મૅનહટન પરિયોજના : બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન અણુબૉંબનું ઉત્પાદન કરવા માટે અમેરિકાએ કરેલા અત્યંત ગુપ્ત પ્રયાસોની વૈજ્ઞાનિક કામગીરીનું સાંકેતિક નામ. આ અંગેનું પ્રારંભિક સંશોધનકાર્ય અમેરિકાના ન્યૂયૉર્ક શહેરના મૅનહટન એન્જિનિયર ડિસ્ટ્રિક્ટમાં લશ્કરી ટુકડીના ઇજનેરોએ શરૂ કર્યું હતું; તેથી આ પૂરી યોજના ઉપર્યુક્ત નામાભિધાન પામેલી.

1938માં જર્મન વૈજ્ઞાનિકોએ સંશોધનક્ષેત્રે પરમાણુ-વિખંડનની પહેલ કરી; ત્યારબાદ અમેરિકામાંના ભૌતિકશાસ્ત્રીઓએ આ બાબત હાથ ધરી, કારણ કે અમેરિકી વૈજ્ઞાનિકોને એવી બાતમી મળી હતી કે હિટલરે પરમાણુબૉંબ પેદા કરવાના પ્રયાસો આરંભી દીધા છે.

શરૂઆતમાં આ કાર્યક્રમ ‘ઑફિસ ઑવ્ સાયન્ટિફિક રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ’ અને ‘નૅશનલ ડિફેન્સ રિસર્ચ કમિટી’ના વડા વાનેવર બુશના નેતૃત્વ હેઠળ ચાલ્યો. તે પછી ‘આર્મી કૉર ઑવ્ એન્જિનિયર્સ’ના જનરલ લેસ્લી ગ્રોવ્ઝના માર્ગદર્શન હેઠળ તે આગળ વધ્યો. ગ્રોવ્ઝે ઓકરિજ, ટેનિસી ખાતે જમીન ખરીદી એક પ્રયોગશાળા શરૂ કરી, જેમાં યુરેનિયમ-238માંથી આવશ્યક એવું યુરેનિયમ-235 અલગ તારવવાની સગવડ ઊભી કરી. યુનિવર્સિટી ઑવ્ શિકાગોના આર્થર ક્રૉમ્પટનની રાહબરી નીચે આ સંશોધને વેગ પકડ્યો.

આ પછી ન્યૂ મેકિસકોના લૉસ ઍલમોસ ખાતે શસ્ત્ર-પ્રયોગશાળા તૈયાર કરવામાં આવી અને ભૌતિકશાસ્ત્રનું ઊંડું સૈદ્ધાંતિક જ્ઞાન ધરાવનાર જે. રૉબર્ટ ઑપનહાઇમરની આ પ્રયોગશાળાના નિયામક તરીકે સેવાઓ લેવામાં આવી. સંશ્લેષક (synthetic) તત્વ પ્લૂટોનિયમનો ઉપયોગ કરીને અન્ય પ્રકારનો બૉમ્બ સર્જવામાં આવ્યો. 1942માં શિકાગોમાં એન્રિકો ફર્મીએ એક રિઍક્ટર બાંધ્યું. આ રિઍક્ટરમાં યુરેનિયમ-238 સાથે ન્યુટ્રૉન સહિતના પ્લૂટોનિયમનું ઉત્પાદન થવા લાગ્યું. લૉસ ઍલમૉસ ખાતે આ પ્લૂટોનિયમ પર વૈજ્ઞાનિક પ્રક્રિયા કરીને તેને કદમાં અતિ સૂક્ષ્મ અને અનેકગણું વધારે વિસ્ફોટક બનાવવામાં આવ્યું. તેનું પરીક્ષણ ઍલમોગૉર્ડો, ન્યૂ મેક્સિકોના રેતાળ પ્રદેશમાં 16 જુલાઈ 1945ના રોજ કરવામાં આવેલી, જે અણુબૉંબનો પહેલો વિસ્ફોટ હતો. આ સમગ્ર ઘટના પાછળથી ‘મૅનહટન પરિયોજના’ નામથી જાણીતી બની હતી.

રક્ષા મ. વ્યાસ