મૅનરિઝમ : ચિત્ર અને શિલ્પ (1520–1600) : 1520થી 1600 દરમિયાન ઇટાલીમાં થયેલી કળાપ્રવૃત્તિ. સમકાલીન કળા-ઇતિહાસકાર જ્યૉર્જિયો વસારીએ ઇટાલિયન શબ્દ ‘માનિયેરા’ પરથી સર્વપ્રથમ ‘મૅનરિઝમ’ (રીતિવાદ) શબ્દ પ્રયોજેલો. 1550 પછી આ શૈલી ઇટાલીની બહાર પશ્ચિમ યુરોપમાં પણ પ્રસરી ચૂકી હતી. વિશ્વરચનાનો આધાર કોઈ સંપૂર્ણતા કે સુવ્યવસ્થામાં નહિ, પણ એકાદ સંકુલ અરાજક અસ્તવ્યસ્તતામાં છે એવાં મંતવ્ય અને અભિગમ આ ચિત્રો અને શિલ્પોના મૂળમાં છે. આથી રેનેસાં યુગની સમતુલિત (balanced) કૃતિઓને સ્થાને ભડકીલી કૃતિઓ અને સુસંવાદી (harmonised) કૃતિઓને સ્થાને વિસંવાદી કૃતિઓ સર્જાવા લાગી. માનવ-આકૃતિઓમાં વિકૃતીકરણ (distortion) ઉમેરાયું. ચિત્ર અને શિલ્પ બંનેમાં લંબાકાર(elongated) અંગોપાંગો અને અતિરેક લાગે એવાં સ્નાયુઓનાં ખેંચાણતણાવ એ રીતિવાદ(mannerism)ની આગવી ઓળખ બની રહી. પરિપ્રેક્ષ્ય (perspective) અને તેના દ્વારા નજરે પડતા આભાસી (illusory) ઊંડાણનો ઉપયોગ ભાવાત્મકતાને વધુ તીવ્ર બનાવવા માટે થયો. ઘણી વાર ખૂબ જ અરુચિકર તેમજ ભડક રંગો પણ વપરાયા. આ ચિત્રોમાં લીલામાં ભળતા પીળા કે કેસરીમાં ભળતા લાલ રંગ વડે ભાવાત્મકતાની વધુ ઉત્કટ અભિવ્યક્તિ સધાય છે. રીતિવાદી ચિત્રો અને શિલ્પો – બંનેમાં માનવ-આકૃતિઓની નાટ્યાત્મકતાની વેધક અંગભંગિઓ દ્વારા વધુ ઉત્કટ અભિવ્યક્તિ થઈ.
માઇકલૅન્જેલો અને રૅફાયેલના જીવનના ઉત્તરાર્ધની કલાકૃતિઓનો તેમજ કોરેજિયો, કારાચી, બ્રૉન્ઝિનો, પૉન્ટૉર્મો, અલ ગ્રેકો, જ્યૂલિયો રોમાનો, કોર્નેલિયસ વાન હાર્લેમ, ટેવાયેલ, પેરિનો દેલ વાગા પ્રિમાતિચિયો, રોસો ફિયોરેન્તિનો, બેકાફૂમી, દોસો હોસી, અલ ગ્રેકૉ, પાર્મિજિયાનીનો હાન્સ ફોન આખેન, સાલ્વિયાતી, ચેલિની, બાન્દીનેલી અને સેબાસ્તિયાનો પિયોમ્બૉ, ફ્રા બાર્તોલોમ્યુ જેવા કલાકારોનો આ રીતિવાદી શૈલીમાં સમાવેશ થાય છે.
આ જ સમય દરમિયાન યુરોપમાં ગુરુશિષ્યપરંપરાના સ્થાને કલાશાળા જેવી સમન્વયાત્મક વલણ ધરાવતી સંસ્થાનું વર્ચસ્ સ્થપાયું. લુડૉવિકો કરાચીએ પોતાના પિતરાઈઓ આનીબાલે અને ઑગસ્ટિનોની મદદથી બૉલોન્યા નગરમાં 1585માં આવી કલાની એક એકૅડેમી સ્થાપી.
શિલ્પક્ષેત્રે રીતિવાદી શૈલીની પ્રમુખ કલાકૃતિઓમાં માઇકલૅન્જેલોનું ‘રોન્દિનીનિ’ પિયેતા તેમજ શિલ્પી બાચીઓનું ‘હર્ક્યુલીઝ ઍન્ડ કૈકસ’, શિલ્પી બેન્વેનુતો ચૅલ્લિનીનું ‘પર્સિયસ’ તથા શિલ્પી જ્યામ્બૉલોન્યાનું ‘સૅબાઇન વુમન’ સમાવેશ પામે છે. મૂળે ફ્રેન્ચ શિલ્પી જ્યામ્બૉલોન્યા ફ્લૉરેન્સમાં સ્થાયી થયો હતો. આરસપહાણમાંથી બનાવેલા તેના શિલ્પ ‘સૅબાઇન વુમન’માં સ્ત્રી-પુરુષનાં શરીરને બને તેટલા વધુ વળાંકો (twists) આપી તેમની તીવ્ર અંગભંગિઓથી એક પ્રકારની નાટ્યાત્મક અસર સિદ્ધ કરી છે. એ જ અભિગમ તેની કાંસ્યમૂર્તિ ‘એપૉલો’માં પણ દેખાય છે. માઇકલૅન્જેલોએ આરસપહાણમાંથી બનાવેલા ‘રૉન્દિનીનિ’ પિયેતા શિલ્પમાં આખરી ઓપ વિના ખરબચડી રાખેલી પથ્થરની સપાટી તેમજ અમૂર્ત લાગતાં લંબાકાર અંગોપાંગો તુરત જ ધ્યાન ખેંચે છે.
ચિત્રક્ષેત્રે કોરેજિયો અને અલ ગ્રેકોએ રંગમંચ પર પાત્રોને ઉઠાવ આપવા માટે પ્રયોજાય છે એ રીતે પ્રકાશ પ્રયોજ્યો છે. તે કૃત્રિમપણે પરંતુ જોરદાર પ્રભાવ પાડે છે, જે તેમની ચિત્રશૈલીનું મહત્વનું લક્ષણ બની રહે છે. પ્રકાશ તથા રંગોનો અતિરેક, માનવઆકૃતિઓનાં અંગોપાંગોનું વિકૃતીકરણ જેવી શૈલીગત લાક્ષણિકતાઓ મૅનરિઝમ પછી સત્તરમી સદીમાં પ્રકટેલ બરૉક પ્રણાલીમાં વધુ સ્ફુટ થયાનું જણાય છે.
અમિતાભ મડિયા