મૅનિટોબા : મધ્ય કૅનેડામાં આવેલો પ્રાંત. ભૌગોલિક સ્થાન : તે 54° 00´ ઉ. અ. અને 97° 00° પ. રે. પરનો આશરે 6,47,797 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર તરફ નૉર્ધર્ન ટેરિટરિઝ, ઈશાનમાં હડસનનો અખાત, પૂર્વ તરફ ઑન્ટેરિયો, પશ્ચિમ તરફ સસ્કેચવાન તથા દક્ષિણમાં યુ.એસ. સાથેની સરહદ આવેલાં છે. તેનો ઉત્તર વિભાગ પહાડી અને ઓછી વસ્તીવાળો છે, પરંતુ તેમાં મહત્વના ખનિજ-નિક્ષેપો અને જંગલો આવેલાં છે. પ્રાંતનો 50 % વિસ્તાર જંગલોવાળો છે. દક્ષિણ તરફના વિભાગમાં થોડો પ્રદેશ પ્રેરિઝનાં મેદાનોથી છવાયેલો છે. આ પ્રદેશ ખેતી માટે સમૃદ્ધ ગણાય છે. વિનિપેગ, વિનિપેગોસિસ અને મૅનિટોબા નામનાં ત્રણ સરોવરો પ્રાંતનો આશરે 4,700 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ ઉપરાંત સધર્ન ઇન્ડિયન, લીન, ગૉડ્ઝ આઇલૅન્ડ નામનાં સરોવરો પણ તેના ઉત્તર અને પૂર્વ ભાગમાં આવેલાં છે. ચર્ચિલ, નેલ્સન અને સીલ અહીંની મુખ્ય નદીઓ છે, તે હડસનના અખાતને મળે છે.

મૅનિટોબાનો નકશો

વિનિપેગ એ આ પ્રાંતનું પાટનગર તથા મોટામાં મોટું શહેર છે. તે કૅનેડાના મધ્યભાગમાં આવેલું હોવાથી પૂર્વ-પશ્ચિમના પ્રાંતોને જોડતું પરિવહન માટેનું મુખ્ય મથક બની રહેલું છે. મૅનિટોબા પ્રાંતની 50 %થી વધુ વસ્તી મહાનગર વિનિપેગમાં રહે છે. 2011 મુજબ મૅનિટોબાની વસ્તી 12,08,268 જેટલી છે. પ્રાંતમાંથી નિકાસ કરવામાં આવતી ચીજોમાં અનાજ, પ્રક્રમિત ખોરાકી ચીજો, દારૂ, માછલીઓ, રુવાંટી, યંત્ર-સામગ્રી, નિકલ, જસત, તાંબું અને સિઝિયમના નિક્ષેપોનો સમાવેશ થાય છે. દુનિયાના વધુમાં વધુ સિઝિયમ-નિક્ષેપો મૅનિટોબામાં આવેલા છે.

કૅનેડા જડતરકામ(mosaic)ના નમૂના સમાન યુક્રેઇન ચર્ચ, મૅનિટોબા

17મી અને 18મી સદીમાં રુવાંટી મેળવવાના પ્રદેશ તરીકે મૅનિટોબાનું મહત્વ વધતું ગયેલું. 18મી સદીમાં રુવાંટીનો વેપાર કરતા લોકોએ અહીં વેપારી મથકો અને કિલ્લાઓ બાંધેલા. સ્કૉટલૅન્ડના પહાડી લોકો 1812માં સર્વપ્રથમ આવીને અહીં વસેલા. તેમણે અહીં જે વસાહત સ્થાપી તે રેડ રિવર વસાહત કહેવાઈ. 1869માં કૅનેડાના ન્યૂ ડૉમિનિયને આ પ્રાંત ખરીદી લીધેલો, પરંતુ ત્યાં સુધી તેનો વહીવટ હડસન બે કંપની દ્વારા થતો હતો, આ કારણે 1869–70માં અહીં બળવો થયેલો. 1870માં તેને જ્યારે પ્રાંતનો દરજ્જો મળ્યો ત્યારે તેને મૅનિટોબા નામ અપાયેલું. 1881માં અને 1912માં તેનો વિસ્તાર અગાઉ હતો તે કરતાં વધારવામાં આવેલો. આ પ્રાંત એનાં વન્ય જીવન અને કુદરતી ર્દશ્યોને કારણે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેલો છે.

ગિરીશભાઈ પંડ્યા