મૅરી કૉમ (જ. 24 નવમ્બેર 1982, કગાથઈ-Kagathei) : ભારતની એક માત્ર મહિલા મુક્કાબાજ.
પિતાનું નામ મંગટે ટોનપા (Mangte Tonpa). માતાનું નામ મંગટે અખામ કૉમ (Mangte Akham Kom).
25 એપ્રિલ, 2016ના રોજ ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી દ્વારા રાજ્યસભાના નિયુક્ત થયેલ સભ્ય. જે 2012ના ઉનાળુ ઑલિમ્પિક માટે લાયક બની હતી. પોતાની 20 વર્ષની મુક્કાબાજી કારકિર્દીમાં 13 સુવર્ણચંદ્રક, 3 રજત અને 3 બ્રૉન્ઝચંદ્રક મેળવી ચૂકી છે.
ભારતના પૂર્વોત્તર રાજ્ય મણિપુરના એક બિલકુલ નાનકડા ગામમાં ગરીબ ઘરમાં જન્મેલ મૅરી કૉમે પોતાનું પ્રાથમિક શિક્ષણ લોકટક ક્રિશ્ચિયન મોડલ હાઈસ્કૂલમાં લીધું. ધોરણ 6 પછી સેન્ટ ઝેવિયર્સ કૅથલિક સ્કૂલ, મોઇરંગમાં ધોરણ 8 સુધી અભ્યાસ કર્યો. આ સમય દરમિયાન તેને દોડમાં રસ પડવા લાગ્યો અને 400 મીટરની દોડમાં ભાગ લેવા લાગી. ધોરણ 8 પછી ઇમ્ફાલની સ્કૂલમાં દાખલ થઈ. અહીં તે બે વર્ષ સુધી ભણી પરંતુ ધોરણ 10ની પરીક્ષામાં સફળતા ન મળતાં તેણે શાળા છોડી દીધી અને બહારથી NIOS ઇમ્ફાલ દ્વારા પરીક્ષા આપી અને સ્નાતક ચૂરાપાંદપુર કૉલેજમાંથી થઈ. આ સમય દરમિયાન તે વૉલીબૉલ, ફૂટબૉલ, દોડ વગેરે રમતોમાં ભાગ લેતી હતી. વર્ષ 2000માં ડીંગકોસિંહના કહેવાથી તેણે સૌપ્રથમ વખત મુક્કાબાજી શીખવાનું શરૂ કર્યું. 15 વર્ષની વયે તેણે રમત માટે પોતાનું વતન છોડી ઇમ્ફાલ સ્પૉર્ટ્સ એકૅડેમીમાં પ્રવેશ મેળવ્યો.
મૅરી કૉમની સખત મહેનત અને મજબૂત ઇચ્છાશક્તિના લીધે તે મુક્કાબાજીની પ્રાથમિક વાતો ખૂબ જ ઝડપથી શીખી ગઈ. હવે મણિપુર સ્ટેટ બૉક્સિંગ કોચ એમ. નરજીતસિંગની દેખરેખ હેઠળ તાલીમ લેવા લાગી. પોતે મુક્કાબાજી શીખવા લાગી છે આ વાત તેણે તેના પિતાથી છુપાવી હતી. તેના પિતા જે એક સમયે મુક્કાબાજ હતા તે માનતા કે આ રમતમાં તેના ચહેરા ઉપર ઈજા થઈ શકે છે અને તેના કારણે ભવિષ્યમાં કદાચ લગ્ન માટે તકલીફ પડશે. તેના પિતાઅ જ્યારે મૅરી કૉમની તસવીર વર્ષ 2000માં રાજ્યકક્ષાની મુક્કાબાજી હરીફાઈમાં વિજેતા બની ત્યારે સમાચાર પત્રોમાં જોઈ અને તે પછી તેના પિતાએ પણ મૅરી કૉમને મુક્કાબાજ બનવામાં સાથ આપ્યો.
લગ્ન અને એક બાળકના જન્મ સમયે થોડો સમય મુક્કાબાજીની સ્પર્ધાથી દૂર રહી. ત્યારબાદ તેણે ફરીથી મુક્કાબાજી શરૂ કરી. વર્ષ 2008માં ભારતમાં રમાયેલ એશિયન વુમન બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં રજત ચંદ્રક મેળવ્યો, એટલું જ નહીં એ જ વર્ષે ચીનમાં રમાયેલ A.I.B.A વુમન્સ વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં સતત ચોથી વખત સુવર્ણચંદ્રક મેળવ્યો. ત્યારબાદ ફરી એક વખત 2009માં વિયેટનામમાં રમાયેલ એશિયન ઇન્ડોર ગેઇમ્સમાં પણ સુવર્ણચંદ્રક વિજેતા બની. સતત સુવર્ણચંદ્રક જીતવાની હવે આદત પડી ગઈ હોય એમ ત્યારબાદ 2010માં બાર્બાડોસ ખાતે રમાયેલ A.I.B.A વુમન્સ વર્લ્ડ બૉક્સિંગ સ્પર્ધામાં સતત પાંચમો સુવર્ણચંદ્રક મેળવ્યો. 2011માં 48 કિલો વજનની કૅટેગરીમાં ચીનમાં રમાયેલ એશિયન વુમન્સ કપમાં પણ સુવર્ણચંદ્રક મેળવ્યો.
