મૅલિનૉવ્સ્કી, બ્રૉનીસ્લાવ કાસ્પર (જ. 7 એપ્રિલ 1884, ક્રાકોવ, પોલૅન્ડ; અ. 16 મે 1942, ન્યૂ હેવન, અમેરિકા) : બ્રિટિશ માનવશાસ્ત્રી અને સંશોધક. ઉત્તમ શિક્ષક. માનવશાસ્ત્રમાં કાર્યાત્મક (functional) વિચારધારાનો ખ્યાલ આપનારા અને માનવશાસ્ત્રને આધુનિક સ્વરૂપ આપનારા વિશ્વવિખ્યાત વિદ્વાન. 1908માં સ્નાતક અને પછી ભૌતિકશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રમાં પીએચ.ડી. માંદગી દરમિયાન જેમ્સ ફ્રેઝરનું ‘ગોલ્ડન બૉ’ નામનું પુસ્તક વાંચવામાં આવ્યું અને માનવશાસ્ત્ર તરફ વળ્યા. 1910માં ઇંગ્લૅન્ડમાં લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં માનવશાસ્ત્રના અભ્યાસ માટે જોડાયા. 1916માં ત્યાંથી ડી.સી.ની પદવી પ્રાપ્ત કરી. આ દરમિયાન હૉબહાઉસ, વેસ્ટર માર્કસ, રિવર્સ અને સેલિંગમૅનના હાથ નીચે વિદ્યાર્થી તરીકે માનવશાસ્ત્રની તાલીમ મેળવી.
1908માં પ્રથમ પોલૅન્ડમાં લાઇપઝિગ યુનિવર્સિટીમાં ભૌતિક અને રસાયણ વિષયમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા. ઇંગ્લૅન્ડમાં અભ્યાસ દરમિયાન 1913માં લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં સમાજશાસ્ત્રના વ્યાખ્યાતા તરીકે કામ કર્યું. વચ્ચે ટ્રૉબ્રિયન ટાપુઓમાં સંશોધનકાર્ય માટે ગયા. 1921થી 1928 સુધી પુન: અધ્યાપનનું કાર્ય કર્યું. 1924માં ત્યાં જ રીડર બન્યા. 1927માં માનવશાસ્ત્રની સ્વાધ્યાયપીઠ પર નિમાયા. 1939માં અમેરિકાની યેલ યુનિવર્સિટીમાં મુલાકાતી પ્રાધ્યાપક તરીકે કામગીરી બજાવી તથા 1942માં શરૂઆતમાં તે યુનિવર્સિટીમાં સ્થાયી પ્રાધ્યાપકપદે નિમાયા.
તેમણે ન્યૂગિયાનાના ટ્રૉબ્રિયન ટાપુઓના માતૃવંશીય પાપુઅન્સ, માઈલુ, માસ્મી અને પિગ્મી – એમ કુલ 4 આદિમ જૂથોમાં પ્રત્યક્ષ ક્ષેત્રકાર્ય કર્યું હતું. સપ્ટેમ્બર, 1914થી ફેબ્રુઆરી, 1915 સુધી ઑસ્ટ્રેલિયાની માઈલુ (Mailu) જાતિમાં કામ કર્યું, જેના આધારે તેમને ડી.સી.ની પદવી મળી. 2 જૂન, 1915થી મે, 1916 અને ઑક્ટોબર, 1917થી ઑક્ટોબર, 1918 સુધી મેલેનેશિયન પાપુઅન્સનો અભ્યાસ. આમ કુલ 21⁄2 વર્ષ જેટલા લાંબા ગાળા સુધી પ્રત્યક્ષ સંશોધનકાર્ય કર્યું. તેના આધારે જિંદગીના અંત સુધી લેખનકાર્ય કર્યું. તેમણે સંસ્કૃતિ, સામાજિક સંસ્થાઓ, જાદુ, ધર્મ, કુટુંબ, સગાઈ-વ્યવસ્થા, સામાજિક પરિવર્તન, ગુનો, ન્યાયવ્યવસ્થા વગેરે વિશે રજૂઆતો કરી. જરૂરિયાતનો સિદ્ધાંત, સામાજિક કાયદાનો સિદ્ધાંત અને પૃથક્કરણ માટેની કાર્યાત્મક વિચારધારા (Functional Theory) આપ્યાં. અને એ રીતે માનવશાસ્ત્રના વ્યવહારુ ઉપયોગ વિશેના વિચારોની વિશદ રજૂઆત કરી.
