મૅથ્યૂસન, ક્રિસ્ટી (જ. 12 ઑગસ્ટ 1880, ફૅક્ટરીવિલે, પેન્સિલવેનિયા, અમેરિકા; અ. 7 ઑક્ટોબર 1925) : અમેરિકાના ખ્યાતનામ બેઝબૉલ ખેલાડી. જમણા હાથે દડો ફેંકનારા (pitcher) તેઓ અગ્રણી ખેલાડી હતા. આ કૌશલ્યને પરિણામે તેઓ તેમની કારકિર્દી દરમિયાન 373 રમતોમાં વિજેતા બન્યા; આ (ગ્રોવર ઍલેક્ઝાન્ડર સાથેનો) એક વિક્રમજનક દેખાવ લેખાય છે. પોતાના શહેરમાં અવૈતનિક મંડળો સાથે તેમણે રમવાનો પ્રારંભ કર્યો. ત્યાં જ તેઓ સામેના ખેલાડીને પરાજિત કરનારી ‘સ્ક્રૂબૉલ’ એટલે કે ‘પેચીદા દડા’ની લાક્ષણિક શૈલી વિકસાવી શક્યા. બકનેલ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા પછી નાની-મોટી લીગ-કક્ષાની રમતોમાં જોડાયા પછી તેઓ ‘ન્યૂયૉર્ક જાયન્ટ્સ’ (હવે ‘સાનફ્રાન્સિસ્કો જાયન્ટ્સ’)માં જોડાયા અને 1900થી 1916 સુધીની 17 સીઝનમાં ભાગ લીધો. પોતાની કારકિર્દી દરમિયાન તેઓ 3 સળંગ સીઝનમાં 30 ઉપરાંત રમતોમાં વિજેતા બન્યા. એમાં તેમણે કુલ 2,499 બૅટધર(batters)ને પરાજિત કર્યા. પોતાના રમત-કૌશલ્ય વડે તેમણે છેક નીચલા ક્રમે રહેતી પોતાની સંસ્થા ‘જાયન્ટ્સ’ને ટોચે પહોંચાડી.
વિશ્વ-શ્રેણીઓમાં પણ તેઓ દડો ફેંકવામાં અગ્રેસર ખેલાડી તરીકે એવા જ પ્રભાવી નીવડ્યા. એમાં સૌથી વધારે (10) રમત પૂરી કરવાના અને ‘શટ આઉટ’ (4) માટેના વિક્રમ તેઓ ધરાવે છે. 1936માં જ્યારે બેઝબૉલની રમત માટે ‘હૉલ ઑવ્ ફેમ’ની સ્થાપના કરવામાં આવી ત્યારે તેમાં જે સર્વપ્રથમ 5 ખેલાડીઓ સ્થાન પામ્યા તેમાં મૅથ્યૂસનનો સમાવેશ થતો હતો.
મહેશ ચોકસી