મૅકલપ, ફ્રિટ્ઝ (જ. 15 ડિસેમ્બર 1902, ઑસ્ટ્રિયા; અ. 30 જાન્યુઆરી 1983, ન્યૂજર્સી, યુ.એસ.) : ઔદ્યોગિક અર્થશાસ્ત્રના નિષ્ણાત. મૂળ ઑસ્ટ્રિયાના, પરંતુ 1933માં દેશાટન કરી કાયમ માટે અમેરિકામાં વસેલા. વીસમી સદીના ત્રીજા દાયકામાં વિયેના યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું. વિખ્યાત ઑસ્ટ્રિયન અર્થશાસ્ત્રીઓ લુડવિગ ઍડલર વૉન માઇઝેસ (1881–1973) અને ફ્રેડરિક ઑગસ્ટ વૉન હાયેક(1899–1992)ના માર્ગદર્શન હેઠળ અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો. માઇઝેસના માર્ગદર્શન હેઠળ તેમણે તૈયાર કરેલ સુવર્ણ વિનિમય ધોરણ પરના મહાનિબંધને 1922માં વિયેના યુનિવર્સિટીએ ડૉક્ટરેટની પદવી એનાયત કરી હતી. ત્યારબાદનાં દસ વર્ષ (1922 –32) તેઓ પોતાના પરિવારના પરંપરાગત વ્યવસાયમાં વ્યસ્ત રહ્યા. કાર્ડબૉર્ડનાં ખોખાં બનાવવાનું પરિવારનું કારખાનું હતું. આ વ્યવસાય સાથે ઘણા લાંબા સમયથી જોડાયેલા હોવાને કારણે  અર્થશાસ્ત્ર પ્રત્યે અને ખાસ કરીને ઔદ્યોગિક અર્થશાસ્ત્ર પ્રત્યે તેમનું આકર્ષણ વધ્યું અને તેમાંથી તેમના જે વિચારો ઘડાયા તેના પડઘા તેમણે લખેલા ગ્રંથોમાં પડેલા જોવા મળે છે. 1935–47 દરમિયાન અમેરિકાની બફેલો યુનિવર્સિટીમાં, 1947–60 દરમિયાન જૉન હૉપકિન યુનિવર્સિટીમાં અને 1960–71 દરમિયાન પ્રિન્સટન યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે કામગીરી કરી અને ત્યાંથી જ ઔપચારિક રીતે નિવૃત્ત થયા. ત્યારબાદ 1971માં ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાં પ્રોફેસર ઇમેરિટસ તરીકે જોડાયા અને અવસાન સુધી ત્યાં સેવાઓ આપી.

તેમણે મુખ્યત્વે બે ક્ષેત્રમાં સંશોધનકાર્ય કર્યું હતું : (1) ઔદ્યોગિક સંગઠન અને તેમાં પણ જ્ઞાનનું ઉત્પાદન અને વહેંચણી પર વિશેષ ભાર; (2) આંતરરાષ્ટ્રીય નાણાકીય અર્થશાસ્ત્ર. 1946માં પ્રસિદ્ધ થયેલો તેમનો નિબંધ, દરેક પેઢી મહત્તમ નફાના ધ્યેય સાથે જ આર્થિક પ્રવૃત્તિઓ કરતી હોય છે તે અંગેની ધારણાને અનુલક્ષીને લખેલો હતો, જેના દ્વારા આ ધારણાના સાતત્ય પર તેમણે ભાર મૂક્યો હતો. આ નિબંધને આધારે તેમણે ત્યારપછી બે ગ્રંથો વિસ્તારપૂર્વક લખ્યા હતા : (1) ‘ધી ઇકૉનૉમિક્સ ઑવ્ સેલર્સ કૉમ્પિટિશન’ (1952) અને (2) ‘ધ પોલિટિકલ ઇકૉનોમી ઑવ્ મોનૉપોલી’ (1952), તેમનો ત્રીજો ગ્રંથ ‘ધ બેસિંગ-પૉઇન્ટ સિસ્ટમ’ (1949) હતો. અમેરિકાના તત્કાલીન પ્રમુખ હૅરી ટ્રુમૅનની આર્થિક નીતિ પર આ ગ્રંથનો વિશેષ પ્રભાવ પડ્યો હતો. પેટન્ટ-વ્યવસ્થા પર લખેલાં તેમનાં લખાણો ‘ઍન ઇકૉનૉમિક રિવ્યૂ ઑવ્ ધ પેટન્ટ-સિસ્ટમ’ પણ પ્રશંસાને પાત્ર ઠર્યાં હતાં. તેમના અન્ય ગ્રંથોમાં ‘ધ પ્રોડક્શન ઍન્ડ ડિસ્ટ્રિબ્યૂશન ઑવ્ નૉલેજ ઇન ધી યુનાઇટેડ સ્ટેટ્સ’ (1962) તથા ‘ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ, ડેટ્સ ઍન્ડ ગોલ્ડ’ (બે આવૃત્તિઓ પ્રકાશિત – 1976) વિશેષ નોંધપાત્ર છે.

1966માં અમેરિકન ઇકૉનૉમિક ઍસોસિયેશનના પ્રમુખપદે તેમની વરણી થઈ હતી.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે