મૅકડોનાલ્ડ, આર્થર બી. (McDonald, Arthur B.)
February, 2024
મૅકડોનાલ્ડ, આર્થર બી. (McDonald, Arthur B.) (જ. 29 ઑગસ્ટ 1943, સિડની, કૅનેડા) : ન્યૂટ્રીનો દોલનની શોધ કે જે દર્શાવે છે કે ન્યૂટ્રીનો દળ ધરાવે છે – આ શોધ માટે 2015નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર આર્થર મૅકડોનાલ્ડ તથા તાકાકી કજિતાને સંયુક્તરીતે આપવામાં આવ્યો હતો.
આર્થર મૅકડોનાલ્ડ કૅનેડિયન ખગોળશાસ્ત્રી છે. તેમણે ડેલહાઉસી યુનિવર્સિટી(કૅનેડા)માંથી 1964માં ભૌતિકશાસ્ત્રમાં સ્નાતકની પદવી તથા 1965માં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી. 1969માં તેમણે અમેરિકાના કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી. 1969થી 1982 સુધી તેમણે કૅનેડાની એક રિવર ન્યૂક્લિયર લૅબોરેટરીઝમાં સંશોધન વૈજ્ઞાનિક તરીકે કાર્ય કર્યું. 1982થી 1989 દરમિયાન અમેરિકાની પ્રિન્સટન યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવી. ત્યારબાદ 1989થી 2013 સુધી કૅનેડાની ક્વીન્સ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે કાર્યરત રહ્યા અને 2013માં તેમણે અહીં ‘નિવૃત્ત પ્રાધ્યાપક’નું સ્થાન મેળવ્યું. હાલમાં તેઓ અહીં કાર્યરત છે.
ઑગસ્ટ 2001માં મૅકડોનાલ્ડે સડબરી ન્યૂટ્રીનો ઑબ્ઝર્વેટરીમાં સૂર્યમાં ઉત્પન્ન થતા ન્યૂટ્રીનોનું નિરીક્ષણ કર્યું. જે દોલાયમાન હતા અને મ્યુઑન અને ટાઉ ન્યૂટ્રીનોમાં રૂપાંતર પામતા હતા. તે પરથી તેમણે સાબિત કર્યું કે ન્યૂટ્રીનો દળ ધરાવે છે.
તેમને 2007માં બેન્જામિન ફ્રેન્કલિન ચંદ્રક તથા 2015માં નોબેલ પુરસ્કાર ઉપરાંત ‘ફન્ડામેન્ટલ ફિઝિક્સ પુરસ્કાર’ પ્રાપ્ત થયા. મૅકડોનાલ્ડના માનમાં ‘આર્થર બી. મૅકડોનાલ્ડ કૅનેડિયન એસ્ટ્રોપાર્ટિકલ ફિઝિક્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’નું નામકરણ થયું છે.
2020ના માર્ચ મહિનામાં કોરોના મહામારીની શરૂઆત થતાં તેમણે નિમ્ન કિંમતે યાંત્રિક વૅન્ટિલેટરના જથ્થાબંધ ઉત્પાદનનું અતિ મહત્વનું કાર્ય હાથ ધર્યું. આ કાર્યમાં તેમને કૅનેડાના અન્ય વૈજ્ઞાનિકો તથા કૅનેડિયન સરકારનો પણ સહકાર મળ્યો. આમ એક અત્યંત પ્રતિભાશાળી વૈજ્ઞાનિક દ્વારા ઉત્તમ માનવતાવાદી કાર્યનું ઉદાહરણ પૂરું પાડ્યું.
પૂરવી ઝવેરી