મૅન્ઝોની, ઍલેસાન્ડ્રો (જ. 7 માર્ચ 1785, મિલાન; અ. 22 મે 1873, મિલાન) : ઇટાલીના કવિ અને નવલકથાકાર. તેમની નવલકથા ‘ધ બિટ્રોથ્ડ’(1825–27)ને પ્રભાવે રાષ્ટ્રવાદી ‘રિસૉર્ગિમેન્ટો’ યુગ દરમિયાન સ્વદેશાભિમાનનો ભારે જુવાળ પ્રગટ્યો હતો. વિશ્વસાહિત્યની ઉત્તમ કૃતિઓમાં પણ તેની ગણના થાય છે.

ઍલેસાન્ડ્રો મૅન્ઝોની

1792માં તેમનાં માતાપિતાના છૂટાછેડા પછી, મોટાભાગનું તેમનું બાળપણ ધાર્મિક શાળાઓમાં પસાર થયું. 1805માં તે તેમનાં માતા તેમજ તેમના પ્રેમી સાથે પૅરિસમાં રહેવા ગયા. ત્યાં તેમને ઉદ્દામવાદી વર્તુળોમાં ફરવાની તક મળી અને તેઓ વૉલ્તેરવાદી સંશયવાદની વિચારધારામાં જોડાયા. ‘ઇલ ટ્રિપૉન ફો દેલા લિબ્રેતા’ નામક તેમનું પાદરીવિરોધી કાવ્ય તેમના વિચારસ્વાતંત્ર્યનો તીવ્ર પડઘો પાડે છે.

1808માં તેમણે હેનરિટ સાથે લગ્ન કર્યું; એ યુવતીએ રોમન કૅથલિક સંપ્રદાયનો સ્વીકાર કર્યો અને તેને પગલે 2 વર્ષ પછી તે પણ કૅથલિક સંપ્રદાયમાં જોડાયા. પછી મિલાનના એક નિવાસસ્થાનમાં નિવૃત્ત જીવન સ્વીકારીને 1812થી ’15 દરમિયાન શ્રેણીબંધ ધાર્મિક કાવ્યો લખ્યાં. એ કાવ્યમાળાનું છેલ્લું અને કદાચ સૌથી ઉત્તમ કાવ્ય ‘લ પેન્ટે કૉસ્તે’ 1822માં પ્રગટ થયું.

આ વર્ષો દરમિયાન તેમણે ‘ઑબ્ઝર્વેશન ઑન કૅથલિક એથિક્સ’ (1819) નામક નિબંધસંગ્રહ, 1821ની પિડમૉન્તસે ક્રાંતિ વિશેનું ઓડ ‘માર્ઝો 1821’ અને શેક્સપિયરના પ્રભાવ હેઠળ લખાયેલી 2 ઐતિહાસિક ટ્રૅજેડી, વેનિસ તથા મિલાન વચ્ચેના પંદરમી સદીના સંઘર્ષને આલેખતી રોમૅન્ટિક રચના ‘ઇલ કૉમતે દી કાર્મેગ્નૉલ’ (1820) તેમજ આર્લામૅગ્નેને પદભ્રષ્ટ કરી ઇટાલીની જીત થઈ તે વિશેનું અત્યંત સુંદર પદ્યનાટક ‘ઍડેલ્ચી’ (ભજવાયું, 1822) જેવી કૃતિઓ લખી. 1821માં નેપોલિયનના અવસાન નિમિત્તે લખાયેલ અન્ય એક ઓડ કાવ્ય ‘ઇલ સિન્ક્યુ મૅગિયો’(1822)ને ગ્યૂઇથેએ જર્મનમાં ભાષાંતર કરી તેને આ પ્રસંગની ઉજવણીને લગતાં કાવ્યોમાં સૌથી મહાન તરીકે બિરદાવ્યું હતું.

પ્રતિષ્ઠિત સર્જક તરીકેની નામના પામ્યા પછી તેમણે તેમની સર્વોત્તમ કૃતિ  જેવી નવલકથા ‘આઇ પ્રોમેસી સ્પૉઝી’ (3 ગ્રંથ  1825–27) લખી; તેના પરિણામે તેમને ઇટાલી તેમજ અન્ય દેશોમાંથી તરત જ બહોળી પ્રશંસા અને પ્રસિદ્ધિ મળી. ફ્લૉરેન્ટાઇન બોલીને ઇટાલીની રાષ્ટ્રીય લોકભાષા તરીકે પ્રચલિત કરવાની રાષ્ટ્રવાદી ભાવનાથી પ્રેરાઈને (અને આ ભાવના તેમનાં અન્ય ભાષાવિષયક પ્રકાશનોમાં પણ પ્રતિબિંબિત થતી રહી હતી) તેમણે આ જ નવલકથા સરળ-પ્રવાહી ટસ્કન ભાષામાં ફરીથી લખી અને આ અભિગમનો પછીના કેટલાય ઇટાલિયન લેખકો પર ભારે પ્રભાવ પડ્યો.

1833માં તેમનાં પત્નીનું અવસાન થયું. તેમનાં બીજી વારનાં પત્ની અને તેમનાં મોટાભાગનાં સંતાનો પણ તેમની હયાતી દરમિયાન જ મૃત્યુ પામ્યાં. આ વિપત્તિઓથી તેમની શ્રદ્ધા ભાંગી પડવાને બદલે વધુ સુર્દઢ બની. જાહેર જીવનમાં તેમનું ભારે આદરભર્યું સ્થાન હતું અને 1860માં તેમને ઇટાલીના સેનેટર નિયુક્ત કરાયા. 1873માં તેમના સૌથી મોટા પુત્રનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું અને મૅન્ઝોની પણ એ જ વર્ષે અવસાન પામ્યા. તેમની દફનવિધિ સરકારી સંમાનપૂર્વક કરવામાં આવી હતી. તેમના માનમાં વર્દીએ ‘રેક્વિયમ’ નામનું સંગીતબદ્ધ સ્તોત્ર લખ્યું અને તે તેમની પ્રથમ મૃત્યુતિથિ (1874) પ્રસંગે ભજવાયું હતું.

મહેશ ચોકસી