મૅકવાન, યૉસેફ ફિલિપભાઈ (જ. 20 ડિસેમ્બર 1940, અમદાવાદ; અ. 25 ડિસેમ્બર 2022, અમદાવાદ) : કવિ, વાર્તાકાર, નિબંધકાર, વિવેચક. માતાનું નામ મરિયમ. ગુજરાતી વિષય સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી 1968માં બી.એ.; 1970માં એમ.એ.; 1975માં બી.એડ્. 1963થી નિવૃત્તિ પર્યંત 34 વર્ષ અમદાવાદના શેઠ ચી. ન. વિદ્યાલયમાં શિક્ષક તરીકે નોકરી. તેમણે ગુજરાત રાજ્ય સાંસ્કૃતિક પ્રમાણપત્ર બૉર્ડમાં 15 વર્ષ અને આકાશવાણી અમદાવાદ–વડોદરામાં પરામર્શક સમિતિમાં 10 વર્ષ સેવા આપી. તેમણે ધાર્મિક અને સાંસ્કૃતિક હેતુઓના આશ્રયે ઇટાલી, સ્પેન, ફ્રાન્સ, ઇઝરાયલ વગેરે દેશોના પ્રવાસ પણ કર્યા છે.

યૉસેફ મેકવાન મુખ્યત્વે કવિ છે. ‘સ્વગત’ (1969), ‘સૂરજનો હાથ’ (1983), ‘અલખના અસવાર’ (1994) અને ‘અવાજના એક્સ-રે’(2000) એમના કાવ્યસંગ્રહો છે. ‘સ્વગત’ની સૉનેટ, છંદોબદ્ધ અને ગીતમાં આકારિત પ્રણય – પ્રકૃતિની કવિતા મહદંશે ગુજરાતી કવિતાની સૌન્દર્યાભિમુખ ધારાથી પ્રભાવિત છે. સંગ્રહનું શીર્ષક જ આત્મલક્ષી ઉદગારરૂપ ઊર્મિકવિતાની તાસીરનો સંકેત કરે છે. ‘સૂરજનો હાથ’માં પ્રકૃતિકાવ્યો ઠીક ઠીક સંખ્યામાં છે; પરંતુ મુખ્યત્વે અછાંદસ અને પરંપરિતનો આશ્રય લેતી અને નગરજીવનના સંવેદનને પ્રગટ કરતી એ સંગ્રહની કવિતા પર આધુનિક કાવ્યધારાનો પ્રભાવ વરતાય છે. એ પછી આવતા ત્રીજા સંગ્રહમાં મુખ્યત્વે ગીત-ગઝલની લીલા દૃષ્ટિગોચર થાય છે. કવિના ચોથા કાવ્યસંગ્રહ ‘અવાજના એક્સ-રે’ની કૃતિઓમાં અંત:સ્ફુરણાથી કવિતા આરંભાય છે અને આજના અનુઆધુનિક યુગની પક્કાઈઓ તથા દાંડાઈઓ સુધી એવી તો લંબાય છે કે ‘કૃષ્ણ અને તાંદુલ’ કાવ્યમાં સુદામાએ તાંદુલ બાંધેલી પોટલીના કપડાના લીરેલીરા ઊડી જાય છે. આમ, લગભગ સાડા ત્રણ દાયકાની યૉસેફની કવિતામાં અનેક સ્થિત્યંતરો દૃષ્ટિગોચર થાય છે. તેમની કવિતા ક્યારેય સુકાઈ નથી, એટલું જ નહિ પરિવર્તનશીલ પણ રહી છે.

યોસેફની કવિતાનું સંવેદનવિશ્વ વૈવિધ્યસભર છે. પ્રેમ, પ્રકૃતિ અને માનવમનના તરલ ભાવસ્પંદો તથા વ્યતીતાનુરાગ (nostalgia), કવિ, કવિતા અને વ્યક્તિવિશેષ પ્રત્યેકનું સંવેદન-વિમર્શન કાવ્યમય માધ્યમમાં વહેતાં જોવા મળે છે.

‘ડિંગડાગ ડિંગડાગ’ (1982, બી. આ. 1998) તથા ‘તોફાન’ (1979, બી.આ. 1998)માં યોસેફનાં બાળકાવ્યો સંગૃહીત થયાં છે. ‘જાદુઈ પીંછું’, ‘રૂમઝૂમ પતંગિયુ’ અને ‘ઢીચકું’(1998)માં બાળવાર્તાઓ સમાવિષ્ટ છે. યૉસેફે બાળસાહિત્યના ક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રદાન કર્યું છે, એ જોઈ શકાય છે.

યૉસેફ 1980માં ફા. ઇસુદાસ કવેલી સાથે બાઇબલનાં psalmsનો અનુવાદ ‘સ્તોત્રસંહિતા’ નામે કર્યો છે. ‘ક્રૉસ અને કવિ’ (1977) અને ‘શબ્દની આરપાર’ (2000) કાવ્યાસ્વાદ-સંગ્રહો છે.

‘હળવે હાથે’ (1997) યૉસેફના હાસ્યવ્યંગ નિબંધોનો સંગ્રહ છે. મુખ્યત્વે ‘મધ્યાંતર’માં હાસ્યની કૉલમ નીચે લખાયેલા સંગ્રહના 34 લેખોમાં હાસ્યના વ્યંગ-વિનોદ-કટાક્ષ વગેરેનાં દૃષ્ટાંતો મળી રહે છે. ‘કાન હોય તે સાંભળે’(2001)માં 59 નિબંધો સંગૃહીત છે. આ લેખો ‘સમભાવ’ની ‘બાયનૉક્યૂલર’ નામક કૉલમ માટે લખાયા હતા. પત્રકારત્વની પેદાશ સમા આ નિબંધોમાં ક્વચિત્ યોસેફમાં રહેલો કવિ ડોકાઈ જતો જણાય છે.

‘સંબંધ વિનાના સેતુ’માં આ નામની લઘુનવલ અને 23 ટૂંકી વાર્તાઓ 1994માં પ્રગટ થઈ છે. લઘુનવલમાં લાગણીના સેતુની લકીરનો ગ્રાફ રચાયો છે. વાર્તાઓ ચીલાચાલુ કે રૂઢ થયેલી વાર્તારીતિથી ભિન્ન પ્રકારની છે.

‘ક્ષણાર્ધનું મહાભારત’ (1998) આત્મકથાનો અંશ છે. ‘શબ્દગોષ્ઠિ’(2001)માં લેખકના 32 વિવેચનલેખો સંગૃહીત થયા છે. તેમાં કવિતાવિષયક લેખો વિશેષ છે.

તેમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘સ્વાગત’ને  ગુજરાત સરકાર દ્વારા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમની બાળકવિતાઓને ગુજરાતી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો અને બાળવાર્તાઓને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કૃત કરાઇ હતી. 1983માં તેમને ‘સૂરજનો હાથ’ માટે જયંત પાઠક કવિતા પુરસ્કાર મળ્યો હતો. 2013માં તેમને કુમાર સુવર્ણ ચંદ્રક મળ્યો હતો.

પ્રસાદ બ્રહ્મભટ્ટ