દક્ષિણ કોરિયામાં 51 કિલો વર્ગમાં તેણે કઝાકિસ્તાનની ખેલાડીને હરાવી 1 ઑક્ટોબર, 2014ના રોજ એશિયન ગેઇમ્સમાં પણ સુવર્ણચંદ્રક વિજેતા બનેલ મૅરી કૉમે 2017ના નવેમ્બરની આઠમી તારીખે વિયેટનામમાં એશિયન બૉક્સિંગ કોન્ફિડરેશન સ્પર્ધામાં 48 કિલો વર્ગમાં હો. ચી. મીન્હને હરાવી સતત પાંચમી વખત સુવર્ણચંદ્રક મેળવ્યો. છેલ્લે 24 નવેમ્બર, 2018ના રોજ નવી દિલ્હીમાં રમાયેલ 10મી A.I.B.A વુમન્સ વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં સતત છઠ્ઠો સુવર્ણચંદ્રક મેળવી ઇતિહાસ બનાવી દીધો.
મુક્કાબાજીમાં સતત મેળવેલી સફળતાના લીધે મૅરી કૉમને ઑક્ટોબર 2019માં આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિએ 2020માં ટોકિયોમાં રમાનાર ઑલિમ્પિક સ્પર્ધા માટે બૉક્સિંગ ઍથ્લેટ ઍમ્બેસેડર ગ્રૂપની મહિલા પ્રતિનિધિ નિયુક્ત કરી.
2012માં લંડનમાં રમાયેલ ઑલિમ્પિક સ્પર્ધામાં સૌપ્રથમ વખત મૅરી કૉમે ભાગ લીધો. પાંચમી ઑગસ્ટે રમાયેલ પ્રથમ રાઉન્ડમાં તેણે પૉલેન્ડની મુક્કાબાજ ને હરાવી. બીજા દિવસે ક્વાર્ટર ફાઇનલમાં તેણે મારોઆ રહાલીને હરાવી સેમીફાઇનલમાં પ્રવેશ મેળવ્યો. 8મી ઑગસ્ટે ઇંગ્લૅન્ડની નિકોલા એદમ્સ સામે પરાજિત થતાં મૅરી કૉમને ત્રીજું સ્થાન મળ્યું. પરિણામે તેને બ્રૉન્ઝ મેડલ મળ્યો. મૅરી કૉમની ઑલિમ્પિક સ્પર્ધાની આ સફળતાને સન્માનતા મણિપુર સરકારે તેને રૂ. 50 લાખ રોકડા તથા બે એકર જમીન આપવાની જાહેરાત તરત જ બીજા દિવસે 9 ઑગસ્ટ, 2012ના રોજ કરી દીધી. આ સિવાય પણ મૅરી કૉમને રાજસ્થાન સરકારે 25 લાખ, આસામ સરકારે 20 લાખ, અરુણાચલ પ્રદેશ સરકારે 10 લાખ, ભારત સરકારની Tribul Affairs મિનિસ્ટ્રીએ 10 લાખ અને નૉર્થ ઈસ્ટર્ન કાઉન્સિલે રૂ. 40 લાખનાં ઇનામોની પણ જાહેરાત કરી.
ભારત સરકારે પણ મૅરી કૉમને તેની સફળતાઓને ધ્યાનમાં લઈ 2006માં પદ્મશ્રી, 2013માં પદ્મભૂષણ અને 2020માં પદ્મવિભૂષણથી સન્માનિત કરી. આ સિવાય 2019માં મણિપુર રાજ્યના મુખ્ય મંત્રીશ્રીએ મૅરી કૉમ જ્યાં રહે છે તે રોડને ‘મૅરી કૉમ’ નામ આપવાનું પણ જાહેર કર્યું.
મૅરી કૉમે 2013માં પોતાની આત્મકથા ‘unbreakable’ ડીના સેરટો (Dina Serto) સાથે લખી જેને હાર્પર ઍન્ડ કોલીન્સે છાપી. સાથે સાથે 2014માં તેની આત્મકથાના આધારે હિંદી ફિલ્મ ડાયરેક્ટર ઉમંગકુમારે હિંદી ફિલ્મ જગતની ખૂબ જ ખ્યાતનામ અભિનેત્રી પ્રિયંકા ચોપરાને લઈ ‘મૅરી કૉમ’ નામની ફિલ્મ પણ બનાવી જે પાંચ સપ્ટેમ્બર, 2014ના રોજ ભારતભરમાં રજૂ થઈ હતી. આ સિવાય બાળકો માટે પ્રેરણાદાયી નાનકડી વાર્તાઓના પુસ્તક ‘Goodnight Stories of rebel girls’માં પણ મૅરી કૉમની કથા સમાવિષ્ટ કરાઈ છે.
ત્રણ પુત્રોની માતા મૅરી કૉમ 2014માં મેરીલીન નામની એક બાળકીને દત્તક લઈ તેની દેખરેખ પણ રાખે છે સાથે સાથે ફુરસદના સમયમાં તે કેટલીક સામાજિક સંસ્થાઓમાં પણ રસ લે છે. પ્રાણીઓની સુરક્ષા અને અધિકારો માટે કામ કરતી સંસ્થા ‘People for Ethical Treatment of Animals(PETA) India’ સાથે રહી સરકસમાં હાથી તેમજ બીજાં પ્રાણીઓ ઉપર થતા અત્યાચારો વિરુદ્ધ કામ કરી રહી છે.
જગદીશ શાહ