મૅથ્યૂઝ, સ્ટૅનલી (સર) (જ. 1 ફેબ્રુઆરી 1915, હૅન્લી, સ્ટૅફર્ડશાયર, મધ્ય ઇંગ્લૅન્ડ; અ. 23 ફેબ્રુઆરી 2000, Stoke-on Trent, U.K.) : ફૂટબૉલના આંગ્લ ખેલાડી. સૉકરની રમતના ઇતિહાસમાં તે દંતકથારૂપ પાત્ર બની ગયા છે. તે બાજુમાંથી રમનારા (winger) અદભુત ખેલાડી હતા અને શરીર તથા ફૂટબૉલ પર કંઈક એવું જાદુઈ પ્રભુત્વ અને નિયંત્રણ ધરાવતા હતા કે રક્ષણહરોળમાંના સૌથી મહાન ખેલાડીઓ પણ સમતોલપણું ગુમાવી બેસતા. તેમણે 1931માં સ્ટૉક સિટીથી તેમની રમત-કારકિર્દીનો પ્રારંભ કર્યો અને 1947માં વિવાદાસ્પદ રીતે બ્લૅકપૂલમાં જોડાયા. કૌશલ્યપૂર્વકની રમત છતાં, છેક 1947માં તેઓ ફૂટબૉલ ઍસોસિયેશન કપ ફાઇનલમાં પ્રથમ વાર મેડલના અધિકારી બન્યા. 1961માં તેઓ સ્ટૉક સિટી ટીમમાં પાછા ફર્યા. તેમની રમતના ખેલાડી તરીકેની વ્યવસાયી કારકિર્દી 33 વર્ષ સુધી ચાલી અને 50 વર્ષે તેઓ નિવૃત્ત થયા. ઇંગ્લૅન્ડ તરફથી તેમણે 54 વાર રમતમાં ભાગ લીધો અને 1948 તથા 1963માં એમ 2 વાર વર્ષના શ્રેષ્ઠ ફૂટબૉલર તરીકેનું સન્માન પામ્યા. નિવૃત્તિ પૂર્વેની વિદાયરૂપ ભવ્ય રમતમાં વિશ્વના ટોચના ખેલાડીઓએ ભાગ લીધો હતો. ફૂટબૉલની રમતમાંથી નિવૃત્ત થયા પછી 1965માં જ તેમને ‘સર’નો ખિતાબ આપી તેમનું બહુમાન કરાયું. આવું બહુમાન પામનાર તેઓ પ્રથમ વ્યવસાયી સૉકર ખેલાડી હતા. 1956માં જ્યારે યુરોપિયન ફૂટબૉલર ઑવ્ ધ યર ઍવૉર્ડની સ્થાપના કરવામાં આવી ત્યારે 41 વર્ષના મૅથ્યુઝ તેના પ્રથમ વિજેતા બન્યા.
મહેશ ચોકસી