મૅગ્નેશિયમ ઑક્સાઇડ : મૅગ્નેશિયમ અને ઑક્સિજનનું સંયોજન. વ્યાપારી નામ મૅગ્નેશિયા. સંજ્ઞા MgO. તેનાં બે સ્વરૂપોનું ઉત્પાદન કરવામાં આવે છે. પ્રમાણમાં નીચા તાપમાને મૅગ્નેશિયમ હાઇડ્રૉક્સાઇડ[Mg(OH)2]ના નિર્જલીકરણથી મળતો પદાર્થ હલકો અને સુંવાળી રુવાંટી જેવો (fluffy) હોય છે, જ્યારે મૅગ્નેશિયમના કાર્બોનેટ અથવા હાઇડ્રૉક્સાઇડને ગરમ કરવાથી મળતા ઑક્સાઇડને ભઠ્ઠીમાં ઊંચા તાપમાને તપાવવાથી પ્રાપ્ત થતો મૅગ્નેશિયમ ઑક્સાઇડ ઘટ્ટ અથવા સઘન (dense) હોય છે.
MgO3 ⇄ MgO + CO2
Mg(OH)2 ⇄ MgO + H2O
દરિયાના પાણીમાંથી Mg(OH)2 મેળવી તેમાંથી પણ ઑક્સાઇડ બનાવી શકાય છે. સૌથી વધુ મૅગ્નેશિયમ ધરાવતી બ્રુસાઇટ નામની હાઇડ્રૉક્સાઇડ ખનિજમાં 69.1 % MgO અને 39.9 % પાણી હોય છે.
બનાવવાની રીત પ્રમાણે ઑક્સાઇડ હલકા અથવા ભારે, સફેદ પાઉડર રૂપે મળે છે. ઘનતા આશરે 0.36. ગ.બિં. 2800° સે., ઉ.બિં. 3600° સે. પાણીમાં થોડો દ્રાવ્ય છે પણ ઍસિડ અને એમોનિયમ ક્ષારોના દ્રાવણમાં સરળતાથી દ્રાવ્ય થાય છે. મૅગ્નેશિયમ ઑક્સાઇડનો ઉપયોગ કાગળો તથા ખાતરોના ઉત્પાદનમાં તેમજ રેયૉનના પ્રક્રમણમાં થાય છે. કુદરતી અથવા ભસ્મિત (calcined) MgO પોલાદના ઉત્પાદન માટેની બેઝિક ઑક્સિજન-વિધિમાં તથા અન્ય ઉચ્ચતાપસહ પદાર્થોમાં અસ્તર (lining) અને જાળવણી (maintenance) માટેના દ્રવ્ય તરીકે વપરાય છે. વિમાનચાલકની સામેની બારીના કાચ (windshield) માટેના બહુસ્ફટિકીય (polycrystalline) સિરેમિકમાં પણ તે વપરાય છે. ઔષધો અને સૌંદર્યપ્રસાધનોમાં, ચીમનીના વાયુઓમાંથી સલ્ફર ડાયૉકસાઇડ દૂર કરવા માટે, અધિશોષણ અને ઉદ્દીપનમાં, અર્ધવાહકોમાં, ખોરાક અને ચારા(feed)ના ઉમેરણ તરીકે પણ તેનો ઉપયોગ થાય છે. મૅગ્નેશિયમ ક્લોરાઇડ અને મૅગ્નેશિયમ ઑક્સાઇડનું મિશ્રણ (સોરલ સિમેન્ટ) પાણી સાથે પ્રક્રિયા કરી ઘન પદાર્થમાં ફેરવાય છે. ઑક્સિસલ્ફેટ સિમેન્ટ પણ MgOમાંથી બનાવાય છે. રબર-ઉદ્યોગમાં પ્રવેગક (accelerator) તરીકે MgOનો ઉપયોગ થાય છે.
જ. દા. તલાટી