મૅગ્નેટાઇટ : લોહધાતુખનિજ. સ્પાઇનેલ ખનિજ સમૂહ, મૅગ્નેટાઇટ શ્રેણી. રાસા. બં. : Fe3O4. સ્ફ. વર્ગ : ક્યૂબિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો સામાન્યપણે ઑક્ટાહેડ્રલ; ડોડેકાહેડ્રલ પણ હોય, ક્યારેક મોટા પરિમાણવાળા સ્ફટિકો પણ મળી આવે છે. રેખાંકનોવાળા પણ મળે. મોટેભાગે દળદાર, ઘનિષ્ઠ, સૂક્ષ્મથી સ્થૂળ દાણાદાર. અપારદર્શક. યુગ્મતા (111) ફલક પર સામાન્ય; પર્ણાકાર કે સ્પાઇનેલ યુગ્મ-સ્વરૂપો. સંભેદ : હોતો નથી, પણ (111) ફલક પર વિભાજકતા સારી. ભંગસપાટી : ખરબચડીથી આછી વલયાકાર. બરડ. ચમક : અતિ તેજસ્વી ધાત્વિકથી માંડીને નિસ્તેજ સુધીની હોય. રંગ : લોહ-ધાતુ જેવો કાળો, રાખોડી કાળો. ચૂર્ણરંગ : કાળો. કઠિનતા : 5.5થી 6.5. વિ. ઘ. : 5.175 (5.2). વિશિષ્ટ ગુણધર્મ : ચુંબકત્વ. પ્રાપ્તિસ્થિતિ : મુખ્યત્વે મૅગ્માજન્ય સંકેન્દ્રણો સ્વરૂપે વિપુલ અને વિસ્તૃત પ્રમાણમાં મળે છે. સલ્ફાઇડ શિરા-નિક્ષેપોમાં મળે; વિકૃત ખડકોમાં, પેગ્મેટાઇટ અને અગ્નિકૃત ખડકોમાં અનુષંગી ખનિજ તરીકે મળે; વિસ્થાપનજન્ય નિક્ષેપોમાં પણ મળે; ભૌતિક સંકેન્દ્રણોમાં કણજન્ય ખનિજ તરીકે પણ મળે છે. પ્રાપ્તિસ્થાનો : યુ. એસ., કૅનેડા, મેક્સિકો, નૉર્વે, સ્વીડન, ઇટાલી, સ્વિટ્ઝર્લૅન્ડ, જર્મની, ઑસ્ટ્રિયા, હંગેરી, રશિયા, ભારત, દક્ષિણ આફ્રિકા વગેરે.
મૅગ્નેટાઇટ સ્પાઇનેલ સમૂહના અણુમાળખામાં આવતું ક્યૂબિક ખનિજ છે; રચનાત્મક સંદર્ભમાં તેનું રાસાયણિક બંધારણ [Fe3+]IV [Fe2+Fe3+]VIO4 મુજબ પણ મુકાય છે. Fe3+ મર્યાદિત માત્રામાં Al3+થી અને Fe2+ મર્યાદિત માત્રામાં Ca2+, Mn2+, Mg2+થી વિસ્થાપિત થઈ શકે છે.
મૅગ્નેટાઇટ કુદરતી ફેરોમૅગ્નેટ છે, તેને 578° સે.થી ઉપર ગરમ કરવાથી પેરામૅગ્નેટિક બને છે. હેમેટાઇટ(α–Fe2O3)ને અપચયિત વાતાવરણીય સંજોગ (reducing atmopshere) હેઠળ ગરમ કરવાથી, હેમેટાઇટને હવામાં 1,400° સે. ઉપર ગરમ કરવાથી અથવા ઊંચા તાપમાને લોહ-ધાતુનું ઑક્સિડેશન કરવાથી મૅગ્નેટાઇટ બનાવી શકાય. મૅગ્નેટાઇટનું ઑક્સિડેશન કરવાથી મૅગહેમાઇટ (ϒ–Fe2O3) બને છે, જે ક્રમશ: વ્યસ્ત બનીને હેમેટાઇટમાં ફેરવાય છે.
મૅગ્નેટાઇટ લોહપ્રાપ્તિ માટેનું મુખ્ય ધાતુખનિજ ગણાતું હોવાથી પર્યાપ્ત પ્રમાણમાં તેના જથ્થા મળે તો આર્થિક ધોરણે અગત્યના બની રહે છે. ઍનૉર્થોસાઇટ અને નોરાઇટ જેવા બેઝિક અગ્નિકૃત ખડકોના સંકલનમાં તે મૅગ્માજન્ય સંકેન્દ્રણો તરીકે ગુરુત્વ સ્વભેદન દ્વારા સ્તરબદ્ધતા પામે છે. ચૂનાખડકો કે લૅપ્ટાઇટ જેવા ખડકોમાં તે સંપર્ક-વિકૃતિ-પેદાશ હોય છે. ખવાણક્રિયાનો તે મધ્યમસરનો પ્રતિકાર કરતું હોવાથી કણજન્ય રેતી-સ્વરૂપે પણ જમા થતું રહે છે.
મૅગ્નેટાઇટનો લાક્ષણિક ધાતુખનિજ-જથ્થો ઉત્તર સ્વીડનના કિરુનામાં મળે છે, જ્યાં તે પ્રવાહી સ્વભેદન કક્ષાએ સાયનાઇટ-ખડકોમાં અંતર્ભેદિત થયેલું છે. ઘણા મહત્વના નિક્ષેપો નૉર્વે, રશિયા, યુ.એસ., કૅનેડા અને ભારતમાંથી મળી રહે છે.
ભારત : ભારતમાં લોખંડનાં ધાતુખનિજોનો વિપુલ જથ્થો મળે છે. ખાસ કરીને દ્વીપકલ્પીય પ્રદેશમાં તેની અઢળક સંપત્તિ રહેલી છે. ધારવાડ અને કડાપ્પા રચનાના ખડકોમાં વિશાળ કદના લોહયુક્ત નિક્ષેપોનો સમાવેશ થયેલો છે. ક્યાંક ક્યાંક તો આખી ને આખી ટેકરીઓ હેમેટાઇટ અને મૅગ્નેટાઇટથી બનેલી છે. આ ખનિજ-જથ્થાઓ પૈકી કેટલાક 60થી 65 % લોહમાત્રા ધરાવે છે. લેક સુપીરિયરના આ જ પ્રકારના જથ્થાઓ કરતાં પરિમાણની ર્દષ્ટિએ ભારતના લોહજથ્થા વધી જાય છે. આ ઉપરાંત ખવાણને કારણે દ્વીપકલ્પીય ખડકોમાંથી છૂટું પડીને મૅગ્નેટાઇટ રેતીનું સંકેન્દ્રણ દરિયાકિનારાની લાંબી કંઠારપટ્ટી પર પણ એકઠું થયેલું છે, જે ચુંબકીય પદ્ધતિથી અલગ પાડી શકાય છે.
છેલ્લી ઉપલબ્ધ માહિતી અનુસાર, બધી જાતનાં લોહ-ધાતુ ખનિજો(મૅગ્નેટાઇટ–હેમેટાઇટ વગેરે)નું ભારતનું વાર્ષિક ઉત્પાદન આશરે 5 કરોડ ટન જેટલું થાય છે.
ગિરીશભાઈ પંડ્યા