મૃત પ્રાણીદેહની સાચવણી : મૃત પ્રાણીઓના શરીર પર સૂક્ષ્મ જીવો વડે થતો સડો (અપઘટન – decomposition) અટકાવવા યોજાતા ઉપચારો. પ્રાણીશરીરની બંધારણાત્મક તેમજ ચયાપચયીન પ્રક્રિયા વિશે માહિતી મેળવવા તેમજ માનવ અને પશુસ્વાસ્થ્ય સાથે સંકળાયેલી ઘટનાઓને સમજવા જીવંત તેમજ મૃત પ્રાણીઓ પર જાતજાતના પ્રયોગો કરવામાં આવે છે. કેટલીક વાર સંજોગવશાત્ માનવશબ પર કરવામાં આવતા અંતિમ સંસ્કારવિધિ પૂર્વે તેને કલાકો કે દિવસો સુધી સાચવી રાખવું પડે છે. આજથી પાંચેક હજાર વર્ષો પૂર્વે ઇજિપ્તની પ્રજા મુડદાને ‘મમી’ નામે ઓળખવામાં આવતા સ્વરૂપમાં કાયમી ધોરણે સાચવી રાખતી. આજે પણ ભારત સહિત ઘણા દેશોનાં સંગ્રહાલયોમાં આવાં મમીઓ પ્રદર્શિત કરવામાં આવે છે.

પ્રાણીઓના મૃત શરીરમાં સૂક્ષ્મ જીવો વડે થતી અપઘટન-ક્રિયા અટકાવવા હંગામી તેમજ કાયમી ધોરણે યોજાતા કેટલાક ઉપાયો :

શરીરને ઠંડું રાખવું : ઓછા તાપમાને સૂક્ષ્મ જીવો લગભગ નિષ્ક્રિય બને છે. આ બાબતને અનુલક્ષીને માછીમારો મત્સ્યાદિ જલજીવો કે જળચરોને બરફમાં મૂકી બજારમાં વેચવા લઈ જાય છે.

થોડા સમય માટે પ્રાણીશરીરને સાચવવા રેફ્રિજરેટરનો બહોળો ઉપયોગ કરવામાં આવે છે.

શીતઘરો/શીતાગારો (cold storage rooms) : મોટા પાયા પર મૃતદેહોને રાખવા શીતઘરોનો ઉપયોગ કરવામાં આવે છે. 0° સે.માં ફળફળાદિ, શાકભાજી સહિત માછલીઓ જેવાં પ્રાણીઓને સાચવી રાખવામાં આવે છે. હૉસ્પિટલોમાં શબોને શીતઘરોમાં સાચવી રાખવામાં આવે છે.

અતિશીતન (freezing) : કદમાં મોટા અને અનેક મહિના સુધી દરિયાઈ જલજીવોને સાચવી રાખવા સામાન્યપણે શીતાગારોનું તાપમાન –20° સે.થી –30° સે. વચ્ચે રાખવામાં આવે છે. ખાસ કરીને જલજીવોને પરદેશ મોકલતાં પહેલાં સંઘરવામાં આવતાં શીતાગારોનું તાપમાન ઘણું ઓછું રખાય છે.

શુષ્કશીતન (freeze drying) : મૃતજીવોના શરીરમાં આવેલ પાણીનું નિર્મૂલન અત્યંત વેગે કરવા આ વિધિ અપનાવવામાં આવે છે. આ પ્રક્રિયા શૂન્યાવકાશ કક્ષ(vacuum chamber)માં કરવામાં આવે છે. આશરે –20° C તાપમાને આ કક્ષમાં ફળફળાદિ, તેમજ નાનાંમોટાં કદનાં મૃતપ્રાણીઓનાં શરીરનું શુષ્કન અત્યંત ઝડપથી થતાં પેશીઓની અસલ લાક્ષણિકતા સહેલાઈથી જળવાય છે. શીતશુષ્ક  કરાયેલી ખાદ્યચીજોમાં વપરાશ પૂર્વે પાણી ઉમેરાતાં તેઓ પૂર્વવત્ તાજી જેવી બને છે. પ્રદર્શનાર્થે મૂકવામાં આવતાં કેટલાંક મૃતપ્રાણીઓનાં શરીર પર પણ શીતશુષ્કન-પ્રક્રિયા કરવામાં આવે છે.

સૂક્ષ્મ જીવનાશક ફૉર્મેલિન પ્રવાહી : ફૉર્મેલિનમાં સૂક્ષ્મ જીવો તુરત જ નાશ પામતા હોય છે; તેથી સામાન્યપણે મોટા પાયા પર મૃત પ્રાણીઓનાં શરીરને સાચવી રાખવામાં ફૉર્મેલિન વપરાય છે. પ્રાણીસંગ્રહાલયમાં પ્રદર્શિત કરવામાં આવતાં ઘણાં પ્રાણીઓને ફૉર્મેલિનના દ્રાવણમાં સાચવવામાં આવે છે. FAA(ફૉર્મેલીન +  આલ્કોહૉલ + એસેટિક ઍસિડ)નું પ્રવાહી મિશ્રણ મ્યુઝિયમના નમૂનાઓ સાચવવા માટે યોગ્ય ગણાય છે.

આલ્કોહૉલમાં મૃત પ્રાણીશરીરની સાચવણી : પાણીનું શોષણ કરવાની ગુણવત્તા આલ્કોહૉલ ધરાવે છે. આલ્કોહૉલમાં સૂક્ષ્મ જીવોમાં આવેલ પાણીનું શોષણ ઝડપી થવાથી તેઓ નિષ્ક્રિય બની મૃત્યુ પામે છે; તેથી આલ્કોહૉલમાં પ્રાણીશરીરને સાચવી રખાય છે; પરંતુ આલ્કોહૉલ અત્યંત બાષ્પશીલ હોવાથી, આ દ્રાવ્યમાં પ્રાણીશરીરને લાંબા સમય સુધી સાચવી રાખવું મોટે ભાગે અવ્યવહારુ નીવડે છે.

માનવશબની સાચવણી : ઘરમાં જૂજ સમય માટે શરીરને સાચવવા બરફના બ્લૉકનો ઉપયોગ થઈ શકે. જોકે એક સ્થળેથી બીજે સ્થળે શબને લઈ જવું હોય અથવા તો સહેજ લાંબા સમય સુધી શબને સાચવી રાખવું હોય તો વહેલી તકે શબના શરીરમાં ધમની વાટે  ફૉર્મેલિન, મર્ક્યુરિક ક્લોરાઇડ, ઝિંક ક્લોરાઇડ અથવા આલ્કોહૉલ જેવાં પ્રવાહી દ્રવ્યોનું અંત:ક્ષેપન કરવામાં આવે છે. તેના પરિણામે શબમાં થતી અપઘટન-ક્રિયા અત્યંત ધીમી બને છે. આ અવસ્થામાં 3–4 દિવસ સુધી શબને સાચવી રખાય છે.

શબને લવણમાં દાટવું : લવણમાં સૂક્ષ્મ જીવો નિષ્ક્રિય બને છે; તેથી શબની ફરતે લવણ પાથરવાથી શબનું અપઘટન ધીમું બને છે. ભારતના કેટલાક પ્રદેશોમાં શબને દાટવા પૂર્વે લવણથી ઢાંકી દેવામાં આવે છે.

લવણ વડે દરિયાઈ જલજીવોની સાચવણી : જલજીવોના બે થરો વચ્ચે લવણને પાથરવાથી દરિયાઈ જલજીવોનો થતો સડો અટકાવી શકાય છે.

2–3 મહિના અથવા તો સહેજ લાંબા સમય સુધી દરિયાઈ જલજીવોને સાચવવા સૌપ્રથમ તેમને સ્વચ્છ રીતે ધોઈ શક્ય બને તો તેમનાં અંતરંગોને કાઢી નાંખી, શરીર પર આડો ચીરો મૂકવામાં આવે છે. ત્યારબાદ તેમને થોડા કલાક લવણના પાણીમાં ડુબાડી રાખવામાં આવે છે. છેલ્લે શરીરમાંથી પાણી સાવ નીકળી જાય ત્યાં સુધી મૃત જલજીવોને સૂકવવામાં આવે છે.

અપઘટનરોધક પ્રવિધિ (embalming) વડે શબનું મમીમાં પરિવર્તન : શબને મમીમાં ફેરવવા માટે એક વિશિષ્ટ પ્રકારનો અપઘટન-રોધક પ્રવિધિ (embalming) કરવામાં આવતો હતો. આ વિધિ વડે શબ પર સંપૂર્ણપણે ઉપચાર કરવામાં 70 દિવસ જેટલો સમય લાગતો હતો. આ પ્રક્રિયામાં હૃદય અને મૂત્રપિંડ બાદ કરતાં બાકીનાં બધાં અંતરંગો કાઢી નાંખી ખાલી થયેલ ઉદરપ્રદેશની અંદરની જગ્યાએ શણનાં વણેલાં કપડાં, લાકડાનો વહેર (saw dust) જેવા પદાર્થોનું વ્યવસ્થિતપણે પ્રભરણ કરવામાં આવતું હતું. શબ સાવ સુકાઈ જાય ત્યાં સુધી તેના પર નેટ્રન (સોડિયમ કાર્બોનેટ) વડે ઉપચાર કરવામાં આવતો હતો. છેવટે આ શબને કપડાના પાટાઓથી લપેટી તેને કફનની અંદર મૂકવામાં આવતું હતું.

ગોવાના એક ચર્ચમાં આશરે 450 વર્ષ પૂર્વે મૃત્યુ પામેલ સંત ફ્રાન્સિસના કફનને પ્રદર્શિત કરવામાં આવેલું છે. આ કફનની ચારેય બાજુઓ કાચની હોવાથી તેની અંદર મૂકેલ પાર્થિવ શરીર બહારથી જોઈ શકાય છે. શરીર હવે સડાથી સહેજ અસરગ્રસ્ત થયેલું જોવા મળે છે.

ચર્મપૂરણ (taxidermy) : અપઘટન-રોધકની આ પ્રક્રિયામાં મૃત પ્રાણીના નીચેના ભાગમાંથી ચીરો મૂકી ખાલને કાળજીપૂર્વક ઉતારવામાં આવે છે. ત્યારબાદ ખાલની અંદરની સપાટીએથી દવાનો લેપ કરી તેને નિર્જલક બનાવવામાં આવે છે. શરીરમાં પ્રભરણ કરવા પૂર્વે અંદરના ભાગમાં લોઢાના સળિયા વડે જીવંત પ્રાણીના કંકાલના ઘાટનું માળખું બનાવવામાં આવે છે અને ચીરાવાળો ભાગ જણાઈ આવે નહિ તે પ્રમાણે માળખાને મઢી દેવામાં આવે છે. છેવટે કૃત્રિમ આંખ અને જીભ વડે તેને સુસજ્જ કરવામાં આવે છે, જેથી જાણે પ્રાણી જીવંત હોય તેવો આભાસ થાય છે. જુઓ પ્રાણીચર્મપૂરણ.

મ. શિ.દૂબળે