મૃદુપેશીસરણ, મસ્તિષ્કી (cerebral hermiation) : મગજના કોઈ ભાગનું ખોપરીમાં કે ખોપરીની બહાર સરકવું તે. ખોપરી (કર્પર, cranium) એક હાડકાંની બનેલી બંધ દાબડી જેવી છે. તેમાં મોટા મગજ(ગુરુમસ્તિષ્ક, cerebrum)ના બે અર્ધગોલ (hemispheres), નાનું મગજ (લઘુમસ્તિષ્ક, cerebellum) તથા મસ્તિષ્ક-પ્રકાંડ (brain stem) આવેલાં છે. મોટા મગજ અને નાના મગજ વચ્ચે એક ર્દઢતાનિકા (duramater) નામની પેશીનો આડો પડદો આવેલો છે. તેને તંબુતાનિકા (tentorium) કહે છે. તંબુતાનિકાની ઉપર મોટું મગજ આવેલું છે અને નીચે નાનું મગજ તથા મસ્તિષ્ક-પ્રકાંડ આવેલાં છે. તેમાંના એક કાણા જેવા ભાગમાંથી મસ્તિષ્ક-પ્રકાંડ ઉપર મોટા મગજ સાથે જોડાયેલું છે. મોટા મગજના બંને અર્ધગોલ વચ્ચે એક દાતરડાના પાના જેવો પડદો મધ્યરેખામાં આવેલો છે. તેને દાત્રતાનિકા (falx cerebri) કહે છે. આમ ખોપરીનું પોલાણ 3 વિભાગમાં વહેંચાયેલું છે. એક ભાગમાં મોટા મગજનો એક અર્ધગોલ, બીજામાં બીજો અર્ધગોલ અને ત્રીજામાં નાનું મગજ તથા મસ્તિષ્ક પ્રકાંડ. ખોપરીમાં નીચે મહાછિદ્ર (foramen magnum) નામનું કાણું આવેલું છે. તેમાંથી મસ્તિષ્ક-પ્રકાંડ નીચે કરોડરજ્જુ(મેરુરજ્જુ, spinal cord)ના રૂપે લંબાય છે. ખોપરીના પોલાણના એક ભાગમાંથી બીજા ભાગમાં મગજની પેશીનો કોઈ ભાગ સરકે તો તેને અપસરણ (hermiation) કહે છે. જ્યારે પણ મગજનો કોઈ ભાગ આવી રીતે સરકે ત્યારે તે બેભાનાવસ્થા (અચેતના, coma), અન્ય કેટલીક ચેતાકીય ક્ષતિઓ તથા જીવનું જોખમ સર્જે છે. ખોપરીમાં દબાણ વધે તેને અંત:કર્પરી અતિદાબ (increased intracranial pressure) કહે છે. તે સમયે આંખની અંદર ર્દષ્ટિચકતી પર સોજો આવે છે. ર્દષ્ટિચકતી શોફ, (papilloidoma) થાય છે, ડોક અક્કડ બને છે અને સોજાને કારણે મગજ કે તેનો ભાગ કાણામાં ખસે છે. તેને અપસરણ (hermiation) કહે છે.
મસ્તિષ્કી અપસરણ 3 પ્રકારનું હોય છે – દાત્રતાનિકાની નીચેથી મધ્યરેખાને પાર કરીને બીજી બાજુ જતી મોટા મગજની સિંગ્યુલેટ ગડી (cingulate gyrus), અધ:પાર્શ્ર્વ ખંડની મધ્યવર્તી સપાટીવાળો ભાગ તંબુતાનિકાના છિદ્રમાંથી નીચે તરફ ખસે તે તથા મહાછિદ્રમાંથી નાના મગજનો ટૉન્સિલ નામનો ભાગ ડોકમાંના કરોડસ્તંભમાં ખસે તે. તેમને અનુક્રમે પારદાત્રતાનિકી (transfacial), પારતંતુતાનિકી (transtentoriam) અને મહાછિદ્રીય (foraminal) અપસરણ કહે છે.
