મૃત્યુ
ચેતાતંત્ર, રુધિરાભિસરણતંત્ર અને શ્વસનતંત્રની ક્રિયાઓનું કાયમી અને અનિવર્તનીય (irreversible) સ્વરૂપે એટલે કે ફરીથી શરૂ ન થઈ શકે તેવી રીતે બંધ થવું તે. અગાઉ તબીબો રુધિરાભિસરણ (circulation) સંપૂર્ણપણે બંધ થાય અને તેથી પ્રાણીય અને જૈવિક ક્રિયાઓ અટકી પડે તો તેને મૃત્યુ કહેતા હતા; પરંતુ કૃત્રિમ સાધનો વડે શ્વસન અને રુધિરાભિસરણને ચાલુ રાખી શકાતાં હોવાથી આ વ્યાખ્યા પર્યાપ્ત ગણાઈ નહિ. આવી કૃત્રિમ સહાય બંધ કર્યા પછી ઘણી વખત કુદરતી શ્વસનક્રિયા શરૂ ન પણ થાય અને તેથી તેવી સ્થિતિમાં તેમને બંધ કરવા અંગે નૈતિક અને કાયદાકીય સમસ્યાઓ પણ ઉદભવી છે. તેથી ડૉક્ટરે મૃત્યુ થયેલું જાહેર કરતાં કે પ્રમાણિત કરતાં પહેલાં ઉપર જણાવેલાં ત્રણેય પ્રમુખ શારીરિક તંત્રો કાયમી અને અનિવર્તનીય સ્વરૂપે કાર્ય કરતાં બંધ થયાં છે તેની ખાતરી કરવી પડે છે. આ ત્રણમાંથી કોઈ એક તંત્ર નિષ્ફળ જાય તો, તેમના આંતરસંબંધને કારણે, બીજાં બે તંત્રો પણ નિષ્ફળ જતાં હોય છે. જોકે આ લેખના પ્રથમ વાક્યમાં લખાયેલી અને ન્યાયતબીબી (medicolegal) વ્યાખ્યામાં પણ કૃત્રિમ સાધનો વાપરવા કરવા કે બંધ કરવા વિશે સ્પષ્ટ ઉલ્લેખ નથી. તેથી સામાન્ય રીતે આવી કૃત્રિમ-સાધનીય સહાય બંધ કરતાં પહેલાં એકથી વધુ વખત બીજા એક તબીબની સલાહ લેવાય છે અને તેને અંગે દર્દીનાં સગાં સાથે પણ ચર્ચા કરાય છે. સામાન્ય રીતે સળંગ 10 મિનિટ સાધન-સહાય બંધ કર્યા પછી જો દર્દીનાં પ્રમુખ તંત્રો કાર્ય શરૂ ન કરે તો તેને મૃત્યુ પામ્યો છે તેવું જાહેર કરી શકાય છે; કેમ કે, ત્યારબાદ ઑક્સિજનની ઊણપમાં દર્દીના મગજના કોષોનું આણ્વિક જીવન (molecular life) સંભવિત નથી. મૃત્યુની જાહેરાત અને પ્રમાણિત કરવાની ક્રિયા થયા પછી વ્યક્તિની અંત્યેષ્ટિ કરી શકાય છે. વળી મૃત્યુક્ષણ નિશ્ચિત કરવાથી તેના તંદુરસ્ત અવયવોનું જો પ્રતિરોપણ (transplantation) કરવાનું હોય તો તે માટેની સમયમર્યાદા અંગે પણ સ્પષ્ટ નિર્ણય લઈ શકાય છે.
મૃત્યુની સંભવિત સ્થિતિમાં મૃત્યુ ન થયું હોય તો તબીબ તે રોકવાનો પ્રયત્ન કરે છે અને જો મૃત્યુ નીપજ્યું હોય તો તેનું ચોક્કસ નિદાન કરીને ખાતરી કર્યા પછી તેની જાહેરાત કરે છે, મૃત્યુનું સંભવિત કારણ નિશ્ચિત કરે છે તથા મૃત્યુની ક્ષણ કઈ છે તે પ્રમાણિત કરે છે. તબીબને મૃત્યુની જાહેરાત મૃતકનાં સગાંવહાલાં આગળ કરવાની રહે છે, જે ઘણું પીડાકારક હોય છે. વ્યક્તિનાં રુધિરાભિસરણ અને શ્વસન સંપૂર્ણપણે, કાયમી અને અનિવર્તનીય રીતે બંધ થાય છે તેની ખાતરી કર્યા પછી જ મૃત્યુની જાહેરાત કરવી એવું ખાસ સૂચવાય છે. તેમાં કોઈ નૈદાનિક ક્ષતિ ન થઈ જાય તેની ખાસ તકેદારી રખાય છે.
દૈહિક મૃત્યુ (somatic death) અને આણ્વિક મૃત્યુ (molecular death) : આગળ જણાવેલાં ત્રણેય શારીરિક તંત્રોના કાર્યાંત(cessation of function)ને દૈહિક, નૈદાનિક (clinical) કે તંત્રીય (systemic) મૃત્યુ કહે છે. દૈહિક મૃત્યુ સાથે શરીરના કોષો, પેશીઓ અને અવયવોને ઑક્સિજનનો પુરવઠો મળતો બંધ થાય છે તેને કારણે શરીરનો દરેક કોષ મૃત્યુ પામવા માંડે છે. કોષના મૃત્યુને કોષીય (cellular) અથવા આણ્વિક (molecular) મૃત્યુ કહે છે. જુદા જુદા કોષો જુદા જુદા સમયે મૃત્યુ પામે છે. સૌપ્રથમ મગજના કોષો મૃત્યુ પામે છે. પ્રથમ 5 મિનિટમાં મગજના કોષો મૃત્યુ પામે છે, તો સ્નાયુકોષોનું મૃત્યુ 1 કલાકથી માંડીને થોડાક કલાકો સુધી ચાલે છે. રુધિરકોષો તથા આંખની કીકીનું સ્વચ્છા (cornea) નામનું પારદર્શક આવરણ 5 કલાક બાદ મૃત્યુ પામે છે. હૃદય, યકૃત અને મૂત્રપિંડ વહેલાં મૃત્યુ પામે છે; જ્યારે તંતુપેશી (fibrous tissue) લાંબું જીવે છે. જીવન દરમિયાન જે અવયવોને વધુ લોહી જોઈતું હોય તેઓ વહેલાં મૃત્યુ પામે છે. દૈહિક અને આણ્વિક મૃત્યુ સમયમાંના તફાવતને કારણે વ્યક્તિના મૃત્યુ પછી યોગ્ય સમયગાળામાં તેની પેશીઓ કે અવયવો કાઢી લઈને તેમનું પ્રતિરોપણ કરી શકાય છે. તેથી મૃત્યુ પછી તુરત દર્દીનું લોહી કે તેની સ્વચ્છા (નેત્રદાન માટેની પેશી) લઈ શકાય છે; પરંતુ હૃદય, યકૃત કે મૂત્રપિંડને રુધિરાભિસરણ અટકે તે પહેલાં કાઢી લેવાં પડે છે; કેમ કે તેઓ લોહીના પુરવઠા વગર ટકી શકતાં નથી. રુધિરાભિસરણ ચાલુ હોય તો વ્યાખ્યાની ર્દષ્ટિએ દર્દીનું દૈહિક મૃત્યુ થયેલું ગણાતું નથી અને તેથી મસ્તિષ્કી મૃત્યુ(brain death)ની સંકલ્પના ઉદભવી છે. મગજનું કાર્ય કાયમી અને અનિવર્તનીય રીતે બંધ થઈ જાય તો કૃત્રિમ રીતે શ્વસન અને રુધિરાભિસરણને ચાલુ રખાય છે. આવી સ્થિતિને મસ્તિષ્કી મૃત્યુ કહે છે અને તે સમયે હૃદય, મૂત્રપિંડ કે યકૃતમાં લોહીનો તથા ઑક્સિજનનો પુરવઠો ચાલુ રાખી શકાય છે. આવી સ્થિતિમાં આ અવયવોને પ્રતિરોપણ માટે કાઢી શકાય છે. તે સુસ્પષ્ટ છે કે આવી સ્થિતિમાં (એટલે કે મગજને લોહી મળતું રહે તેવી સ્થિતિ હોય તો જ તેવામાં) જ મગજને પ્રતિરોપણ માટે કાઢી શકાય, માટે હાલ મગજનું પ્રતિરોપણ સંભવિત નથી.
મસ્તિષ્કી મૃત્યુ (brain death) : મગજનાં કાર્યો બંધ થવાથી દૈહિક મૃત્યુની શરૂઆત થાય ત્યારે તે સ્થિતિને મસ્તિષ્કી મૃત્યુ કહે છે, તેમાં મસ્તિષ્કી બાહ્યક (cerebral cortex) તથા મસ્તિષ્કી પ્રકાંડ(brain stem)ના મૃત્યુનો સમાવેશ થાય છે. વિવિધ ચેતાતંત્રીય પરીક્ષણો દ્વારા તેનું નિદાન થાય છે. મસ્તિષ્કી મૃત્યુની જાહેરાતમાં ક્ષતિપૂર્ણ નિદાન (misdiagnosis) ન થાય તેનું ખાસ ધ્યાન રખાય છે.
જૈવ નિલંબન (suspended animation) : તેને મૃત્યુસમ સ્થિતિ (apparent death) પણ કહે છે. તેમાં સામાન્ય પરીક્ષણોની મદદથી ચેતાતંત્ર, શ્વસનતંત્ર અને રુધિરાભિસરણતંત્રનું કાર્ય ચાલુ છે એવું નિશ્ચિત થતું નથી અને તેઓ પોતાની મેળે કે યોગ્ય પુન:સંજીવન ક્રિયા(resuscitation) વડે પાછા સચેત બને છે. આવું વિદ્યુત્-હનન (electrocution) કે ડૂબવાની સ્થિતિમાં થાય છે. કેટલાક ભારતીય યોગીઓ પણ તેમના શ્વસન અને રુધિરાભિસરણનાં તંત્રોને એટલી હદે ધીમાં કરી દે છે કે તેઓ પણ મૃત્યુસમ-સ્થિતિમાં આવે છે. આવી સ્થિતિને સ્વૈચ્છિક જૈવ નિલંબન (voluntary suspended animation) કહે છે; જ્યારે વિદ્યુત્-હનન અને ડૂબવાની સ્થિતિમાં થતા જૈવ નિલંબનને અનૈચ્છિક (involuntary) પ્રકારની સ્થિતિ કહે છે.
કુદરતી મૃત્યુ : કુદરતી પ્રક્રિયાઓ કે સ્થિતિને કારણે થતા મૃત્યુને કુદરતી મૃત્યુ કહે છે; જેમ કે, વૃદ્ધાવસ્થા, દુર્બળતા સર્જતી માંદગી કે રોગને કારણે થતું મૃત્યુ કુદરતી મૃત્યુ ગણાય છે. રોગને કારણે મૃત્યુ થાય તો મૃત્યુ પહેલાં રોગનું નિદાન સુનિશ્ચિત થયેલું હોવું જોઈએ.
અચાનક મૃત્યુ (sudden death) : ઈજા, ઝેર, શ્વાસની રૂંધામણ(asphyxia)ને કારણે નહિ પરંતુ 24 કલાકમાં ઝડપથી તીવ્રતા પ્રાપ્ત કરતા રોગનાં લક્ષણોથી થતા મૃત્યુને અચાનક થયેલું મૃત્યુ કહે છે. અચાનક થતાં મૃત્યુ કુદરતી કારણે થાય છે. ક્યારેક આવા સંજોગોમાં મૃત્યુનું કારણ જાણવા માટે શબપરીક્ષણ (postmortem examination) કરવાનું સૂચવવું પડે છે. જો મૃત્યુનું કોઈ અકુદરતી કારણ જાણમાં હોય તો તેને અચાનક થયેલું મૃત્યુ કહેવાતું નથી. આશરે 10 % કિસ્સામાં અચાનક મૃત્યુ થાય છે. તેમાંના મોટા ભાગના કિસ્સામાં હૃદય અને રુધિરાભિસરણના રોગો કે વિકારો કારણરૂપ હોય છે (45 %); જ્યારે 20 % કિસ્સામાં શ્વસનતંત્રના રોગો, 15 % કિસ્સામાં ચેતાતંત્રના રોગો, 6 % કિસ્સામાં જઠર-આંતરડાના રોગો, 4 % કિસ્સામાં જનન-મૂત્રમાર્ગના રોગો અને 10 % કિસ્સામાં પ્રકીર્ણ કારણો હોય છે.
મૃત્યુમાં પરિણમતી સ્થિતિઓ (mode of death) : મૃત્યુ સર્જતી સ્થિતિની શરૂઆત ચેતાતંત્ર, રુધિરાભિસરણતંત્ર કે શ્વસનતંત્રની ક્રિયાનિષ્ફળતા(અનુપાત, failure)માંથી થાય છે. તેથી આ ત્રણમાંથી કોઈ એકની પ્રથમ ઉદભવતી નિષ્ફળતા અંતે મૃત્યુમાં પરિણમે છે. ચેતાતંત્રીય નિષ્ફળતા – ગાઢ બેભાનાવસ્થા અથવા અચેતના (coma), રુધિરાભિસરણીય નિષ્ફળતા-મૂર્ચ્છા (syncope) અને શ્વસનતંત્રીય નિષ્ફળતા–શ્વાસરૂંધામણ (asphyxia) – એમ ત્રણમાંથી કોઈ એક મૃત્યુદાયક સ્થિતિ અંતે મૃત્યુમાં પરિણમે છે.
અચેતના(coma)ની સ્થિતિમાં સંપૂર્ણ કે અપૂર્ણપણે સભાનાવસ્થા ઘટે છે. જ્યારે કોઈ પણ પ્રકારનો પ્રતિભાવ પ્રાપ્ત ન થાય તેવી સ્થિતિને પ્રગાઢ અચેતના (deep coma) કહે છે. જો દર્દી અપૂર્ણપણે બેભાન હોય અને જો તે પીડાકારક ઉત્તેજના માટે પ્રતિભાવ આપે તો તેને આંશિક અચેતના (partial coma) કહે છે. પ્રગાઢ અચેતનામાં બધી ચેતાપરાવર્તી ક્રિયાઓ જતી રહે છે, જ્યારે આંશિક અચેતનામાં ચેતાપરાવર્તી ક્રિયાઓ સામાન્ય પ્રકારની, ધીમી કે ક્યારેક અતિ-ત્વરિત (brisk) થાય છે. માથાને થતી ઈજામાં મગજને નુકસાન થાય, મગજમાં લોહી વહે, મગજ પર સોજો આવી જાય, મગજ કે તેનાં આવરણોમાં ચેપ લાગે કે ગૂમડું થાય, મગજમાં ગાંઠ થાય, મધુપ્રમેહ કે મૂત્રપિંડની નિષ્ફળતામાં મગજનું કાર્ય ક્ષતિપૂર્ણ બને, મગજના રુધિરાભિસરણમાં અટકાવ આવે, મગજ પર અસર કરે તેવી દવાઓ(દા.ત., અફીણ, બાર્બીચ્યુરેટ, નિશ્ચેતકો વગેરે)નો કુપ્રયોગ થાય તથા આંચકી આવે કે અતિશય ગરમીને કારણે વિકાર થાય તો બેભાનાવસ્થા (અચેતના) થાય છે. શસ્ત્રક્રિયા માટે દર્દીને બેહોશ (નિશ્ચેતના) કરવા માટે વપરાતાં ઔષધોને નિશ્ચેતકો (anaesthetic agents) કહે છે.
સારણી 1 : અચાનક મૃત્યુનાં કારણો
શારીરિક તંત્ર | રોગ કે વિકાર | |
1. | હૃદય અને રુધિરાભિસરણતંત્ર | હૃદયરોગનો હુમલો અથવા હૃદ્-સ્નાયુ પ્રણાશ (myo-cardial infarction), હૃદયના વાલ્વ (કપાટ)ની વિકૃતિઓ, જન્મજાત હૃદયરોગો, હૃદયની આસપાસના આવરણમાં ચેપ (પરિહૃદ્શોથ, pericarditis), હૃદયમાં ચેપ (હૃદયશોથ, carditis) વગેરે. |
2. | શ્વસનતંત્ર | જુદા જુદા કારણે ગળફામાં સખત લોહી પડવું, ડિફ્થેરિયા, ન્યુમોનિયા તથા અન્ય ચેપી રોગો, વાત-સ્થાનાંતરિતતા (air–embolism), સ્વરપેટીનો સોજો, ફેફસામાં પાણી ભરાવું (ફેફસી શોફ, pulmonary oedema), ફેફસી નિપાત (lung collapse), શ્વસનમાર્ગમાં બાહ્ય પદાર્થ, ફેફસાનું ગૂમડું કે કૅન્સર. |
3. | ચેતાતંત્ર | મગજમાં લોહી વહે કે તેની નસમાં લોહી જામી જાય, તાનિકાશોથ (meningitis), મસ્તિષ્કશોથ (encephalitis), અપસ્માર (epilepsy), મગજમાં ગાંઠ કે ગૂમડું |
4. | જઠર-આંતરડાના રોગો | જઠર કે આંતરડામાં રુધિરસ્રાવ (લોહી વહેવું), સારણગાંઠમાં શ્વસનરોધીકરણ(strangulation)ને કારણે આંતરડાના કોઈ ભાગનો પેશીનાશ (gangrene), ઉગ્ર આંત્રપુચ્છશોથ (acute appendicitis), આંતરડામાં અવરોધને કારણે અટકાવ (આંત્રરોધ, intestinal obstruction), યકૃતનું ગૂમડું કે મોટી થયેલી બરોળનું ફાટવું, જઠર-આંતરડામાં કાણું પડવું, ઉગ્ર રુધિરસ્રાવી સ્વાદુપિંડ- શોથ (acute haemorrhagic pancreatitis) |
5. | પ્રજનન-મૂત્રમાર્ગના રોગો | વિષમસ્થાની સગર્ભાવસ્થામાં ગર્ભાશય-નળીનું ફાટવું, સગર્ભાવસ્થાની વિષરુધિરતા (toxaemia of pregnancy), ગર્ભાશયમાંથી પુષ્કળ લોહી વહી જવું, અંડપિંડની કોષ્ઠ(cyst)નું અમળાઈ જવું (twisting), મૂત્રપિંડમાં પથરી |
6. | પ્રકીર્ણ કારણો | દવાઓ સામે આઘાત (shock) સર્જતી ઍલર્જી, લોહી ચડાવ્યા પછી થતી પ્રતિક્રિયા, લોહીના કોષોના વિકારો, મસ્તિષ્કી મલેરિયા, બહુવિસ્તારી ચેતા(vagus nerve)ના ઉત્તેજનને કારણે હૃદય-સ્તંભન (cardiac arrest) |
હૃદય અને રુધિરાભિસરણના રોગો, અતિશય રુધિરસ્રાવ, હૃદય પર ઝેરી અસર કરતાં ઔષધો કે રસાયણો, હૃદયના ધબકારાનું નિયંત્રણ કરતી બહુવિસ્તારી ચેતા(vagus nerve)નું ઉત્તેજન વગેરે વિવિધ સ્થિતિઓમાં મૂર્ચ્છા થાય છે (જુઓ મૂર્ચ્છા). શ્વસનરુંધન (asphyxia) અથવા શ્વાસમાં રૂંધામણ થાય ત્યારે લોહી દ્વારા પૂરતા પ્રમાણમાં ઑક્સિજનનું વહન થતું નથી અને તેથી મગજ, હૃદય તથા અન્ય અવયવો અને પેશીઓને ઑક્સિજન મળતો અટકે છે. તેનાં કારણોને ભૌતિક, રાસાયણિક તથા જૈવિક એમ – 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. ભૌતિક કારણોમાં ગળા આસપાસ દોરડું કે અન્ય પદાર્થ વડે દબાણ થાય (ફાંસી થવી કે ગળચી દબાવવી), શ્વસનછિદ્રો(નસકોરાં)ને બંધ કરી દેવાં (ગૂંગળામણ), શ્વસનમાર્ગમાં અંદરથી અવરોધ થવો (ડૂબવું, ગળામાં કશુંક ફસાવું) અથવા છાતી પર બહારથી દબાણને કારણે શ્વાસ ન લઈ શકાવો વગેરેનો સમાવેશ થાય છે. રાસાયણિક દ્રવ્યો તેમની ઝેરી અસર વડે શ્વસનરુંધન કરે છે. અફીણ, બાર્બીચ્યુરેટ્સ, અંગારવાયુ, હાઇડ્રોજન સલ્ફાઇડ, ક્લૉરોફૉર્મ, બ્રોમાઇડ વગેરે દ્રવ્યો શ્વસનકેન્દ્રોનું અવદાબન કરે છે. ક્લોરિન, સલ્ફરડાયોક્સાઇડ, નાઇટ્રિક ઍસિડ, હાઇડ્રૉક્લૉરિક ઍસિડ, એમોનિયા વગેરે વાયુસ્વરૂપે શ્વસનમાર્ગનું ક્ષોભન (irritation) કરે છે; જ્યારે ફૉસ્જિન, કાર્બન મૉનોક્સાઇડ અને સાયનાઇડ ઑક્સિજનના લોહી દ્વારા કરાતા વહનને વિષમ કરે છે. હવામાં ઑક્સિજન ઓછો હોય (ઊંચાઈ પર કે ખાણની ઊંડાઈ વગેરેમાં) તો પણ શ્વસનરુંધન થાય છે. કુરારે અને નાગવિષ જેવાં દ્રવ્યો શ્વાસોચ્છવાસના સ્નાયુઓનો લકવો કરે છે. આમ વિવિધ રાસાયણિક ઘટકો શ્વસનરુંધન કરે છે. જૈવિક કારણોમાં ફેફસાં અને શ્વસનમાર્ગના રોગો અને ફેફસાંને થતી ઈજા મુખ્ય છે. ક્યારેક શરીરના અન્ય ભાગોમાં ઈજા થાય અને તેના કારણે હવાના પરપોટા અને શરીરમાંની ચરબીના ગોટા સ્થાનાંતરિત થઈને ફેફસાંની ધમનીમાં અટકાવ આણે છે. તેમને અનુક્રમે વાત-સ્થાનાંતરિતતા (air embolism) તથા મેદ-સ્થાનાંતરિતતા (fat embolism) કહે છે.
શ્વસનરુંધનની સ્થિતિમાં 3 તબક્કા હોય છે. દુ:શ્વસન (શ્વાસ લેવામાં તકલીફ – dyspnoea), સંગ્રહણ (આંચકી કે વાઈ આવવી- convulsion) અને શ્વસનશ્રાંતિ (શ્વાસોચ્છવાસની ક્રિયામાં થાક લાગવો, respiratory exhaustion). સૌપ્રથમ કારક પરિબળ (ભૌતિક, રાસાયણિક કે જૈવિક)ને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને તેથી CO2નું લોહીમાં પ્રમાણ વધે છે ત્યારે પહેલું દુ:શ્વસન થાય છે. વધુ પડતા CO2ના ભરાવા સાથે નાડીના ધબકારા અને લોહીનું દબાણ વધે છે. ગળાની નસો ફૂલે છે અને નખ તથા હોઠ ભૂરા પડે છે (નીલિમા, cyanosis), ઉચ્છવાસમાં વધુ શ્રમ પડે છે અને તેથી આંચકી (ખેંચ કે વાઈ) આવી જાય છે. છેવટે શ્વસનકેન્દ્રનું અવદાબન થાય છે, દર્દી ડચકાં લે છે (gasping), તેનો શ્વસનદર ઘટે છે, સ્નાયુ શિથિલ થઈ જાય છે, ગાઢી નીલિમા થાય છે અને આંખની કીકીમાંનું છિદ્ર (કનીનિકા, pupil) પહોળું થઈ જાય છે. શ્વસન-હૃદય અંગેના અગત્યનાં ચેતાકેન્દ્રો નિષ્ફળ જાય છે અને મૃત્યુ નીપજે છે.
શબપરીક્ષણમાં જોવા મળતાં ચિહ્નો : અચેતનતા, મૂર્ચ્છા કે શ્વસનરુંધનને કારણે થયેલા મૃત્યુમાં જે તે પ્રક્રિયા કરાવતા કારણરૂપ ઘટક કે પરિબળની હાજરીનાં ચિહ્નો મૃત શરીર પર જોવા મળે છે; દા.ત., ઈજા, ચેપ, ગાંઠ વગેરે. જો ઝેરી પદાર્થને કારણે મૃત્યુ નીપજ્યું હોય તો શંકાસ્પદ અવયવો અને લોહીની વિશિષ્ટ પરીક્ષણશાળા(laboratory)માં તપાસ કરાય છે. ત્યાં તથા રાસાયણિક વિશ્લેષણ અથવા પૃથક્કરણ (chemical analysis) વડે નિદાન કરી શકાય છે. શ્વસનરુંધન પછી ગાઢી નીલિમા (ભૂરો-જાંબલી રંગ) જોઈ શકાય છે. ખાસ કરીને આંગળીની ટોચ, નખ નીચેની ગાદી, કાનની બુટ્ટી અને હોઠ. મોં રુધિરભારિત (congested) થયેલું હોય છે અને હિંસક મૃત્યુમાં કપાળ, આંખનાં પોપચાં અને નેત્રકલા(conjunctiva)માં ટાર્ડુનાં બિંદુઓ (Tardieu’s spots) જોવા મળે છે. ક્યારેક આંખ અને જીભ બહાર આવી ગયેલાં હોય છે તથા મળ, મૂત્ર અને વીર્યનો બહિ:સ્રાવ થયેલો જોવા મળે છે. ફાંસી, દોરડે લટકાવવું કે દોરડાથી ગળે ટૂંપો દેવાયો હોય તો તેનાં નિશાન ગળા પર પણ જોવા મળે છે. ગૂંગળાવી દેવાના પ્રયત્ન પછી નાક પર તેવી જ રીતે ચિહ્નો જોવા મળે છે. ડૂબી ગયેલા મૃતકના મોંમાંથી ફીણ નીકળેલું હોય છે. તે ફેફસામાં પાણી ભરાયાનું સૂચન કરે છે. અંદરના અવયવોમાં લોહી અને લોહીના કોષો ભરાય છે, તેને રુધિરભારિતા (congestion) કહે છે. ફેફસામાં પાણી ભરાય છે, ફેફસાં, હૃદય, મગજ તથા તેમનાં આવરણો પર પણ ટાર્ડુનાં બિંદુઓ જોવા મળે છે.
મૃત્યુ પછી શરીરમાં ઉદભવતા ફેરફારો : મૃત્યુ પછી મૃતકના શરીર(શબ)માં આવતા ફેરફારો દૈહિક અને આણ્વિક મૃત્યુ – એમ બંને પ્રકારના હોય છે. તેમાંના કેટલાક વહેલા તો કેટલાક મોડેથી જોવા મળે છે. તેમના અભ્યાસ વડે મૃત્યુનું કારણ, હિંસક મૃત્યુમાં તે માટે વપરાયેલા સાધનનો પ્રકાર, મૃત્યુનો સમય, તે સમયની મૃતકની હૃદ્સ્થિતિ વગેરે વિવિધ ન્યાય-તબીબીવિદ્યા સંબંધિત બાબતોની જાણકારી મળી શકે છે. તુરત જોવા મળતા ફેરફારોમાં ચેતાતંત્ર, શ્વસનતંત્ર અને રુધિરાભિસરણતંત્રના કાર્યનું સ્તંભન છે શરૂઆતના ગાળામાં, ત્યાર બાદ મોઢા પર ફિકાશ આવે છે, ચામડીની સ્થિતિ-સ્થાપકતા ઘટે છે અને ચહેરા પરની કરચલીઓ પણ ઓછી થાય છે, સ્નાયુઓનું પ્રારંભિક શિથિલન (primary relaxation) થવાથી તે ઢીલા પડે છે. જ્યાં પણ સ્પર્શ કરવામાં આવે ત્યાં ફિકાશ આવે છે અને તે ભાગ ચપટો થઈ જાય છે. આંખોમાં ફેરફાર આવે છે. શરીર ઠંડું પડવા માંડે છે તથા મરણોત્તર અક્કડતા (rigor mortis અથવા postmortem rigidity) થવાને કારણે શરીર અક્કડ બનવા માંડે છે. મોડેથી થતા ફેરફારોમાં કોહવાટ (putrefacton) અથવા સામાન્ય વિઘટન (ordinary decompostion), મેદવિઘટન(adepocere)ના ફેરફારો તથા શબશુષ્કન(mummification)ની ક્રિયાઓ થાય છે. મેદવિઘટન અને શબશુષ્કન વિશિષ્ટ પ્રકારનાં વિઘટનો છે.
(અ) તાત્કાલિક ફેરફારો (immediate changes) : ચેતાતંત્ર શ્વસનતંત્ર અને રુધિરાભિસરણતંત્રના કાર્યસ્તંભનને કારણે મૃત્યુનું નિદાન સૂચવતાં ચિહ્નો અને લક્ષણો ઉદભવે છે. ચેતાતંત્રીય કાર્યસ્તંભનને કારણે સંવેદનાલક્ષી અને હલનચલનલક્ષી ક્રિયાઓ અટકે છે, ચેતાપરાવર્તી ક્રિયાઓ બંધ થઈ જાય છે, બાહ્ય ઉત્તેજનાઓ તરફ પ્રતિભાવ બંધ થઈ જાય છે, સ્નાયુઓની સજ્જતા (tonicity) જતી રહે છે અને કીકી(pupil)નું છિદ્ર એકદમ પહોળું થઈ જાય છે. શ્વસનતંત્રના કાર્યના સ્તંભનને કારણે છાતીનું હલનચલન (ફૂલવું અને પાછું બેસવું) બંધ થાય છે, જે નિરીક્ષણ (inspection) અને સંસ્પર્શન(palpation)ની પ્રક્રિયાથી જાણી શકાય છે. સંશ્રવણન(auscultation)ની ક્રિયા વડે શ્વાસોચ્છવાસનો ધ્વનિ બંધ થઈ ગયો છે તે પણ જાણી શકાય છે. નાક આગળ રૂ, પીંછુ કે દર્પણ ધરીને શ્વાસોચ્છવાસ બંધ થયો છે તેની ખાતરી કરી શકાય છે. છાતી પર પાણી ભરેલી વાડકી મૂકીને છાતીનું હલનચલન બંધ છે તેની ખાતરી કરી શકાય છે. આને અનુક્રમે પીંછા કસોટી (રૂ અને પીંછુ), દર્પણ કસોટી તથા વિન્સલોની કસોટી (પાણી ભરેલી વાડકી) કહે છે. કાંડું, કોણી, જાંઘ અને ગળા પર આંગળીઓ મૂકીને નાડીના ધબકારા બંધ થયા છે તેની ખાતરી કરી શકાય છે. ક્યારેક તબીબના આંગળાની ટોચ પરના રુધિરાભિસરણને કારણે તેને ધીમા ધબકારા ચાલુ છે એવું લાગે છે. છાતીનું સંસ્પર્શન અને સંશ્રવણન કરીને હૃદયના ધબકારા બંધ થયા છે તેવું નિશ્ચિત કહી શકાય છે. હાથની એક બાજુથી ટોર્ચ વડે પ્રકાશ નાંખવામાં આવે તો જીવિત વ્યક્તિમાં તે ગુલાબી અને અર્ધપારદર્શક લાગે છે, જ્યારે મૃતકનો હાથ પીળો અને લગભગ અપારદર્શક (opaque) લાગે છે. તેને પારપ્રકાશન(transillumination)ની કસોટી કહે છે. હાથ પર શિરામાંનું રુધિરાભિસરણ અટકે એટલું દબાણ કરાય તો હાથના દૂરના ભાગની શિરાઓ લોહી ભરાવાથી ફૂલે છે; આવું જીવિત વ્યક્તિમાં થાય છે, પણ મૃતકના શરીરમાં થતું નથી. તેને મેગ્નસ કસોટી કહે છે. ઇકાર્ડ(Icard)ની કસોટીમાં દીપ્તિદાયક દ્રાવણ(fluorescein solution)ને ચામડીમાં ઇન્જેક્શન દ્વારા અપાય છે. જીવિત વ્યક્તિમાં તે રુધિરાભિસરણ દ્વારા દૂર સુધી જાય છે, જ્યારે મૃતકમાં તે તે જ સ્થળે થોડું ફેલાય છે. નખદાબ કસોટી(nail pressure test)માં નખ પર દબાણ કરવાથી ત્યાં ઉદભવતી ફિકાશ પછી જીવિત વ્યક્તિમાં ફરી લાલાશ થાય છે, જ્યારે મૃતકમાં તે ભાગ ફિક્કો જ રહી જાય છે. કાપછેદ કસોટી(cut test)માં શરીર પર કાપો મૂકવાથી જીવિત વ્યક્તિમાં બહાર લોહી વહે છે, જ્યારે મૃતકમાં તેમ થતું નથી. ઉષ્ણતા કસોટી(heat test)માં ચામડીનો જે ભાગ થોડો સમય ગરમ કર્યો હોય ત્યાં જીવિત વ્યક્તિને લાલાશ તથા પાછળથી ફોલ્લો થાય છે. મૃતકમાં આવું બનતું નથી. તેવી રીતે હૃદયનો વીજાલેખ (વીજહૃદાલેખ, electrocardiogram, ECG) લેવામાં આવે તો મૃતકમાં તે એક સીધી લીટીના રૂપે હોય છે, જ્યારે જીવિત વ્યક્તિમાં તે જુદા જુદા તરંગો દર્શાવે છે.
