મૅકાર્થી, યૂજીન જૉસેફ (જ. 29 માર્ચ 1916, વૉટકિન્સ, મિનેસોટા, અમેરિકા; અ. 10 ડિસેમ્બર 2005 વોશિંગ્ટન ડી.સી.) : અમેરિકાના પ્રખ્યાત રાજદ્વારી પુરુષ. તેમણે સેંટ જૉન્સ યુનિવર્સિટી તથા મિનેસોટા યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યો હતો. 1940–43 દરમિયાન તેમણે સેન્ટ જૉન્સ ખાતે શિક્ષણકાર્ય સંભાળ્યું. તે પછી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લશ્કરી બાતમી શાળામાં કામગીરી બજાવી. તે પછી અમેરિકાના હાઉસ ઑવ્ રેપ્રિઝેન્ટેટિવ્ઝમાં ચૂંટાયા (1948). 1968માં ડેમૉક્રૅટિક પક્ષ તરફથી તેમણે પ્રમુખપદના નૉમિનેશન માટે લિન્ડન બી. જૉન્સનને પડકાર આપ્યો હતો અને તેથી તેમને રાષ્ટ્રવ્યાપી ખ્યાતિ મળી હતી. આ નિર્ણયને પરિણામે જૉન્સને પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી; જોકે મૅકાર્થી છેવટે રૉબર્ટ એફ. કૅનેડી સામે હારી ગયા હતા. 1971માં તેઓ નવલેતર સાહિત્યમાં કવિતા તથા બાલભોગ્ય કૃતિઓના લેખન તરફ વળ્યા હતા.
મહેશ ચોકસી