પારતંબુતાનિકી અપસરણમાં મગજના અધ:પાર્શ્વખંડ(temporal lobe)ની એક્સ નામની ગડી નીચે તરફ સરકે છે. તે વખતે મગજના અર્ધગોલની મધ્યવર્તી સપાટી પર આવેલી અગ્રસ્થ મધ્યવર્તી અધ:પાર્શ્વી ગડી (anterior medial temporal gyrus) અથવા અંકસ (uncus) નામની ગડી નીચે તરફ સરકે છે. તે મગજમાંથી નીકળતી ત્રીજી જોડમાંની એક બાજુની ચેતાને દબાવે છે. તેને કારણે તે બાજુની આંખને કીકીમાંનું છિદ્ર (કનીનિકા, pupil) પહોળું થાય છે. જ્યારે વધુ પ્રમાણમાં સરણ થાય ત્યારે તે પેરાહિપોકૅમ્પલ ગડી (parahippocampal gyrus) પણ સરકે છે અને તે મધ્યમ મસ્તિષ્ક(mid brain)ને દબાવે છે. તેને કારણે દર્દી બેભાન થઈ જાય છે. ક્યારેક મસ્તિષ્કની પેશી એક બાજુ ખસે (પાર્શ્વીય વિસ્થાપન, lateral displacement થાય) તો બીજી બાજુની મસ્તિષ્કી પાદિકા (cerebral pydyncle) દબાય છે. તેવા સમયે બીજી બાજુના અર્ધા શરીરનો લકવો થાય છે તથા પાદલક્ષી ચેતાપરાવર્તી ક્રિયા(plantor reflex)માં બેબિન્સ્કીના પ્રકારનો પ્રતિભાવ ઉદભવે છે. બેબિન્સ્કીનો પ્રતિભાવ સૂચવે છે કે પગના સ્નાયુઓના હલનચલનનું નિયંત્રણ કરતા ત્રિપાર્શ્વી ચેતાપથ(pyramidal tract)ના ચેતાતંતુઓ અસરગ્રસ્ત થયેલા છે. આ ઉપરાંત આ પ્રકારનું અપસરણ મગજના આગળના ભાગોને લોહી પહોંચાડતી ધમનીઓને દબાવે છે અને મગજના જે તે ભાગમાં પ્રણાશ (infarction) થાય છે. મગજમાંના નિલયો(પોલાણો)માં પણ અવરોધ ઉદભવે છે અને તેથી તે પ્રવાહીના ભરાવા સાથે પહોળા થાય છે અને મગજની પેશીને દબાવે છે. જો પારતંબુતાનિકી અપસરણમાં મગજમાંનો ચેતક (thalamus) નામનો ભાગ સીધેસીધો નીચે ઊતરે તો તેને મધ્યસ્થ પારતંબુતાનિકી અપસરણ (central transtentorial hermiation) કહે છે. તેમાં કીકીમાંનું છિદ્ર સાંકડું થાય છે અને દર્દીને ઘેન ચડે છે. બંને પ્રકારના પારતંબુતાનિકી અપસરણમાં મસ્તિષ્ક-પ્રકાંડ દબાય છે અને તેથી તેમાં આવેલું મસ્તિષ્કને સક્રિય રાખતું તંત્ર પણ દબાય છે. દર્દી બેભાન બને છે. આ ઉપરાંત તે સ્થળે આવેલાં વિવિધ ચેતાકેન્દ્રો પણ દબાય છે અને તેથી તેમનું કાર્ય વિષમ બને છે.
મગજમાં ચેપ લાગ્યે ગાંઠ થાય, લોહી વહેતું અટકે અને તેથી તેનો કોઈ ભાગ મૃત્યુ પામે (જેને પ્રણાશ – infarction – કહે છે) તો મગજ પર સોજો આવે છે, અંત:કર્પરી દબાણ વધે છે અને તેથી મગજની પેશીનું અપસરણ થવાની સંભાવના થાય છે. જો તેવા સમયે કમરમાંથી છિદ્ર પાડીને મગજ-કરોડરજ્જુની આસપાસનું પ્રવાહી (મસ્તિષ્ક-મેરુરજ્જુ-તરલ, cerebro spinal fluid, CSF) કાઢવામાં આવે તો મસ્તિષ્કી અપસરણ થઈ જવાનો ભય રહે છે. માટે આવા સંજોગોમાં આંખની અંદર અંત:દર્શક વડે જોવાની તપાસ કે સી. ટી. સ્કેન કરીને મગજ પરનો સોજો કેટલો છે તેનો ક્યાસ કઢાય છે અને જરૂર જ હોય તો સાવચેતીપૂર્વક પ્રવાહી કઢાય છે. મગજ પરનો સોજો સતત વધતો રહે તો પણ કુદરતી રીતે અપસરણ બને છે.
અપસરણની સંભાવનાવાળાં ચિહનો અને લક્ષણો (માથું દુખવું, ઘેન ચડવું અને ર્દષ્ટિચકતી શોફ થવો) હોય તો દર્દીની શ્વાસનળીમાં અંતર્નળી નાંખીને તેની શ્વસનક્રિયા ઝડપી કરાય છે, જેથી તેનું CO2નું આંશિક દબાણ 25થી 30 મિમી. પારો રહે. તેને નસ વાટે મેનિટોલનું દ્રાવણ પણ અપાય છે. કૅન્સરના દર્દીમાં વિકિરણ-ચિકિત્સા (radiotherapy) અપાય છે. તે માટે ત્રિપરિમાણી વિકિરણ-શસ્ત્રક્રિયા (stereotactic radiosurgery) પણ કરી શકાય છે. જેમને જલશીર્પ (hydrocephalus) નામનો મગજનાં પોલાણોમાં પ્રવાહી ભરાઈને તેમના પહોળા થવાનો વિકાર થયો હોય તેમાં સંયુગ્મક નળી (shunt) મૂકવાથી પણ ફાયદો રહે છે.
શિલીન નં. શુક્લ