(આ) શરૂઆતના ફેરફારો (early changes) : રુધિરાભિસરણ ઘટવાથી મૃતકનું મોઢું ફિક્કું થાય છે. ચામડીના સ્નાયુઓની શિથિલતાને કારણે ચામડીની સ્થિતિસ્થાપકતા અને મોં પરની કરચલીઓ જતી રહે છે. પ્રારંભિક શિથિલનને કારણે સ્નાયુઓ અને સાંધા ઢીલા પડે છે અને છાતી બેસી જાય છે. આ સમયે સ્નાયુઓનું આણ્વિક મૃત્યુ થયેલું હોતું નથી અને તેથી તેઓ વિદ્યુત ઉત્તેજનાઓને પ્રતિભાવ આપે છે તથા તેમની રાસાયણિક પ્રતિક્રિયા આલ્કેલાઇન હોય છે. મૃતશરીર જે સ્થિતિમાં પડ્યું હોય તે પ્રમાણે તે આસપાસની વસ્તુ કે જમીનના સંપર્કમાં આવે છે. આવાં સંપર્કસ્થાનોએ મૃતક શરીર ચપટું અને ફિક્કું બને છે. મરણોત્તર અક્કડતાના સમયે પણ સંપર્કસ્થાનોનું ચપટાપણું અને ફિકાશ જળવાઈ રહે છે. તેથી તબીબી ન્યાયવિદ્યાના સંદર્ભે મૃત્યુ પછી શરૂઆતના સમયમાં શરીર કેવી રીતે ગોઠવાઈને પડ્યું હશે તેની જાણકારી મેળવી શકાય છે.
મૃત્યુ પછી આંખમાં આવતા ફેરફારો, શરીરનું ઠંડું પડવું, ચામડીના રંગમાં પડતો તફાવત તથા મરણોત્તર અક્કડતા વગેરે 4 મુખ્ય બાબતોનો અભ્યાસ કરીને બહુ મહત્વની ન્યાય-તબીબી માહિતી મેળવી શકાય છે. આંખને લગતી ચેતાપરાવર્તી ક્રિયાઓ બંધ થાય છે, કનીનિકા પહોળી થાય છે. થોડા સમય સુધી આંખમાં દવાનાં ટીપાં નાંખીને કનીનિકાને પહોળી કે સાંકડી કરી શકાય છે (2થી 9 મિલીમીટર). મૃત્યુ પછી આંખનાં પોપચાં ઢળી પડે છે અને કીકીના પારદર્શક આવરણ-સ્વચ્છા(cornea)માં ઝાંખપ આવે છે. જો આંખ ખુલ્લી હોય તો 15 મિનિટમાં આવી ઝાંખપ આવે છે, જે પાણીનું ટીપું નાંખવાથી જતી રહે છે. 10થી 12 કલાક પછી વિઘટનને કારણે ઉદભવતી ઝાંખપ કાયમી બની જાય છે. આંખની કનીનિકા પહોળી થાય છે અને બંને આંખની કનીનિકાઓ એકસરખા કદ અને આકારની રહેતી નથી. આંખમાંનો તણાવદાબ (tension) ઝડપથી ઘટીને 1/2 કલાકમાં શૂન્ય થઈ જાય છે. આંખ જો ખુલ્લી રહે તો આંખનું બહારનું સફેદ આવરણ 2થી 3 કલાકમાં પીળું પડે છે અને 2થી 3 દિવસમાં છીંકણી બને છે. બંને આંખમાં કીકીની કિનારીથી નાક તરફ અને કાન તરફ જતા આવા રંગના ત્રિકોણો બને છે, જેની ઊપલી અને નીચલી બાજુઓ પોપચાથી ઢંકાયેલી હોય છે અને પાયો (base) કીકીની કિનારી હોય છે. આ બધા જ નેત્રીય ફેરફારોનું ન્યાયતબીબી મહત્વ ઓછું છે. પરંતુ આંખના ર્દષ્ટિપટલ(retina)માં થતા ફેરફારોને મૃત્યુસમયની ગણતરી માટે મહત્ત્વના ગણાય છે.
