મૅજિક આઈ (Magic Eye) : રૅડિયો રિસીવરોમાં બરોબર ટ્યૂનિંગ થાય છે કે કેમ તે દર્શાવતું ઉપકરણ (device). તે ત્રિ-ધ્રુવ વાલ્વ (triode) અને સાદી ઋણકિરણનળી(cathode-ray tube)થી બનેલું હોય છે. તેમાં ધાતુની ચકતી (fin) કંટ્રોલ-ઇલેક્ટ્રૉડ તરીકે વપરાય છે. આ કંટ્રોલ-ઇલેક્ટ્રૉડમાં મળતા ઇનપુટના પ્રમાણમાં ફ્લોરસન્ટ ટ્યૂબમાં પ્રકાશ જોવા મળે છે. રેડિયોમાં તે વૉલ્યૂમ-કંટ્રોલ માટે ‘સેકન્ડ ડિટેક્ટર સ્ટેજ’માં જોડવામાં આવે છે. ‘Automatic Volume Control’ (AVC)નો એક છેડો તેની ગ્રિડ ઉપર લગાવવાથી ટ્યૂનિંગ વેળા જેમ વોલ્ટેજ વધે તેમ તેનો તેજસ્વી ભાગ વધતો જાય છે અને છાયાવાળો ભાગ ઓછો થાય છે. જ્યારે તેજસ્વી ભાગ સમગ્ર પડદા પર દેખાય અને છાયાવાળો ભાગ બિલકુલ ન રહે ત્યારે બરોબર ટ્યૂનિંગ થયું છે તેમ કહેવાય. આ પ્રકારની રીત વૉટમીટર અને ગૅલ્વેનૉમીટરમાં પણ ‘Indicator’ (દર્શક) તરીકે વપરાય છે.

ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