મૅકાર્થી, મેરી (જ. 21 જૂન 1912, સિએટલ વૉશિંગ્ટન, યુ.એસ; અ. 25 ઑક્ટોબર 1989, ન્યૂયૉર્ક, યુ.એસ.) : અમેરિકાના મહિલા-નવલકથાકાર, વિવેચક અને ટૂંકી વાર્તાનાં લેખિકા. તીવ્ર બુદ્ધિશક્તિ વડે તેમણે રાજકારણથી માંડીને પ્રવાસન તેમજ મૈત્રી-સંબંધો જેવા થોકબંધ વિષયોમાં પ્રતિભાનો નવો ઉજાસ પાથર્યો. 40 ઉપરાંત વર્ષોથી તે અમેરિકાના બૌદ્ધિક જગત પર છવાઈ રહ્યાં. 1933માં વસારમાંથી સ્નાતક. પછી ‘ધ નૅશન’ તથા ‘ધ ન્યૂ રિપબ્લિક’નાં સમીક્ષક તથા ‘પાર્ટિઝન રિવ્યૂ’નાં રંગભૂમિ-વિવેચક (1937–48) તરીકે તેમણે પ્રસન્ન વિનોદવૃત્તિ તથા સૂક્ષ્મ વિશ્લેષણશક્તિની સબળ પ્રતીતિ કરાવી. તેમના દ્વિતીય પતિ વિવેચક એડમંડના પ્રોત્સાહનના પરિણામે તે નવલકથાલેખન તરફ વળ્યાં. તેમણે ઢોંગ કે આડંબરથી છવાયેલા જગતની સાંગોપાંગ આલોચના કરી તેમાં નિજી શૈલી-લક્ષણોથી વેધક ઉપહાસ ઊપસી આવ્યો; જેમ કે અમેરિકાના કૉલેજ-જગતના વિવિધ સમુદાયોનું બૌદ્ધિક જીવન આલેખતી ‘ધ ગ્રોવ્ઝ ઑવ્ એકૅડેમી’ (1952) અને 1930થી ’40ના દાયકા દરમિયાન, અમેરિકન મહિલા-જગત પર પ્રભાવ દાખવનાર વિવિધ ઘેલછાને આલેખતી અને શ્રેષ્ઠ વેચાણપાત્ર નીવડેલી નવલ ‘ધ ગ્રૂપ’ (1963) [ફિલ્માંકન (1966)] : આ કૃતિઓ તથા ત્રીજી નવલ ‘એ ચાર્મ્ડ લાઇફ’ (1955) તેમજ ટૂંકી વાર્તાના 2 સંગ્રહ ‘ધ કંપની શી કીપ્સ’ (1942) તથા ‘કાસ્ટ એ કોલ્ડ આઇ’(1950)માં કટાક્ષલક્ષી વલણ માટે તેમણે મુખ્યત્વે પોતાના અંગત અનુભવોનો જ આધાર લીધો છે.

‘મેમરિઝ ઑવ્ ઍ કૅથલિક ગર્લહૂડ’(1957)માં તેમનાં જીવન-સંસ્મરણો છે. ઇટાલિયન કલા તથા ઇતિહાસ જેવા નવતર વિષયો આલેખતા પુસ્તક-કદના નિબંધો ‘વેનિસ ઑબ્ઝર્વ્ડ’ (1956) અને ‘ધ સ્ટોરિઝ ઑવ્ ફ્લૉરેન્સ’ (1959) જુદાં જ અભિગમ તથા શૈલીનો પરિચય કરાવે છે. દશકા પછી તેઓ રાષ્ટ્રીય રાજકારણ તરફ વળ્યાં અને ‘વિયેટનામ’ (1967) તથા ‘હૅનૉઈ’ (1968) નામે 2 નિબંધસંચયમાં અમેરિકાની અગ્નિ એશિયાની નીતિની કડક આલોચના આલેખાઈ. તેના પગલે ‘માસ્ક ઑવ્ વૉટરગેટ પૉર્ટ્રેટ’(1974)માં નિક્સન સરકારના કૌભાંડનો ચિતાર આપ્યો. છેલ્લે 1979માં પ્રગટ થયેલી તેમની નવલ ‘કૅનિબલ્સ ઍન્ડ મિશનરિઝ’માં સાંપ્રત આતંકવાદનો વિષય છે.

મહેશ ચોકસી