મૅકાર્થી, જોસેફ રેમન્ડ (જ. 14 નવેમ્બર 1908, ગ્રાંડ શૂટ, વિસ્કૉન્સિન; અ. 2 મે 1957, બેથેસ્ડા, અમેરિકા) : અમેરિકાના જમણેરી વિચારસરણી ધરાવતા રિપબ્લિકન સેનેટર. મિલ્વાકીમાં આવેલી મારક્વેટ યુનિવર્સિટીમાં તેમણે શિક્ષણ મેળવ્યું હતું. 1940થી ’42 દરમિયાન તેમણે સરકિટ જજ તરીકે કામગીરી બજાવી, ત્યારબાદ બીજા વિશ્વયુદ્ધ(1939–45)માં સેવાઓ આપી.
1945માં તેમણે રાજકીય કારકિર્દીનો આરંભ કર્યો અને વિસ્કૉન્સિનમાંથી તેઓ સેનેટર તરીકે ચૂંટાયા. જોકે તેમની આ કારકિર્દી અત્યંત વિવાદાસ્પદ રહી; કારણ કે તેમણે 1950ના પ્રારંભે એવી માહિતી રજૂ કરી કે સરકારમાં ચોમેર સામ્યવાદીઓ પ્રસરી ગયા છે અને ગૃહખાતામાં 205 જેટલા સામ્યવાદીઓ ઘૂસી ગયા છે. આ માહિતીથી સમગ્ર અમેરિકા ચોંકી ઊઠ્યું. આ માટે સેનેટે તપાસ સમિતિ નીમી, જેમાં તેમને ચૅરમૅન નિયુક્ત કરવામાં આવ્યા. આ સમિતિ અન્વયે તેમણે નાગરિકોની જોહુકમીભરી ઊલટતપાસ આરંભી તેમજ ઘણા નિર્દોષ નાગરિકો તેમજ અધિકારીઓને દોષિત ઠેરવતા આરોપો મૂક્યા. લશ્કર પર પણ આવા આરોપો મૂકવામાં આવ્યા. આમ આક્ષેપો અને પ્રતિઆક્ષેપોની ઝડીઓ વરસવી ચાલુ રહી. અમેરિકાના તત્કાલીન પ્રમુખ હૅરી ટ્રુમૅન અને વિદેશમંત્રી ડીન અચિસને આ આક્ષેપોને રદિયો આપ્યો. કેટલાક લોકોએ તેમને દેશપ્રેમી તરીકે નવાજ્યા તો બીજી તરફ ઘણા લોકોએ તેમને અપૂરતા પુરાવાઓને આધારે આક્ષેપો કરનાર અપરિપક્વ સેનેટર તરીકે જાહેરમાં દોષિત ગણાવ્યા. વાસ્તવમાં તેઓ પુરાવાઓ સહિત એક પણ સામ્યવાદીને અમેરિકાના તંત્રમાંથી શોધી શક્યા નહોતા. તેમના આ આક્ષેપોને કારણે એક નવો શબ્દ ‘મૅકાર્થીવાદ’ જન્મ્યો.
1953માં રિપબ્લિકન નેતા આઇઝનહોવર અમેરિકાના પ્રમુખ ચૂંટાયા ત્યારે તેઓ પોતે રિપબ્લિકન હોવા છતાં તેમણે આઇઝનહોવર વહીવટી તંત્ર પર બેવફાઈનો આક્ષેપ મૂક્યો; એથી એ સમયે ચાલી રહેલા કોરિયન યુદ્ધ(1950–53, જેમાં અમેરિકા પણ જોડાયેલું હતું)માં હતાશા પ્રસરી ગઈ; તો બીજી બાજુ કેટલાક અમેરિકનોની સોવિયેત જાસૂસ તરીકે ધરપકડ કરવામાં આવી. તેમણે અમેરિકાના લશ્કર પર કરેલા આક્ષેપોની 1954માં રાષ્ટ્રવ્યાપી ટેલિવિઝન સુનાવણી ચાલી, જેમાં આક્ષેપો બિનપાયાદાર ઠર્યા. આ સુનાવણીને કારણે તેમણે લાખો લોકોનો ટેકો ગુમાવ્યો. 1954માં અમેરિકાની સેનેટે આ ‘ઘૃણાસ્પદ’ વર્તણૂક માટે તેમને દોષિત ઠેરવ્યા. તેમના આક્ષેપોને ‘સેનેટની પરંપરા વિરુદ્ધના વર્તન’ રૂપે જાહેર કરવામાં આવ્યા. 36 દિવસની સુનાવણીના અંતે આ રાષ્ટ્રવ્યાપી પ્રકરણ સંકેલાયું. ત્યારબાદ તેઓ કોઈ પણ હોદ્દા પર આવી ન શક્યા.
‘અમેરિકાઝ રિટ્રીટ ફ્રૉમ વિક્ટરી’ (1951), ‘ધ સ્ટૉરી ઑવ્ જ્યૉર્જ કેટલેટ માર્શલ’ (1951) અને ‘મેકાર્થિઝમ : ધ ફાઇટ ફૉર અમેરિકા’ (1952) – એ તેમના ગ્રંથો છે.
રક્ષા મ. વ્યાસ