મૅકઆર્થર, ડગ્લાસ જનરલ (જ. 26 જાન્યુઆરી 1880, લિટલ રૉક, અરકાન્સાસ, અમેરિકા; અ. 5 એપ્રિલ 1964, વૉશિંગ્ટન) : બાહોશ અમેરિકન સેનાપતિ. તેમની વિચક્ષણ અને કાબેલ વ્યૂહરચનાને કારણે બીજા વિશ્વયુદ્ધ(1939–45)માં પૅસિફિક વિસ્તારમાં જાપાનની વિરુદ્ધ લડી રહેલ મિત્ર રાષ્ટ્રોની સેનાઓને વિજય સાંપડ્યો હતો. બીજા વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોના લશ્કરને નેતૃત્વ પૂરું પાડનાર અગ્રિમ હરોળના ત્રણ અમેરિકન સેનાપતિઓ જ્યૉર્જ માર્શલ (1880–1959), ડ્વાઇટ ડી. આઇઝનહોવર (1890–1969) અને ડગ્લાસ મૅકઆર્થર – આ ત્રણેયમાં માત્ર લશ્કરમાંની કુલ કારકિર્દીના ગાળાની ર્દષ્ટિએ તથા યુદ્ધના મેદાન પરની વ્યૂહરચનાની ર્દષ્ટિએ મૅકઆર્થરને ચઢિયાતા ગણવામાં આવે છે; યુદ્ધની સમાપ્તિ પછી જાપાન જેવા પરાજિત દેશને ફરી બેઠો કરવાની કામગીરીમાં મૅકઆર્થરનો ફાળો શકવર્તી ગણવામાં આવે છે. તેમના પિતા આર્થર મૅકઆર્થરને અમેરિકાના આંતરવિગ્રહ(1861–1865)માં એક સફળ સેનાપતિ તરીકે ભાગ ભજવવા બદલ અનેક વાર માનચાંદ બક્ષવામાં આવ્યા હતા.
જનરલ ડગ્લાસ મૅકઆર્થરનું સમગ્ર શિક્ષણ અમેરિકામાં જ પૂરું થયું હતું. 1903માં અમેરિકન મિલિટરી અકાદમીમાંથી સ્નાતક કક્ષા સુધીની તાલીમ મેળવ્યા બાદ દસ વર્ષ (1903–13) સુધી તેમણે ફિલિપાઇન્સ અને પનામામાં સેવાઓ આપી હતી. એપ્રિલ, 1917માં અમેરિકા પ્રથમ વિશ્વયુદ્ધ(1914–18)માં દાખલ થયું ત્યારે મેજરની રૅન્ક ધરાવતા ડગ્લાસની સાચા અર્થમાં યુદ્ધભૂમિ પરની કામગીરી શરૂ થઈ, જે તે પછીના સાડા ત્રણ દાયકા (1917–51) સુધી અખંડ ચાલતી રહી અને તે દરમિયાન તેમને અનેક માનચાંદ અને બઢતી મળતાં રહ્યાં. 1918માં તેઓ બ્રિગેડિયર જનરલ, 1925માં મેજર જનરલ, 1930માં આર્મી ચીફ ઑવ્ સ્ટાફ, 1935–1941 દરમિયાન જ્યારે ફિલિપાઇન્સ સ્વતંત્રતા માટે તૈયારી કરતું હતું ત્યારે ફિલિપાઇન્સના રાષ્ટ્રકુટુંબના લશ્કરી સલાહકાર – આવાં એક-એકથી ચઢિયાતાં પદો પર તેમણે કામ કર્યું. દરમિયાન 1937માં તેઓ અમેરિકાના લશ્કરમાંથી નિવૃત્ત થયા (1903–1937). તેમ છતાં તેમની લશ્કરની કામગીરીનો અંત આવ્યો ન હતો. જુલાઈ, 1941માં તેમને દૂર પૂર્વના વિસ્તારમાં જાપાનની સામે લડતા અમેરિકન લશ્કરના સેનાપતિ બનાવવામાં આવ્યા અને આ પદની રૂએ તેમણે જાપાનના આક્રમણ સામે ફિલિપાઇન્સનો બચાવ કરેલો. ડિસેમ્બર 1941માં જાપાને પર્લ હાર્બર પર આક્રમણ કર્યું ત્યારે અમેરિકા બીજા વિશ્વયુદ્ધમાં પ્રત્યક્ષ રીતે દાખલ થયું. ફિલિપાઇન્સ તે સમયે અમેરિકાની વસાહત હતું (1898–1941) અને તેથી તેના રક્ષણ માટે મૅકઆર્થરે જે શૌર્ય બતાવ્યું તે માટે તેમને અમેરિકન સરકાર દ્વારા માનચાંદ બક્ષવામાં