મેઇડન ઓવર : ક્રિકેટની મૅચમાં કોઈ ગોલંદાજ પોતાની છ કે આઠ દડાની ઓવરમાં બૅટ્સમૅનને એક પણ રન નોંધાવવાની તક ન આપે તે ઓવર, એક પણ વાઇડ, નો-બૉલ કે લેગ-બાયનો રન પણ ન આપે તેવી લાગલાગટ છ કે આઠ દડાની ઓવરને ‘મેઇડન ઓવર’ (કોરી ઓવર) કહેવામાં આવે છે.
1851માં ઑલ ઇંગ્લૅન્ડ ઇલેવન વતી રમતાં વિલિયમ ક્લાર્ક નામના ગોલંદાજે કેન્ટ સામે એક પણ રન આપ્યા વિના સતત 128 દડા ફેંક્યા હતા.
1957ની 25થી 30 જાન્યુઆરી દરમિયાન દક્ષિણ આફ્રિકામાં ડર્બન ખાતે રમાયેલી દ. આફ્રિકા–ઇંગ્લૅન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટમાં દ. આફ્રિકાના ઑફ-બ્રેક ગોલંદાજ એચ. જે. ટાયફીલ્ડે ઇંગ્લૅન્ડ સામે સતત 137 દડા ફેંકીને એક પણ રન આપ્યો નહોતો, જે એક વિશ્વવિક્રમ છે, જેમાં સતત 16 મેઇડન ઓવર્સનો સમાવેશ થતો હતો (8 દડાની ઓવર).
1964માં 10થી 15 જાન્યુઆરી દરમિયાન ચેન્નાઈ ખાતે રમાયેલી ભારત–ઇંગ્લૅન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં ભારતના ‘બાપુ’ નાડકર્ણીએ છ દડાની સતત 21 મેઇડન ઓવર્સ ફેંકી હતી, જે પ્રથમ કક્ષાના ક્રિકેટનો વિક્રમ છે.
1882માં 28 અને 29 ઑગસ્ટના રોજ ઇંગ્લૅન્ડમાં ઓવલના મેદાન પર રમાયેલી ઇંગ્લૅન્ડ–ઑસ્ટ્રેલિયા વચ્ચેની એકમાત્ર ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયા તેના પ્રથમ દાવમાં 63 રનના કંગાળ જુમલે ઑલઆઉટ થઈ ગયું હતું. ઇંગ્લૅન્ડના ગોલંદાજ ઈ. પિટે 38 ઓવર્સ પૈકી 24 ઓવર્સ મેઇડન ફેંકી હતી. જ્યારે આર. જી. બાર્લોએ 31 ઓવર્સ પૈકી 22 ઓવર્સ મેઇડન ફેંકી હતી.
જગદીશ બિનીવાલે