મૅગ્નોલિયેસી : વનસ્પતિઓના મૅગ્નોલિયોફાઇટા વિભાગ (= દ્વિદળી વર્ગ)માં આવેલું એક કુળ. તે બે ઉપકુળોનું બનેલું છે : મૅગ્નોલિયૉઈડી અને લિરિયોડેન્ડ્રૉઈડી. તે 7 પ્રજાતિઓ અને લગભગ 219 જેટલી જાતિઓનું બનેલું કુળ છે. જોકે કેટલાક વર્ગીકરણની પદ્ધતિઓ મૅગ્નોલિયોઈડી ઉપકુળની બધી વનસ્પતિઓને મૅગ્નોલિયા પ્રજાતિ હેઠળ મૂકે છે.
વિતરણ : આ કુળ ઉપોષ્ણકટિબંધીય (subtropical) પૂર્વ ઉત્તર અમેરિકા, મેક્સિકો, મધ્ય અમેરિકા, વેસ્ટ ઇન્ડીઝ, ઉષ્ણકટિબંધીય (tropical) દક્ષિણ અમેરિકા, દક્ષિણ અને પૂર્વ ભારત, શ્રીલંકા, ઇંડોચાઇના, મલેશિયા, ચીન, જાપાન, કોરિયા અને ઑસ્ટેલિયામાં થાય છે. આફ્રિકામાં આ કુળ બિલકુલ થતું નથી. ભારતમાં તેની 30 જેટલી જાતિઓ નોંધાઈ છે. Magnolia (લગભગ 128 જાતિઓ) સૌથી મોટી પ્રજાતિ છે. તે મોટે ભાગે એશિયામાં થાય છે. Michelia (49 જાતિઓ) ઉષ્ણ કટિબંધીય એશિયા અને Talauma (15 જાતિઓ) મોટે ભાગે અગ્નિએશિયામાં થાય છે. તેની 4 જાતિઓ સ્થાનિક છે અને ઉષ્ણકટિબંધીય અમેરિકામાં મેક્સિકોથી બ્રાઝિલ સુધી થાય છે. આ ઉપરાંત, Kmeriaની 5 જાતિ, Manglietiaની 29 જાતિઓ, Pachylarnaxની 2 જાતિઓ, Elemerrilliaની 4 જાતિઓ અને Liriodendronની 2 જાતિઓ નોંધાઈ છે.
સ્વરૂપ : આ કુળની જાતિઓ પર્ણપાતી (deciduous) કે સદાહરિત (evergreen) વૃક્ષ કે ક્ષુપ સ્વરૂપે થાય છે. Schizandra અને Kadsuraની બહુ ઓછી જાતિઓ આરોહી હોય છે. પ્રકાંડ અને પર્ણોમાં તૈલી પુટિકાઓ (ois sacs) આવેલી હોય છે.
પર્ણો : સાદાં, એકાંતરિત, સામાન્યત: સદાહરિત, ચર્મિલ (coriaceous), પક્ષયત્ (pinnately) શિરાવિન્યાસવાળાં અને ઉપપર્ણીય (stipulate) હોય છે. આ ઉપપર્ણો શલ્કી (scaly), જાડાં અને બદામી રંગનાં હોય છે. તથા તરુણ કલિકાને આવરી તેનું રક્ષણ કરે છે.
પુષ્પવિન્યાસ : તે અગ્રીય (terminal) કે કક્ષીય (aillary) એકાકી (solitary) પ્રકારનો હોય છે.
પુષ્પ : તે ખૂબ મોટું અને અત્યંત સુંદર (Magnolia fraseriમાં તેનો વ્યાસ લગભગ 25.0 સેમી. જેટલો હોય છે.), પૂર્ણ, નિયમિત, સામાન્યત: દ્વિલિંગી (Kmeria અને Drimysમાં એકલિંગી પુષ્પો), અધોજાયી (hypogynous) અને સુરભિત (aromatic) હોય છે. નીચેની કલિકાઓ ઘણી વાર પૃથુપર્ણીય (spathaceous) નિપત્ર (bract) દ્વારા આવૃત હોય છે.
પરિદલપુંજ (perianth) : આ કુળમાં પુષ્પના સહાયક ચક્રો વજ્રપત્રો અને દલપત્રોમાં સ્પષ્ટપણે વિભેદન પામેલાં હોતાં નથી. બંને ચક્રોના ઘટકોને પરિદલપત્રો (tepals) અને આ ચક્રોને પરિદલપુંજ (perianth) કહે છે. મુક્ત વજ્રપત્રો અને મુક્ત દલપત્રોનો બનેલો પરિદલપુંજ Magnolia અને Micheliaમાં ચક્રીય (cycle) અને બાદિયાન (Illicium verum)માં કુંતલાકાર (spiral) અને અધ:સ્થ (inferior) હોય છે. વજ્રપત્રો ઘણુંખરું 3 અને મુક્ત હોય છે. દલપત્રો 6 કે ઘણાં અને મુક્ત હોય છે.
પુંકેસરચક્ર (androecium) : પુંકેસરો અસંખ્ય અને પુષ્પાક્ષના તલ ભાગે પુંધર(androphore) ઉપર કુંતલાકારે ગોઠવાયેલાં હોય છે. પુંકેસરતંતુઓ ટૂંકા અથવા ગેરહાજર અને પરાગાશયો રેખીય (linear) અને દ્વિખંડી હોય છે. તેનું સ્ફૉટન લંબવર્તી (longitudinal), અંતર્મુખી(introse) પ્રકારો થાય છે.
સ્ત્રીકેસચક્ર (gynoecium) : તે અદંડી હોય છે, અથવા સ્ત્રીધર(gynophore) ઉપર ઉત્પન્ન થાય છે. તે અસંખ્ય, મુક્ત અને લાંબા અક્ષ ઉપર કુંતલાકારે ગોઠવાયેલાં સ્ત્રીકેસરોનું બનેલું હોય છે. પ્રત્યેક સ્ત્રીકેસર ઊર્ધ્વસ્થ બીજાશય ધરાવે છે અને તે એકકોટરીય હોય છે; જેમાં ચર્મવર્તી (parietal) જરાયુ ઉપર એકથી માંડી ઘણાં અંડકો ગોઠવાયેલાં હોય છે. પરાગવાહિની અને પરાગાસન એક હોય છે.
ફળ : એકસ્ફોટી (follicle), સપક્ષ (samara) અથવા અનષ્ઠિલ (berry) સમૂહફળ (aggregate) પ્રકારનાં હોય છે.
બીજ : તે વિપુલ પ્રમાણમાં જલીય-રસાળ (watery-fleshy) હોય છે. તે ભ્રૂણપોષી (endospermic) હોય છે અને નાનો ભ્રૂણ તથા લાંબી અંડનાલ (funiculas) ધરાવે છે.

આકૃતિ 1 : (અ) Magnolia grandifloraનાં પર્ણો અને મોટું પુષ્પ, (આ) સ્ત્રીકેસરચક્ર, ઊભા છેદમાં, (ઇ) પરિદલપુંજરહિત પુષ્પ, (ઈ) પુંકેસર, (ઉ) ફળ, (ઊ) ફળ (બીજ સહિત) દંડ સાથે બહાર નીકળેલાં દેખાય છે.

(અ)

(ઉ)

(ઊ)
પુષ્પીય સૂત્ર :
પુષ્પીય સૂત્ર (floral formula)
જૈવભૂગોળ (biogeography) : મૅગ્નોલિયેસી કુળનું ભૌગોલિક વિતરણ હિમયુગો (ice ages), મહાદ્વીપિય વિસ્થાપન (eontinental drift) અને ગિરિનિર્માણ(mountain formation)ને કારણે ખંડિત થયું છે. તેથી કેટલીક જાતિઓ અલગ થઈ છે અને અન્ય જાતિઓ પરસ્પર ગાઢ સંપર્કમાં આવી છે.
