મેઇડ્ઝ (1946) : ફ્રાન્સના નાટ્યકાર અને આત્મવૃત્તાંતકાર ઝાં જેને(1910–1986)નું મહત્વનું દીર્ઘ નાટક. બીજાં નાટકો તે ‘ડેથવૉચ’, ‘બાલ્કની’, ‘બ્લૅક્સ’ વગેરે. અખબારમાં છપાયેલા એક સમાચારને આધારે લખાયેલા આ નાટકમાં આવી કથા છે : ફૅન્સી શયનખંડમાં એક સુંદર સંસ્કારી સ્ત્રી(માદામ)ને એની નોકરાણી તૈયાર કરી રહી છે. માદામ એને ક્લેરના નામથી બોલાવે છે. માદામ તુંડમિજાજી છે, છતાં નોકરાણી નમ્રતાથી એની તાબેદારી સ્વીકારતી દેખાય છે; જોકે એ બંને સ્ત્રીઓ પરસ્પરને વચ્ચે આકરાં મહેણાંટોણાં મારી લે છે અને નોકરાણી એકાદ વખત માદામને તમાચો પણ ચોડી દે છે. ત્યાં ઓચિંતું એલાર્મ વાગે છે અને પત્તાંનો મહેલ ભાંગી પડે છે. વાસ્તવમાં માદામ એ માદામ નથી ને નોકરાણી નોકરાણી નથી. હકીકતે સાચાં માદામની ગેરહાજરીમાં બંને નોકરાણીઓ(જે ખરેખર તો બે બહેનો છે)માંથી એક માદામ અને બીજી નોકરાણીનો પાઠ ભજવી રહી હોય છે. વળી, ક્લેર નામે ઓળખાવાતી નોકરાણી ક્લેર નથી, પણ એની મોટી બહેન સૉલાંજ છે અને ક્લેર ખુદ માદામનો પાઠ ભજવી રહી હોય છે. એટલે કે માદામ તરીકે ક્લેર પોતાની બહેન સૉલાંજ પ્રત્યે જે વર્તન કરી રહી હતી તે ખરાં માદામના ક્લેર પ્રત્યેના વર્તનનું અનુકરણ અને અર્થઘટન હતું. આ એમની રમત હોય છે રોજની, અને એમાં માદામના એ બંને પ્રત્યેના વલણનું અનુકરણ તેઓ કરતી હોય છે. ઉંમરમાં નાની અને વધુ રૂપાળી માદામ પ્રત્યે આ બંને નોકરાણી બહેનોને પ્રેમ અને ધિક્કાર છે અને તેઓ દાસત્વના બંધને બંધાયેલી રહી હોય છે. પોલીસને નનામા પત્રો લખી બંને બહેનોએ માદામના પ્રેમીને જેલમાં પુરાવી વેર પણ લીધું હોય છે. એલાર્મ પછી ટેલિફોનની ઘંટડી વાગે છે; સમાચાર મળે છે કે પ્રેમી જામીન પર છૂટ્યો છે એટલે હવે નનામા પત્રોનું કર્તૃત્વ પકડાઈ જવાની દહેશત પેદા થાય છે. તેથી માદામને પૂરી કરવી પડે અને એની ચામાં ઝેર રેડવાની રોજની રમત હવે વાસ્તવમાં રમી કાઢવી પડે એવી પરિસ્થિતિ પેદા થાય છે. ત્યાં માદામ પ્રવેશે છે; પણ એ બહેનો પ્રેમીના જામીન પર છૂટ્યાના સમાચાર એને આપતી નથી. પરંતુ ઊંઘવાની ગોળીઓ ઓગાળેલી ચા માદામને પિવડાવવામાં આવે એ પહેલાં ભૂલમાં ટેલિફોનથી દૂર રહી ગયેલું ‘માઉથ’ માદામ જુએ છે, અને તેથી નોકરાણીઓએ તેને સમાચાર આપવા પડે છે. આખી બાજી આમ હાથમાંથી સરી જાય છે……… હવે માદામ ચા પીવાને બદલે પ્રેમીને મળવા ઉતાવળે નીકળી પડે છે. એકલી પડેલી બંને બહેનો ફરી પેલી રમત શરૂ કરે છે અને માદામનો પાઠ ભજવતી ક્લેર, ક્લેરનો પાઠ ભજવતી સૉલાંજને માદામ માટે તૈયાર કરેલી ઝેર ભેળવેલી ચા પોતાને પિવડાવવા દબાણ કરે છે. સૉલાંજે રમતના નિયમો અને ‘પાઠની ફરજ’ પૂરી કરવા માદામ બનેલી ક્લેરને ઝેરનો પ્યાલો ધરવો પડે છે. ક્લેર મરણને શરણ થાય છે અને સૉલાંજ પોતાની અવશ્યંભાવી નિયતિની સંમુખ ખડી રહી જાય છે.

1947માં ફ્રાન્સના મહાન નટ લુઈ જુવેએ આ નાટકની પ્રથમ રજૂઆત કરી ત્યારે ઝાં જેનેની સંમતિથી અભિનેત્રીઓને બદલે અભિનેતાઓ દ્વારા અભિનય કરાવ્યો હતો. એણે આ બંને નોકરાણીઓના માદામ સામેના બળવાને ક્રાંતિકારી પગલા તરીકે નહિ, પણ પ્રતીકાત્મક ચેષ્ટા તરીકે જ પ્રસ્તુત કર્યો હતો. ઇચ્છાપૂર્તિનો આ કર્મકાંડ અવાસ્તવિક છે. જીવન માત્ર ભાગેડુવૃત્તિની જ અભિવ્યક્તિ છે. વાસ્તવ ઓગાળી નાખેલી ચેષ્ટાનું રસપ્રદ પુનરાવર્તન નિરૂપતા કર્મકાંડની આ વિભાવના ઝાં જેનેના થિયેટરને સમજવાની ગુરુકિલ્લી છે. ગુજરાતીમાં ગૅરેજ સ્ટુડિયો થિયેટરે 1996માં એને ‘અંતરાલ’ નામે પ્રસ્તુત કર્યું હતું.

હસમુખ બારાડી