તેમણે માનવશાસ્ત્રના ક્ષેત્રે જે મહત્ત્વનું પ્રદાન કર્યું તે આ પ્રમાણે છે :
માનવશાસ્ત્રના વિકાસ માટે ક્ષેત્રકાર્યની આવશ્યકતા પર તેમણે ભાર મૂકતાં વ્યવસ્થિત પ્રત્યક્ષ નિરીક્ષણપદ્ધતિને મહત્ત્વ આપ્યું અને સાથે સહભાગી અવલોકન-પદ્ધતિ તેમજ રોજનીશી-પદ્ધતિની અગત્ય દર્શાવી. પંડે જ લાંબા ગાળાનું ક્ષેત્રકાર્ય કરી માનવશાસ્ત્રને એક અનુભવજન્ય વિજ્ઞાન તરીકે સ્થાપવામાં તેમનો ફાળો અમૂલ્ય છે. તેમના સમગ્ર સંશોધન અને પૃથક્કરણમાં ‘કાર્ય’(function)નો વિચાર કેન્દ્રમાં રહ્યો છે. આદિમ સમૂહોના 1913, 1922ના તેમના પ્રત્યક્ષ અભ્યાસ દ્વારા 1944માં તેમણે સામાજિક સંસ્થાઓ વચ્ચેના આંતરસંબંધોનું વિશ્ર્લેષણ કરી કાર્યાત્મકતાનો સિદ્ધાંત વિકસાવ્યો. તેના આધારે ‘સાંસ્કૃતિક સુગ્રથન’ (cultural integration) અને સાંસ્કૃતિક કાર્ય(culture function)ની રજૂઆત કરીને ‘સામાજિક સંસ્થાઓનો કાર્યાત્મક સિદ્ધાંત’ (Functional Theory of Social Integration) સ્થાપ્યો. તેમના મતે સંસ્કૃતિ માનવ-જરૂરિયાતોમાંથી વિકસી છે. તે સમગ્ર અને સુસંબદ્ધ વ્યવસ્થા (coherent system) છે. માનવીની વિવિધ શારીરિક, ભૌતિક, માનસિક જરૂરિયાતોની પૂર્તિ અર્થે પ્રથાઓ, રિવાજો, નિયંત્રણો અને ઉત્પાદન વિકાસ પામ્યાં છે. તેમાંથી સામાજિક સંસ્થાઓ – કુટુંબ, સગાઈ-વ્યવસ્થા, અર્થવ્યવસ્થા, ધર્મ, જાદુ, રાજ્ય વગેરે વિકાસ પામ્યાં છે. આ બધાં પારસ્પરિક આંતર સંબંધોથી સંકળાયેલાં છે, પરસ્પર આધારિત છે અને તેમની વચ્ચે સંચાલનની એક સુગ્રથિત કાર્યાત્મક વ્યવસ્થા છે અને તે જ સમાજ-સંસ્કૃતિને ટકાવી રાખે છે. સંશોધક સમુદાયના ઘટકો, વસ્તુઓ, સંસ્થાઓ, પ્રથાઓ, આચારો વચ્ચેના કાર્યાત્મક સંબંધોને શોધવાનો-પાળવાનો પ્રયત્ન કરવો જોઈએ.
1922ના તેમના પુસ્તકમાં મૅલિનૉવ્સ્કી ‘કુલા’ વિનિમય-ચક્ર દર્શાવે છે. તેમાં એક લાલ અને બીજો સફેદ શૃંખલાનો હાર સવળા અને અવળા ક્રમે વિવિધ ટાપુઓમાં ભેટ સ્વરૂપે ફરે છે. હારનું કોઈ આર્થિક મૂલ્ય નથી. કુલા વર્તુળમાં જોડાનાર કાયમીપણે અન્ય આર્થિક વિનિમય-પ્રક્રિયાનો ભાગીદાર બને છે. કુલા પ્રથા વિવિધ આર્થિક, સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક, ધાર્મિક, જાદુ, ઉત્સવોની ઉજવણી વગેરે સંસ્થાઓને ગતિશીલ બનાવે છે. તેના આધારે તેમણે આર્થિક માનવશાસ્ત્રનો વિચાર રજૂ કર્યો હતો.
તેમનાં મહત્ત્વનાં લખાણો આ પ્રમાણે છે :
(1) ‘The Family Among the Australian Aborigines : A Sociological Study’ (1913).
(2) Argonauts of the Western Pacific (1922).
(3) Crime and Custom in Savage Society (1926).
(4) Sex and Repression in Savage (1927).
(5) The Sexual Life of Savage in North Western Melenesis (1929).
(6) A Scientific Theory of Culture (1944).
(7) Sex Culture and Myth (1962).
(8) A Diary in the Strict Sense of the Term (1967).
અરવિંદ ભટ્ટ