આવ્યાં. ત્યારબાદ તેમને નૈર્ઋત્ય પૅસિફિક રણક્ષેત્રમાં જાપાન સામે લડતી મિત્ર રાષ્ટ્રોની સેનાઓના સેનાપતિ બનાવવામાં આવ્યા. તુરત જ મૅકઆર્થરે જાપાન સામે જોરદાર આક્રમણની શરૂઆત કરી અને 1943 સુધી તો જાપાનને ન્યૂગિની તથા પશ્ચિમ બ્રિટિશ ઍડમિરેલ્ટી ટાપુ પરથી હાંકી કાઢવામાં સફળતા મેળવી. સપ્ટેમ્બર, 1944માં તેમના નેતૃત્વ નીચેની સેનાઓએ પશ્ચિમ ન્યૂગિની અને મોરાટાઈ ફરીથી કબજે કર્યાં. બીજું વિશ્વયુદ્ધ સમાપ્તિની અણી પર હતું ત્યાં સુધીમાં તો મૅકઆર્થરની સેનાએ ફિલિપાઇન્સ દ્વીપસમૂહ, દક્ષિણ પૅસિફિકનો પ્રદેશ અને બૉર્નિયો ટાપુઓ પર મિત્ર રાષ્ટ્રોનો ધ્વજ ફરકાવી દીધો. ઑગસ્ટ, 1945માં જાપાને શરણાગતિ સ્વીકારી ત્યારે શરણાગતિની વિધિ વખતે મિત્ર રાષ્ટ્રો વતી મૅકઆર્થર હાજર રહ્યા હતા. યુદ્ધની સમાપ્તિ બાદ 1945–1951ના ગાળામાં મિત્રરાષ્ટ્રોની જે સેનાઓ પરાજિત જાપાનમાં રહી તેના સર્વોચ્ચ સેનાપતિપદે તેમણે જે શકવર્તી કાર્ય કર્યું તેને લીધે જાપાનના નિ:શસ્ત્રીકરણ ઉપરાંત ત્યાં મૅકઆર્થરની દૂરંદેશીના કારણે લોકશાહીને અનુરૂપ ઘણા સુધારાવધારા કરવામાં આવ્યા અને તેને લીધે જાપાનની રાજકીય અને આર્થિક શિકલ બદલાઈ ગઈ. વિશ્વના ઇતિહાસમાં કદાચ આ બિના પ્રથમ વારની હશે, જ્યારે જે રાષ્ટ્રને પરાજય આપ્યો હોય, તે રાષ્ટ્રની જ પ્રજામાં તેના વિજેતા રાષ્ટ્રના શાસકે આટલી બધી લોકપ્રિયતા હાંસલ કરી હોય.
જૂન, 1950માં ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયા પર આક્રમણ કર્યું ત્યારે રાષ્ટ્રસંઘની સંયુક્ત સેનાઓના સેનાપતિપદે મૅકઆર્થરની પસંદગી થઈ. કોરિયાના યુદ્ધ(1950–53)માં શરૂઆતમાં તો ઉત્તર કોરિયાનું પલ્લું નમતું હતું. પરંતુ મૅકઆર્થરની કુનેહ અને વિચક્ષણ વ્યૂહરચનાના કારણે છેવટે ઉત્તર કોરિયાની સેનાઓને 38° અક્ષાંશરેખા પરથી પીછેહઠ કરવી પડી, જ્યાં મિત્ર રાષ્ટ્રની સેનાઓએ તેમનો પીછો કર્યો. કોરિયાના યુદ્ધના આ તબક્કે ઉત્તર કોરિયાની તરફેણમાં ચીનનું લશ્કર આ યુદ્ધમાં દાખલ થયું. તેને પહોંચી વળવા માટે મૅકઆર્થરનું સૂચન એવું હતું કે યુદ્ધના રણક્ષેત્રનો વ્યાપ વધારીને ચીની સેનાઓને તેમના પોતાના જ પ્રદેશમાં ખદેડવી જોઈએ. આ સૂચન સાથે સંમત ન થવા બદલ મૅકઆર્થરે રાષ્ટ્રસંઘની અને અમેરિકાના શાસકોની જાહેરમાં ટીકા કરી. પરિણામે 11 એપ્રિલ, 1951ના રોજ અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રાધ્યક્ષ હૅરી ટ્રૂમૅને મૅકઆર્થરને પદભ્રષ્ટ કર્યા હતા. જોકે તે અમેરિકા પાછા ગયા ત્યારે અમેરિકાની પ્રજાએ તેમનું ‘વિજેતા સેનાપતિ’ને શોભે તેવું ભવ્ય સ્વાગત કર્યું હતું.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે