મૃદુલા સારાભાઈ (જ. 6 મે 1911, અમદાવાદ; અ. 27 ઑક્ટોબર 1974, દિલ્હી) : સ્વાતંત્ર્ય-સેનાની, સામાજિક કાર્યકર અને તેજસ્વી મહિલા કાર્યકર. પિતા અંબાલાલ જાણીતા ઉદ્યોગપતિ હતા. માતાનું નામ સરલાદેવી. જેઓ ગાંધીવિચારસરણીથી રંગાયેલાં અને મજૂર મહાજનનાં અગ્રણી કાર્યકર હતાં. અંબાલાલ સારાભાઈ મુક્ત તથા પ્રગતિશીલ વિચારસરણી ધરાવતા હોવાથી મૃદુલાના ઉછેર પર તેની સીધી અસર થયેલી. મૃદુલાનું શિક્ષણ તેમના પિતાએ પોતાના પરિવારની જ તાલીમશાળામાં અપાવેલું; જેમાં અન્ય ઔપચારિક વિષયો ઉપરાંત સંગીત, નૃત્ય, ચિત્રકલા, માટીકામ, સુથારીકામ જેવા વિષયો પણ શીખવવામાં આવતા હતા. પોતાનાં સંતાનોને સારી ગુણવત્તાવાળું શિક્ષણ મળે તે હેતુથી અંબાલાલભાઈએ પરદેશની ઉચ્ચ પદવીઓ ધરાવતા કેળવણીકારોને આમંત્ર્યા હતા. પરિવારની શાળાનું ભણતર પૂરું કર્યા પછી ઉચ્ચ શિક્ષણ માટે મૃદુલા ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયાં હતાં, જ્યાં રાષ્ટ્રીયતા પર આધારિત અભ્યાસક્રમો ગુજરાતી માધ્યમમાં શીખવવામાં આવતા હતા. મૃદુલા નાની ઉંમરનાં હતાં ત્યારથી જ તેઓ ગાંધીજીના પ્રભાવ હેઠળ આવી ગયેલાં. તેઓ કૉંગ્રેસની બાલસેનામાં તથા અખિલ ભારત ચરખા સંઘમાં સક્રિય ભાગ લેતાં થયાં. 1930–31ની ચળવળ દરમિયાન ગાંધીજીએ દેશની મહિલાઓને કરેલ હાકલના જવાબ રૂપે દેશની હજારો મહિલાઓ રાષ્ટ્રીય આંદોલનમાં જોડાયેલી, જેમાં મૃદુલાનો પણ સમાવેશ થયો હતો. ગાંધીજીની અનિચ્છા છતાં મૃદુલા દાંડી કૂચમાં જોડાયાં. તેઓ વિદેશી કાપડ બહિષ્કાર સમિતિનાં સેક્રેટરી-પદે ચૂંટાયાં હતાં. વિદેશી કાપડનું તથા દારૂનું વેચાણ કરતી દુકાનો સામે ધરણાં કરનારી બહેનોની આગેવાની પણ તેમણે કરેલી. બાળકો માટેની ખાસ વાનર સેનાના નેજા હેઠળ દેશની આઝાદી માટે આદરેલાં કેટલાંક આંદોલનો માટે મૃદુલાને ત્રણ અઠવાડિયાંનો કારાવાસ ભોગવવો પડ્યો હતો. ત્યારબાદ ફરી તેમની ધરપકડ કરવામાં આવી હતી અને છ માસ માટે તેમને સાબરમતી, યેરવડા તથા બેળગામ ખાતેની જેલમાં અટકાયતમાં રાખવામાં આવ્યાં હતાં.
1930માં તેમણે રાષ્ટ્રીય કૉંગ્રેસનું સભ્યપદ ઔપચારિક રીતે સ્વીકાર્યું હતું. 1936માં જવાહરલાલ નહેરુએ અખિલ ભારતીય કૉંગ્રેસ કમિટીના સામાન્ય મંત્રીપદે મૃદુલાની પસંદગી કરી હતી. આ પદ ધરાવનાર તેઓ પ્રથમ ભારતીય મહિલા હતાં. 1938માં હરિપુરા ખાતેના કૉંગ્રેસ-અધિવેશનમાં સરદાર વલ્લભભાઈ પટેલે ‘કૉંગ્રેસ સ્વયંસેવિકા દળ’ના વડા તરીકે મૃદુલાની નિમણૂક કરી હતી અને તે પદની રૂએ મહિલા સ્વયંસેવિકાઓની ભરતી અને તાલીમની જવાબદારી તેમણે અસરકારક રીતે પાર પાડી હતી. ત્યારબાદ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ હેઠળ જ્યારે મહિલા પાંખની સ્થાપના કરવામાં આવી ત્યારે તેનો હવાલો પણ મૃદુલાને સોંપવામાં આવ્યો હતો. 1938માં રાષ્ટ્રીય કૉંગ્રેસના નેજા હેઠળ સ્થાપવામાં આવેલ રાષ્ટ્રીય આયોજન પંચ હસ્તક મહિલાઓની સમસ્યાઓ પર વિચારણા કરવા અને તેના ઉપાયો સૂચવવા માટે જે પેટા સમિતિની નિમણૂક કરવામાં આવી હતી તેના સેક્રેટરીપદે મૃદુલાની વરણી કરવામાં આવી હતી.
કસ્તૂરબા ગાંધીના અવસાન પછી 1944માં સ્થાપવામાં આવેલ ‘કસ્તૂરબા ગાંધી સ્મારક ટ્રસ્ટ’નાં સંગઠનમંત્રીપદે ગાંધીજીએ મૃદુલાની વરણી કરી હતી.
1958માં કાશ્મીરની સમસ્યા અંગે મૃદુલાએ જાહેરમાં જે વિવાદાસ્પદ વલણ લીધું હતું તે માટે કૉંગ્રેસે તેમની સામે શિસ્તભંગનાં પગલાં લીધાં હતાં અને આ રીતે સતત અઠ્ઠાવીસ વર્ષ સુધી કાગ્રેસમાં રહ્યા પછી તે સંબંધોનો કરુણ અંત આવ્યો હતો.
1934માં અમદાવાદ ખાતે મહિલાઓની વિશિષ્ટ સમસ્યાઓના નિરાકરણ માટે જ્યોતિ સંઘ નામની જે સંસ્થા સ્થાપવામાં આવી તેની સ્થાપનામાં પણ તેમનો ફાળો મહત્વનો રહ્યો હતો. તેવી જ રીતે 1937માં વિસ્થાપિત છોકરીઓ માટેના છાત્રાલય અને ત્રાસ ભોગવતી બહેનોને આશ્રય આપવાનું સેવાકાર્ય કરવા વિકાસગૃહ સંસ્થાની પ્રવૃત્તિઓમાં પણ તેના સ્થાપનાકાળથી લાંબા સમય સુધી મૃદુલાનો ફાળો નોંધપાત્ર રહ્યો હતો.
ભારતમાં ‘ઍમ્નેસ્ટી ઇન્ટરનેશનલ’ની શાખાની સ્થાપનામાં પણ તેમનો ફાળો મહત્વનો રહ્યો હતો.
કાશ્મીરની સમસ્યા અંગે શેખ અબદુલ્લાના વલણની તરફેણ કરવા માટે તેમને અટકાયતમાં લેવામાં આવ્યાં હતાં અને દિલ્હીની તિહાર જેલમાં તેમને રાખવામાં આવ્યાં હતાં. ત્યારબાદ અમદાવાદના તેમના નિવાસમાં પણ તેમને નજરકેદમાં રાખવામાં આવ્યાં હતાં. પરિણામે અગાઉ જે જે સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલાં હતાં તે બધી જ સંસ્થાઓમાંથી તેમને રાજીનામું આપવું પડ્યું હતું.
ભારતમાં કોમી એખલાસની સ્થાપના માટે તથા લઘુમતીઓના અધિકારોના રક્ષણ માટે તેમણે કરેલ શકવર્તી કામ માટે મૃદુલા સારાભાઈને કાયમ યાદ કરવામાં આવશે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે