મૅકઆઇવર, રૉબર્ટ મૉરિસન (જ. 17 એપ્રિલ 1882, સ્ટૉર્નોવે, સ્કૉટલૅન્ડ; અ. 15 જૂન 1970, ન્યૂયૉર્ક, અમેરિકા) : ખ્યાતનામ રાજ્યશાસ્ત્રી, સમાજશાસ્ત્રી અને શિક્ષણવિદ. તેમણે એડિનબરો યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ડૉક્ટરેટની પદવી હાંસલ કરી અને એબર્ડિન યુનિવર્સિટીમાં અધ્યાપનકાર્યનો પ્રારંભ કર્યો. 1915માં તેઓ કૅનેડાના ટોરાન્ટો નગર ગયા અને ત્યાં પણ અધ્યાપનકાર્ય ચાલુ રાખ્યું. 1927થી કોલંબિયા યુનિવર્સિટીમાં રાજકીય ચિંતન અને સમાજશાસ્ત્રના તેઓ પ્રાધ્યાપક રહ્યા. 1963થી ’66 ન્યૂયૉર્કની ન્યૂ સ્કૂલ ફૉર સોશિયલ રિસર્ચમાં પ્રારંભે તેના પ્રમુખ અને ત્યારબાદ ચાન્સેલર રહ્યા. તેમનાં તાલીમ અને અભિગમમાં હંમેશાં ચિંતનનું પ્રભુત્વ રહેતું હતું.
સમાજશાસ્ત્ર પ્રત્યેના તેમના અભિગમમાં નક્કર અને સ્પષ્ટ રીતે અભિવ્યક્ત થયેલી સૈદ્ધાંતિક સંરચના જોવા મળે છે. 1920 સુધીનાં વર્ષોમાં તેમણે અમેરિકી સમાજશાસ્ત્રમાં અનુભવલક્ષી અભિગમની પદ્ધતિસર રજૂઆત કરી. રાજ્યશાસ્ત્રના સિદ્ધાંતોને સમાજશાસ્ત્રીય ચિંતનની ર્દષ્ટિએ નાણી જોયા અને એ વાત ભારપૂર્વક રજૂ કરી કે સમાજ અને રાજ્ય અલગ અલગ ઘટકો છે અને રાજ્ય એ મર્યાદિત ધ્યેયો પૂરાં પાડતો એકમ છે. આધુનિક રાજ્યને સામાજિક ઉત્ક્રાંતિની એક પેદાશ તરીકે રજૂ કરી, તેના ઉદભવથી માંડીને તેના ક્રમિક વિકાસ અને આધુનિક સ્વરૂપની સૈદ્ધાંતિક અને સચોટ રજૂઆત કરી. નગરરાજ્યમાંથી રાષ્ટ્રરાજ્ય અને લોકશાહી તરફની ગતિનું આલેખન કરીને સત્તા, સાર્વભૌમત્વ, કાયદો અને વ્યવસ્થા, રાજ્ય અને આર્થિક વ્યવસ્થા, સત્તાનું વિભાજન, અંકુશ-સમતુલા, કેંદ્ર અને સ્થાનિક સરકાર વચ્ચેના સંબંધો, પક્ષપદ્ધતિ, વ્યક્તિવાદ-સમષ્ટિવાદ વગેરે મુદ્દાઓની તલસ્પર્શી છણાવટ કરી અને તે દ્વારા રાજ્યના આધુનિક સ્વરૂપનો આલેખ રજૂ કર્યો. આમ રાજ્ય શું છે અને તેણે આધુનિક સ્વરૂપ કેવી રીતે ધારણ કર્યું તે અંગેના પ્રશ્નોની વિદ્વત્તાભરી મીમાંસા તેમણે કરી.
તેમના દ્વારા રચાયેલ ગ્રંથોની યાદી ઠીક ઠીક લાંબી છે. તેમાં ‘કોમ્યૂનિટી, અ સોશિયોલૉજિકલ સ્ટડી’ (1917), ‘એલિમેન્ટ્સ ઑવ્ સોશિયલ સાયન્સ’ (1921) અને ‘ધ મૉડર્ન સ્ટેટ’ (1926) આ ત્રણ તેમના પ્રારંભિક ગ્રંથો હતા. ‘ધ મૉડર્ન સ્ટેટ’ તેમનો ખ્યાતનામ ગ્રંથ છે, જે લોકશાહી અંગેના પરંપરાગત ગ્રંથોમાં સીમાચિહન બન્યો છે. તેમના અન્ય એક ગ્રંથ ‘વેબ ઑવ્ ગવર્નમેન્ટ’(1947 અને પુન:સંસ્કરણ-1965)ને વુડ્રો વિલ્સન પારિતોષિક એનાયત થયું હતું. ‘ઍઝ અ ટેલ ધૅટ ઇઝ ટોલ્ડ’ (1968) તેમની આત્મકથા છે.
રક્ષા મ. વ્યાસ