વર્ગીકરણવિજ્ઞાન (systematics) : કુળમાં જોવા મળતા સામ્યને લીધે કુળની ઘણી પ્રજાતિઓ વિશે હજુ સર્વસંમતિ પ્રવર્તતી નથી. 20મી સદીના અંતભાગમાં DNA અનુક્રમણ(sequencing)ના વિકાસનો કુળના જાતિવિકાસી (phylogenetic) સંબંધોના સંશોધન ઉપર ભારે પ્રભાવ રહ્યો છે. ndhF (NADP ડીહાઇડ્રોજીનેઝ F) અને cp (chloroplast-હરિતકણ) DNAના ઉપયોગ દ્વારા વ્યવહારમાં સ્વીકારાયેલ મૅગ્નોલિયેસી કુળના ઘણા જાતિવિકાસી સંબંધોનું ખંડન થયું છે. દા. ત., Magnolia અને Michelia પ્રજાતિઓ પરાજાતિવિકાસી (paraphyletic) દર્શાવાઈ છે; જ્યારે મૅગ્નોલિયેસી કુળની બાકીની ચાર પ્રજાતિઓનું વિભાજન થયું છે. ખરેખર તો ઘણી ઉપ-પ્રજાતિઓ (subgenera); જેમ કે, Magnolia subg. Magnolia, Magnolia subg. Talauma પરાજાતિવિકાસી જાણવા મળી છે. જોકે કુળના જાતિવિકાસ (Phylogeny) વિશે હજુ સંપૂર્ણ અભ્યાસ થયો નથી, છતાં આ તકનીકીની પ્રગતિ મુખ્ય જાતિવિકાસી રેખાઓને વિસ્તૃતપણે પરિગત કરવામાં સહાયભૂત થઈ છે.
આર્થિક ઉપયોગિતા : આ કુળની Magnolia પ્રજાતિની 20 જેટલી જાતિઓ, Micheliaની 3 જાતિઓ અને Telaumaની એક જાતિ શોભન વનસ્પતિ તરીકે ઉગાડવામાં આવે છે. પીળા ચંપા (M. champacla)નાં પુષ્પોનો સ્ત્રીઓના વાળને સુશોભિત કરવા, મંદિરોમાં પૂજામાં અને અત્તર બનાવવા માટે ઉપયોગ થાય છે. પૂર્વીય ઉત્તર અમેરિકામાં થતી Liriodendron talipifera અને સમશીતોષ્ણ હિમાલયમાં થતી M. excelsaનું શ્વેતકાષ્ઠ રાચરચીલું, પેટીઓ, સંગીતનાં સાધનો, રમકડાં, હોડી વગેરે બનાવવામાં ઉપયોગી છે. Magnoliaની કેટલીક જાતિઓનું કાષ્ઠ પેટી-કામ (cabinet-work)માં ઉપયોગમાં લેવાય છે.
Magnoliaની જાતિઓનો ચીનમાં હજારો વર્ષથી ઘા રૂઝવવા માટે ઉપયોગ થાય છે. Magnolia officinalisનો સ્નાયુતાણ, પેટનો દુ:ખાવો, અતિસાર અને અર્જીણમાં ઉપયોગ થાય છે. Magnolia liliifloraની પુષ્પકલિકાઓનો દીર્ઘકાલીન શ્વસન અને વાયુવિવરશોથ (sinusitis)ના ચેપ અને ફુપ્ફુસીય રક્તાધિક્ય (lung congestion)ની ચિકિત્સામાં ઉપયોગ થાય છે. Magnolia officinalis છાલ ચિંતા, પ્રત્યૂર્જતા (allergy), દમ અને વજનમાં થતા ઘટાડામાં ઉપયોગી છે.
જાતિવિકાસ (phylogeny) : આ કુળને આવૃતબીજધારી(Angiospermae)નું સૌથી આદ્યકુળ ગણવામાં આવે છે. હેલિયરે (1905) કુંતલાકારે ગોઠવાયેલાં મુક્ત સ્ત્રીકેસરો ધરાવતા લાંબા પુષ્પાક્ષની અનાવૃતબીજધારી(Gymnospermae)ના બેન્નેટાઇટેલ્સ ગોત્રનાં બીજાણુપર્ણો (sporophylls) ધરાવતા અક્ષ સાથે તુલના કરી છે. કોષવિદ્યાકીય સંશોધનોને આધારે વ્હીટેકર (1933) મૅગ્નોલિયેસીમાંથી વિન્ટરેસી, ટ્રોકોડેન્ડ્રેસી, ઇલિસિયેસી, સાઇઝેન્ડ્રેસી અને યુપેટાલિયેસી કુળોનું અલગીકરણ યોગ્ય ઠરાવે છે. સ્મિથ(1945)ના મંતવ્ય અનુસાર મૅગ્નોલિયેસી કુળ વાનસ્પતિક અને પુષ્પીય લક્ષણોની ષ્ટિએ પ્રમાણમાં વધારે વિશિષ્ટ હોવાથી તેની આદ્ય પ્રકૃતિ વિશેની ધારણા બાબતે કેટલીક શંકા રહે છે. બેઇલી, નાસ્ટ અને સ્મિથ (1943) મૅગ્નોલિયેસી કુળ ઑસ્ટ્રેલિયન પૅસિફિકનાં હિમેટેન્ડ્રેસી અને ડિજનરિયેસી નામનાં બે નાનાં કુળો સાથે ગાઢ રીતે સંબોધિત હોવાનું માને છે. વળી, Drimysનું પરિવેશિત (bordered) ગર્તો (pits) ધરાવતી જલવાહિનિકીઓ- (tracheids)વાળું કાષ્ઠ રચનાની ષ્ટિએ અનાવૃતબીજધારીય છે. આ કુળનું ભૌગોલિક વિતરણ અને યુરોપ તથા ગ્રીનલૅન્ડના તૃતીયક (tertiary) સંસ્તરો(beds)માંથી Magnolia) અને Liriodendronના પર્ણોનાં અશ્મીઓ તેની પુરાતનતા(antiquity) સિદ્ધ કરે છે.
મૅગ્નોલિયેસી કુળનાં આદ્યતા દર્શાવતા લક્ષણો : લગભગ 13 કરોડ વર્ષ પૂર્વે સૌ પ્રથમ વાર સપુષ્પ વનસ્પતિઓનો ઉદભવ થયો હોવાનું મનાય છે. ક્રૉન્કિવસ્ટ્(1988)ના મંતવ્ય મુજબ, સૌથી આદ્ય જીવંત આવૃતબીજધારીઓ ઉપવર્ગ મૅગ્નોલિડીમાં સ્થાન ધરાવે છે. આ ઉપવર્ગમાં નિમ્ફ્રીએસી (કમળનું કુળ), રેનન્ક્યુલેસી(માખણકટોરીનું કુળ) અને મૅગ્નોલિયેસી (પીળા ચંપાનું કુળ) જેવાં કેટલાંક આદ્ય કુળોનો સમાવેશ થાય છે. મૅગ્નોલિયેસી કુળનાં આદ્ય લક્ષણો આ પ્રમાણે છે : (1) અંત:સ્થ રચનામાં જલવાહિનિકીઓ પરિવેશિત ગર્તો ધરાવે છે; જે અનાવૃતબીજધારીઓ સાથે સામ્ય દર્શાવતું લક્ષણ છે. (2) તેનાં પુષ્પો મોટાં, પુષ્પીય પત્રોની ગોઠવણી કુંતલાકાર (મોટા ભાગની આવૃતબીજધારી વનસ્પતિઓમાં તેમની ગોઠવણી ચક્રીય(cyclic) હોય છે.); અને પુષ્પાસન (receptacle) શંકુ આકારનું કે નળાકાર હોય છે. (3) તેના પુષ્પનાં સહાયક ચક્રોનું સામાન્યત: વજ્ર કે દલપુંજમાં વિભેદન થયેલું હોતું નથી. આ ચક્રોના એકમોને પરિદલપત્રો (tepals) કહે છે; કારણ કે તેઓ સમાન કદ અને આકાર ધરાવે છે. (4) પુંકેસરો અસંખ્ય હોય છે. અને પુષ્પાસનના તલ ભાગે કુંતલાકારે ગોઠવાયેલાં હોય છે. (5) પુષ્પાસન ઉપરના ભાગે અસંખ્ય મુક્ત સ્ત્રીકેસરો પણ કુંતલાકારે ગોઠવાયેલાં હોય છે. (6) ફળ નિર્માણ થતાં પુષ્પાસન કાષ્ઠમય અને શંકુ જેવું બને છે. અને તે અસંખ્ય, મુક્ત ફલિકાઓ (friotlet) ધરાવે છે. (7) બીજ બહારની સપાટીએ માંસલ લાલ રંગનું બીજોપાંગ ધરાવે છે અને દોરી જેવા દંડ વડે ફલિકાની બહાર લટકે છે.
બળદેવભાઈ પટેલ