાયાન, શિકાર અને માછલાં પકડવાની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવે છે. રાજ્યમાં મોટાભાગના લોકો નોકરિયાતો છે. બીજા ક્રમે ઉત્પાદકો અને ત્રીજા ક્રમે વેપારીઓ આવે છે. રાજ્યમાં ઉત્પન્ન કરવામાં આવતી વીજળીનો 75 % હિસ્સો અણુશક્તિ, જળવિદ્યુત કે ડીઝલ/કુદરતી વાયુ દ્વારા મેળવાય છે. રાજ્યના વિસ્કારસેટ ખાતે યાન્કે અણુશક્તિ મથક ઊભું કરવામાં આવ્યું છે. રાજ્યમાં વીજળીની સતત ખેંચ વરતાતી હોવાથી પડોશી દેશ કૅનેડા પાસેથી તે ખરીદવામાં આવે છે.

પરિવહન : આ રાજ્યના વિકાસનો આધાર મુખ્યત્વે પાકા રસ્તાઓ પર રહેલો છે. રેલમાર્ગોનો વિકાસ અહીં મર્યાદિત પ્રમાણમાં થયેલો હોવાથી તેનો ઉપયોગ મોટેભાગે માલસામાનની હેરફેર માટે વધુ થાય છે. પૉર્ટલૅન્ડ અને સીપૉર્ટ આ રાજ્યનાં મુખ્ય બંદરો છે. પૉર્ટલૅન્ડ, બાર હાર્બર તેમજ કિનારે આવેલા ટાપુઓ વચ્ચે ખાનગી અને સરકારી ફેરીસેવાની સુવિધા ઊભી કરવામાં આવી છે. કિનારાથી દૂર અંતરિયાળ વિસ્તારમાં પ્રેસ્ક આઇલ (Presque Isle), બાન્ગોર, પૉર્ટલૅન્ડ વગેરે વિવિધ હવાઈ સેવાઓ સાથે સંકળાયેલાં છે. બાન્ગોર અહીંનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે.

વસ્તી–વસાહત : આ રાજ્યમાં મૂળ બ્રિટિશ, સ્કૉટિશ, આયરિશ, સ્વીડિશ, જર્મન અને ફ્રેન્ચ લોકોનું પ્રમાણ વિશેષ છે. અંગ્રેજી અને ફ્રેન્ચ અહીંની મુખ્ય ભાષાઓ છે. મોટાભાગના લોકો રોમન કૅથલિક ધર્મ પાળે છે. અહીં અશ્વેત લોકોનું પ્રમાણ માત્ર 2 % જેટલું જ છે. પ્રાથમિક, માધ્યમિક અને તક્નીકી શિક્ષણ આપવાની જવાબદારી રાજ્ય સરકારે સ્વીકારેલી છે. 1865માં અહીં મેઇન યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી. અહીંની જાણીતી કૉલેજોમાં બોવડોઇન, બાટેસ અને કોલબાયનો સમાવેશ થાય છે. ઓરોનો ખાતે કૃષિ કૉલેજ પણ આવેલી છે.

પ્રારંભમાં બહારથી આવેલી પ્રજાએ અહીં સમુદ્રકિનારે અને નદી-ખીણ-વિસ્તારમાં વસાહતો ઊભી કરી હતી. રાજ્યની કુલ વસ્તીના અડધા ભાગની વસ્તી નૈર્ઋત્યમાં આવેલા ઍન્ડ્રોસ્કોગીન, કંબરલૅન્ડ, કેનબૅક અને યૉર્ક જિલ્લાઓમાં વસે છે. પૉર્ટલૅન્ડ, બાન્ગોર, બીડફૉર્ટ, ઑગસ્ટા, વૉટરવિલે વગેરે અહીંનાં મોટાં શહેરો ગણાય છે. કાસ્કોના અખાતમાં આવેલું પૉર્ટલૅન્ડ અહીંનું મહાનગર છે. તે વેપાર અને પરિવહનનું મુખ્ય મથક પણ છે. અહીં કાગળ અને લોખંડની વસ્તુઓ બનાવવાના અનેક એકમો આવેલા છે. બાન્ગોર ઉત્તર અને પૂર્વ ભાગનું મુખ્ય શહેર છે. કેનબૅક નદીકાંઠે વસેલું ઑગસ્ટા આ રાજ્યનું પાટનગર છે. અહીં કાપડ, કાગળ અને પગરખાં બનાવવાના એકમો આવેલા છે. લેવિસ્ટોન અને અયુબર્ન જોડકાં શહેરો છે. કાપડ, વીજાણુ-સાધનો અને પગરખાં બનાવવાનાં કારખાનાં અહીં આવેલાં છે. બીડફર્ડ ખાતે લાકડાં વહેરવાની અને કાપડ બનાવવાની મિલો આવેલી છે.

અહીંનાં જોવાલાયક સ્થળોમાં પૉર્ટલૅન્ડ શહેરમાં આવેલું પૉર્ટલૅન્ડ મ્યુઝિયમ ઑવ્ આર્ટ, વિનાથઅવેનથી માઉન્ટ ડેઝર્ટ ટાપુ સુધી વિસ્તરેલ ઍકેડિયા રાષ્ટ્રીય ઉદ્યાન વધુ જાણીતાં છે. કૅટાહડીન પર્વતની આજુબાજુ આશરે 80,940 હેક્ટર વિસ્તારમાં ઊભો કરાયેલ બાક્સ્ટર રાજ્ય ઉદ્યાન પણ જાણીતો છે. આ સિવાય નાના-મોટા સો જેટલા ઉદ્યાનો પણ આવેલા છે. મોટાભાગના ગ્રામવિસ્તારોમાં પ્રોવિઝન સ્ટોર, ગૅસ-સ્ટેશન, ટપાલકચેરી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ચર્ચ અને શાળા જોવા મળે છે. આ રાજ્યની કુલ વસ્તી (આશરે) 2015 મુજબ 13,29,328 જેટલી છે.

નીતિન કોઠારી