મૅકમિલન, ડૅનિયલ તથા ઍલેક્ઝાન્ડર ડૅનિયલ ( જ. 13 સપ્ટેમ્બર 1813, આઇલ ઑવ્ ઍરન, બ્યૂટશાયર, સ્કૉટલૅન્ડ; અ. 27 જૂન 1857, કેમ્બ્રિજ, કેમ્બ્રિજશાયર, ઇંગ્લૅન્ડ; ઍલેક્ઝાન્ડર – જ. 3 ઑક્ટોબર 1818, ઇર્વિન, આયરશાયર, સ્કૉટલૅન્ડ; અ. 26 જાન્યુઆરી 1896, લંડન) : સ્કૉટલૅન્ડના પુસ્તક-વિક્રેતા અને પ્રકાશક. 1843માં તેમણે ‘મૅકમિલન ઍન્ડ કંપની’ નામની પેઢી સ્થાપી. પુસ્તકોની આ દુકાન વિશ્વની એક સૌથી મોટી પ્રકાશન-સંસ્થા રૂપે વિકાસ પામી છે. પાઠ્યપુસ્તકો, વૈજ્ઞાનિક ગ્રંથો, સાહિત્યિક કૃતિઓ તથા ઉચ્ચ કોટિનાં સામયિકોના વૈવિધ્યસભર પ્રકાશનના ક્ષેત્રે તેમણે હરણફાળ ભરી.
મૅકમિલન બંધુઓએ 1844માં પાઠ્યપુસ્તકોના પ્રકાશનનો પ્રારંભ કર્યો. તેમાં ઉત્તરોત્તર સફળતા મળવાથી, પ્રથમ નવલકથા રૂપે 1855માં ચાર્લ્સ કિંગ્ઝલીની ‘વેસ્ટવર્ડ હો’નું પ્રકાશન કર્યું. સૌથી વધુ વેચાણપાત્ર (bestseller) નીવડેલું તેમનું નવલકથા-પ્રકાશન તે ટૉમસ હ્યૂજિઝની નવલ ‘ટૉમ બ્રાઉન્સ સ્કૂલડેઝ’ (1857); ઉપરાઉપરી તેની 5 આવૃત્તિ કરવી પડેલી.
ડૅનિયલના અવસાન વખતે (1857) તેમની દુકાન હજુ કંઈક નાની હતી અને તેના પ્રકાશન-કૅટલૉગમાં વર્ષનાં 40 પુસ્તકોની યાદી હતી. ઍલેક્ઝાન્ડરે જોશીલો પુરુષાર્થ આદરીને પછીનાં 32 વર્ષો દરમિયાન આ ગ્રંથસૂચિમાં વર્ષનાં કુલ 150 પુસ્તકો પ્રકાશનને ધોરણે ઉમેર્યાં. તેમણે ‘મૅકમિલન્સ મૅગઝીન’ (1859–1907) નામક સાહિત્યિક સામયિક તથા ‘નેચર’ (1869થી) નામનું અગ્રણી વૈજ્ઞાનિક સામયિક શરૂ કર્યાં. તેમણે કૅનેડા, ઑસ્ટ્રેલિયા અને ભારતમાં પોતાની પ્રવૃત્તિઓ વિસ્તારી. આ પ્રકાશનગૃહે જે મહત્વના વિક્ટોરિયન લેખકોની કૃતિઓ પ્રગટ કરી, તેમાં ટેનિસન, હક્સ્લી, લૂઈ કૅરોલ, રડ્યાર્ડ કિપ્લિંગ તથા યેટ્સનો સમાવેશ થાય છે.
મહેશ ચોકસી