મૅંગલોર (મંગળુરુ) : કર્ણાટક રાજ્યના દક્ષિણ કન્નડ જિલ્લામાં અરબી સમુદ્રના મલબાર કિનારે આવેલું મુખ્ય બંદર અને શહેર. ભૌગોલિક સ્થાન : તે 12° 52´ ઉ. અ. અને 74° 53´ પૂ. રે. પર આશરે 31.7 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે.

ભૂપૃષ્ઠ અને જળપરિવાહ : મૅંગલોરનો સમગ્ર વિસ્તાર સમુદ્રસપાટીથી 5 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતો નથી. સમુદ્રકિનારા પર આશરે 6 કિમી. લાંબી રેતીની ટેકરીઓ આવેલી છે. અહીં ખાડી સરોવરની રચના થઈ છે. ગુરપુર નદી આગળ જતાં નેત્રવતી નદીને મળે છે, તેનાં પાણી ખાડી માર્ગે વહીને અરબી સમુદ્રને મળે છે. અહીંનો મુખત્રિકોણ વિસ્તાર ફળદ્રૂપ હોવાથી ખેતી માટે ઉત્તમ ગણાય છે. નેત્રવતીમાં પાણી બારેમાસ રહેતું હોવાથી બન્ટવાલથી મૅંગલોર સુધી નૌકાવહન માટે તે ઉપયોગી બની રહી છે.

આબોહવા : મૅંગલોર અરબી સમુદ્રને કિનારે આવેલું છે. અહીં ઉનાળા અને શિયાળામાં સરેરાશ દૈનિક તાપમાન અનુક્રમે 33° સે. અને 21° સે. જેટલું રહે છે, જ્યારે વરસાદ 3,000થી 3,500 મિમી. જેટલો પડે છે.

ઉદ્યોગો : મૅંગલોર ખાતે સાબુ, રસાયણો અને ટાઇલ્સ બનાવવાના એકમો તથા મત્સ્યકેન્દ્રો આવેલાં છે. નદીકિનારાના વિસ્તારમાં ડાંગર છડવાની, લાકડાં વહેરવાની અને તેલની મિલો આવેલી છે. અહીં મગલોર રિફાઇનરી પણ સ્થાપવામાં આવી છે.

પરિવહન અને વેપાર : મૅંગલોર રાજ્યનાં મુખ્ય શહેરો અને વેપારી મથકો સાથે પાકા રસ્તાઓથી તેમજ રેલમાર્ગથી જોડાયેલું છે. ‘કોંકણ રેલમાર્ગ’ અહીંથી પસાર થતો હોવાથી તેનું મહત્વ વધ્યું છે. ગુરપુર નદી પાછાં પડતાં પાણી(back water)ને કારણે ઉપયોગમાં લેવાતી હોવાથી સસ્તો જળવ્યવહાર ઊભો થઈ શક્યો છે. મૅંગલોર અને મુંબઈ વચ્ચે નિયમિત હવાઈ વ્યવહાર પણ ચાલે છે.

મૅંગલોર પશ્ચિમ કિનારા પરનું મહત્વનું બંદર છે. અહીંનું લંગરસ્થાન 3.5 કિમી. દૂર છે. ભરતી વખતે બૅકવૉટર દ્વારા બંદર સુધી જહાજ સુરક્ષિત આવી શકે છે. વિશાળ જહાજોના માલસામાનની હેરફેર માટે નાની સ્ટીમરોને ઉપયોગમાં લેવી પડે છે. આ બંદરનો પીઠપ્રદેશ સમૃદ્ધ થવાથી નવા બંદરની જરૂર જણાતાં મૅંગલોરથી ઉત્તરે 9 કિમી.ને અંતરે ન્યૂ મૅંગલોર બંદરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ નવું બંદર 1968થી કાર્યરત છે. આ બંને બંદરો બારમાસી ન હોવાથી જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ઉપયોગમાં આવી શકતાં નથી.

અહીં ક્રૂડ ઑઇલ, પેટ્રોલિયમ પેદાશો, અનાજ, ખાતર, ગંધક, સિમેન્ટ, યંત્રો અને લોખંડનો ભંગાર આયાત થાય છે, જ્યારે મૅંગેનીઝ, કૉફી, કાથી, ઇમારતી લાકડું, ટાઇલ્સ, કાજુના ફળનો રસ, તમાકુ, વિલાયતી નળિયાં, ઇમારતી પથ્થર તરીકે ગ્રૅનાઇટ, ફેરો સિલિકોન, ડિટરજન્ટ પાઉડર, માંસ અને માછલીની નિકાસ થાય છે. ભારતનો 75 % જેટલો કૉફીનો વેપાર મૅંગલોર મારફતે થાય છે.

વસ્તી : મૅંગલોરમાં કર્ણાટકના મૂળ વતનીઓ ઉપરાંત તમિળો, મરાઠાઓ અને કેરળના લોકો પણ જોવા મળે છે. લોકો કોંકણી, તમિળ અને અંગ્રેજી ભાષાનો વધુ ઉપયોગ કરે છે. ખ્રિસ્તી ધર્મ પાળનારાઓનું પ્રમાણ વિશેષ છે. મૅંગલોર શહેરની વસ્તી 6,23,841 (2011) જેટલી છે.

વસાહતો : આ શહેર આયોજન વગર નિર્માણ પામ્યું હોવાથી મુખ્ય રસ્તાઓ અને પેટારસ્તાઓ પરિવહન વ્યવસ્થાને અનુકૂળ નથી. પાંચ રસ્તાઓ આ શહેરને ત્રિજ્યાકારે મળે છે. આ રસ્તાઓની લંબાઈ 145 કિમી. જેટલી થાય છે. 1,143 હેક્ટરના વિસ્તારમાં વસાહતો સ્થપાઈ છે. ઉત્તર અને પૂર્વ ભાગમાં આધુનિક શૈલીનાં બહુમાળી મકાનો આવેલાં છે, જ્યારે દક્ષિણ ભાગમાં મધ્યમ કક્ષાના આવાસો જોવા મળે છે. શહેરની મધ્યમાં વાણિજ્ય સંકુલો, દાણાપીઠ, કૉફી, કાજુ, ટાઇલ્સ, ઇજનેરી યંત્રસામગ્રીના પુરજાઓ અને મત્સ્યવેપારનાં કેન્દ્રો આવેલાં છે. શાળા, કૉલેજો અને પૉલિટૅકનિકનો સમાવેશ કરતી 90 જેટલી શૈક્ષણિક સંસ્થાઓ આ શહેરમાં આવેલી છે. અહીં રમતગમતનાં મેદાનો અને બગીચાઓની સગવડો પણ છે. અહીંનાં વધુ જાણીતાં જોવાલાયક સ્થળોમાં જુમ્મા મસ્જિદ, કેટલાંક ચર્ચ અને મંગલાદેવીના મંદિરનો સમાવેશ થાય છે.

1980માં કર્ણાટક સરકારે ‘બૃહદ્ મૅંગલોર’ તરીકે આ શહેર વિકસાવવાનું આયોજન કરેલું. તે માટે 340 હેક્ટર ભૂમિ આવરી લેવાઈ છે, તેમાં સુરતકાલા, ઉલ્લાલ. કિલસેકાઈ અને ફદરુના પરાવિસ્તારોનો સમાવેશ કરવામાં આવશે.

ઇતિહાસ : સાતમી સદીમાં આ શહેર મંગલાપુરા (Mangalapura) નામથી ઓળખાતું હતું. સાતમી અને આઠમી સદીમાં તે મહાનગર અને સમૃદ્ધ બંદર હતું. 968માં અહીં અલુપા કુડરાવર્માનું શાસન હતું. ચૌદમી સદીમાં ઈરાની અખાતના દેશો સાથે તેના વેપારી સંબંધો સ્થપાતાં તેનો વિકાસ વધ્યો. ઈબ્ન બતૂતા, ઈરાનના એલચી અબ્દુર્ રઝાક, વાસ્કો દ ગામા અને બાર્બોસાએ આ સ્થળની મુલાકાત લીધી હતી. 16મી સદીના મધ્યકાળમાં પૉર્ટુગીઝોએ આ શહેર જીતી લીધું. 1588માં સેંટ સાબાસુઆને અહીં કિલ્લાનું નિર્માણ કર્યું. ત્યારબાદ ડુંગર પર પણ કિલ્લો બનાવરાવ્યો, જે દીવાદાંડી રૂપે આવેલો હતો. 1740થી 1754ના અરસામાં બેડનોરના બાસાવાપ્પા નાયકે તે બંધાવ્યો હતો. 1763માં મૈસૂરના સુલતાન હૈદરઅલીએ તે જીતી લઈને જહાજવાડાનું તથા તોપના ગોળાના કારખાનાનું નિર્માણ કર્યું. 1799માં અંગ્રેજોએ તે હસ્તગત કરી લઈ, પોતાના વેપાર માટે તેનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. ઓગણીસમી સદીમાં જર્મનીના બાસેલ મિશન દ્વારા અહીં સર્વપ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થપાઈ. તેમજ કૉલેજની પણ સ્થાપના થઈ. વીસમી સદી દરમિયાન આ શહેરનો ઉત્તરોત્તર વિકાસ થતો રહ્યો છે. દેશને સ્વતંત્રતા મળ્યા બાદ તે મૈસૂર રાજ્ય અને પછી કર્ણાટક રાજ્યનો એક ભાગ બન્યું હતું.

નીતિન કોઠારી