મૅંગેનીઝ ડાયૉક્સાઇડ : શ્યામ મૅંગેનીઝ (manganese black), બૅટરી મૅંગેનીઝ અથવા મૅંગેનીઝ પેરૉક્સાઇડ તરીકે ઓળખાતો કાળો મૅંગેનીઝ(IV) ઑક્સાઇડ. સૂત્ર MnO2. કુદરતમાં તે પાયરોલ્યુસાઇટ (pyrolusite) ખનિજ તરીકે મળે છે. મૅંગેનીઝ(II) ઑક્સાઇડને ઑક્સિજનની હાજરીમાં ગરમ કરવાથી અથવા મૅંગેનીઝ(II) નાઇટ્રેટ-  [Mn(NO3)2]ને તપાવવાથી પણ તે મેળવી શકાય છે. તે કાળા સ્ફટિક-સ્વરૂપે અથવા પાઉડર-સ્વરૂપે મળે છે.

તે પ્રબળ ઉપચયનકારક (oxidizing agent) છે અને કાર્બનિક પદાર્થોને સળગાવી શકે છે. તે સાંદ્ર હાઇડ્રોક્લૉરિક ઍસિડનું ઉપચયન કરી ક્લોરીન મુક્ત કરે છે. મંદ સલ્ફ્યુરિક ઍસિડની હાજરીમાં તે ઑક્ઝેલિક ઍસિડનું કાર્બન-ડાયૉક્સાઇડ અને પાણીમાં ઉપચયન કરે છે. આ જ રીતે તે ફેરસ સલ્ફેટનું ફેરિક સલ્ફેટમાં રૂપાંતર કરે છે.

આયર્ન ઑક્સાઇડ ધરાવતા મૅંગેનીઝ ડાયૉક્સાઇડનું કાર્બન વડે અપચયન (reduction) કરવાથી ફેરોમૅંગેનીઝ તરીકે ઓળખાતો મૅંગેનીઝ-આયર્ન કાર્બાઇડ મળે છે, જે પોલાદ બનાવવામાં વપરાય છે. આ માટે લગભગ 48 % કરતાં વધુ મગેનીઝ ધરાવતી ઉચ્ચકક્ષાની ખનિજ વપરાય છે, જે ભારત, બ્રાઝિલ અને આફ્રિકામાંથી મળે છે. શુષ્ક કોષ (dry cell) અથવા વૉલ્ટેઇક કોષના ઉત્પાદનમાં વિધ્રુવક (depolarizer) તરીકે ખાસ પ્રકારનો ડાયૉક્સાઇડ વપરાય છે. આતશબાજી (pyrotechnics) તથા દીવાસળી-ઉદ્યોગમાં વપરાવા ઉપરાંત તે ઉદ્દીપક તરીકે; પ્રયોગશાળામાં પ્રક્રિયક, અપમાર્જક (scavenger) તથા રંગહારક (decolorizer) તરીકે; કાપડ-ઉદ્યોગમાં રંગકામમાં તથા મૅંગેનીઝ ધાતુના સ્રોત તરીકે પણ ઉપયોગમાં લેવાય છે.

મૅંગેનીઝ ડાયૉક્સાઇડના નિર્ધારણ (determination) માટે ઑક્ઝેલિક ઍસિડ અથવા ફેરસ સલ્ફેટ પદ્ધતિનો ઉપયોગ થાય છે.

(i)      MnO2 + H2SO4 → MnSO4 + H2O + O

        (COOH)2 + O → 2CO2 + H2O

(ii)     2FeSO4 + MnO2 + 2H2SO4 → Fe2(SO4)3 + MnSO4 + 2H2O.

સાંદ્ર હાઇડ્રોક્લૉરિક ઍસિડમાંથી ક્લોરીન મુક્ત કરી તેના દ્વારા પોટૅશિયમ આયોડાઇડના દ્રાવણમાંથી આયોડીન છૂટું પાડી તેનું સોડિયમ થાયોસલ્ફેટ દ્વારા પણ પરિમાપન થઈ શકે છે.

જ. દા. તલાટી