મૅડિસન, ડૉલી (જ. 20 મે 1768, ન્યૂ ગાર્ડન, નૉર્થ કૅરોલિના, યુ.એસ.; અ. 12 જુલાઈ 1849, વોશિંગ્ટન ડી.સી.) : અમેરિકાના પ્રમુખ જેમ્સ મૅડિસનનાં પત્ની (ફર્સ્ટ લૅડી). તેમના પ્રથમ પતિનું અવસાન થતાં, 1794માં તેમણે જૅમ્સ મેડિસન સાથે લગ્ન કર્યાં. પ્રમુખપત્ની તરીકે તેઓ ખૂબ લોકચાહના અને આદર પામ્યાં હતાં. મૅડિસનની રાજકીય કારકિર્દી આગળ ધપાવવામાં તેઓ ખૂબ ઉપકારક નીવડ્યાં હતાં.

ડૉલી મૅડિસન

1814માં બ્રિટિશ સેના આગળ વધી રહી હતી ત્યારે મહત્વના રાજકીય દસ્તાવેજો તથા જ્યૉર્જ વૉશિંગ્ટનનું ચિત્ર ઉગારી લેવામાં તેમણે કીમતી કામગીરી બજાવી હતી. ઉત્તરાર્ધનાં વર્ષોમાં તેઓ વૉશિંગ્ટનના સમાજમાં સક્રિય રહ્યાં હતાં. અમેરિકાની પ્રતિનિધિ-સભા(હાઉસ ઑવ્ રેપ્રિઝેન્ટેટિવ્ઝ)માં તેમને આજીવન સભ્યપદનું સન્માન અપાયું હતું.

મહેશ ચોકસી