મૃત્યુ પછી તરત જ ર્દષ્ટિપટલ અને નેત્રવાહિનીજાળ(choroid plexus)માં ફેરફારો થાય છે, જે 12 કલાક સુધી ચાલુ રહે છે. 10–15 સેકંડમાં ર્દષ્ટિપટલ-શિરાઓ(retinal veins)માં વિખંડિકાઓ (segments) બને છે અને તે કેન્દ્ર તરફ ખસીને સ્થિર થાય છે. 2 કલાકમાં ર્દષ્ટિપટલ ફિક્કું થાય છે, ર્દષ્ટિચકતી (optic disc) પીળી લાગે છે અને ર્દષ્ટિબિંદુ (maccula) ગાઢું બને છે. ત્યારબાદ ધીમે-ધીમે છીંકણી–લાલ રંગની વાહિનીજાળ ઝાંખી થવા માંડે છે, જે ત્રીજા કલાકથી શરૂ થઈને 5મા કલાક સુધી થયા કરે છે. પાંચમે કલાકે તે પણ ઝાંખી અને ફિક્કી બને છે. છઠ્ઠા કલાકે ર્દષ્ટિચકતી ઝાંખી થાય છે. નાની નસો અસ્પષ્ટ બને છે અને ર્દષ્ટિપટલ પીળો પડવા માંડે છે, જે 7થી 10 કલાક સુધીમાં આખો પીળો થઈ જાય છે અને ર્દષ્ટિચકતી અલગ રીતે દેખાતી નથી. 12 કલાક બાદ ર્દષ્ટિપટલમાં કશું અલગ પાડી શકાતું નથી. આ બધું જ એકસરખું લાગવા માંડે છે. ફકત ર્દષ્ટિબિંદુ ગાઢા છીંકણી રંગથી અલગ પડે છે. ર્દષ્ટિપટલના આ ફેરફારો પ્રથમ 12 કલાક માટે જ મહત્વના છે અને તેમનું નિદાન નિષ્ણાત તબીબ નેત્રાંત:દર્શક (opthalmoscope) વડે જ કરી શકે છે. માટે ર્દષ્ટિપટલના ફેરફારોની મદદથી મૃત્યુનો સમય નિશ્ચિત કરવાનું ભાગ્યે જ બને છે.
શબનું તાપમાન ધીમે-ધીમે ઘટીને વાતાવરણના તાપમાન જેટલું બને છે. તેથી શબનું તાપમાન જાણીને મૃત્યુનો સમય નક્કી કરી શકાય છે. શરીરની અંદરના ભાગનું તાપમાન જાણવાથી વધુ સારી માહિતી મળે છે. તે માટે મળાશયમાં કે પેટ પર છેદ કરીને યકૃતની નીચે થરમૉમિટર મૂકીને તાપમાન મેળવવામાં આવે છે. તાપમાનના ઘટાડાનો સરેરાશ દર સારણી 2માં દર્શાવ્યો છે.
વાતાવરણનું તાપમાન, મૃતશરીર જ્યાં રખાયું હોય ત્યાંનું તાપમાન (જમીન પર, જમીનમાં કે પાણીમાં), શારીરિક બાંધો, લિંગ (સ્ત્રીઓમાં તાપમાન ઘટાડો ધીમો હોય છે), ઉંમર (બાળકો અને વૃદ્ધોમાં તાપમાનમાં ઘટાડો ઝડપી હોય છે), શબ પરનાં કપડાં, વાતાવરણમાંનો ભેજ અને પવનની ગતિ તથા શબનું સ્થાન અને અંગવિન્યાસ (posture) તાપમાનના ઘટાડાના દરને અસર કરે છે. ક્યારેક તાપમાન ઘટવાને બદલે વધે છે. તેને મરણોત્તર ઉષ્માજનન (postmortem caloricity) કહે છે. મૃત્યુ પછી પણ યકૃતમાંના ગ્લાયકોજનનું વિઘટન ચાલુ રહે છે અને થોડાક કલાકો માટે શરીરનું તાપમાન વધે છે. ચેપ, આંચકી (convulsion), લૂ લાગવી જેવાં વિવિધ પરિબળોને કારણે મૃત્યુ થયું હોય તો તથા વાતાવરણનું તાપમાન વધુ હોય તો શબનું તાપમાન વધે છે. સામાન્ય રીતે નીચે જણાવેલા સૂત્ર વડે મૃત્યુ થયા પછીનો સમયગાળો ગણી કઢાય છે.
સારણી 2 : મૃત્યુ પછી શારીરિક તાપમાનમાં થતા ઘટાડાનો દર
મૃત્યુ પછી પસાર થયેલો સમય (કલાક)
|
તાપમાન(°F)માં ઘટાડાનો દર | ||
પાતળો બાંધો | મધ્યમ બાંધો | સ્થૂળ બાંધો | |
0–3 | 1.33 | 1.0 | 0.82 |
3–6 | 1.66 | 2.0 | 1.66 |
6–9 | 2.33 | 2.0 | 1.66 |
9–12 | 1.66 | 1.5 | 1.33 |
12–15 | 1.33 | 1.33 | 1.33 |
મૃત્યુ પછીનો સમયગાળો (કલાક) =
જો શરીર વહેલું ઠંડું પડે તો મરણોત્તર અક્કડતા અને વિઘટન ધીમાં થાય છે અને જો શરીરનું તાપમાન જળવાઈ રહેલું હોય તો તે વહેલાં શરૂ થઈ જાય છે.
મૃત્યુ પછી શરીરમાંનું લોહી 5થી 6 કલાકમાં નીચેના ભાગની નસોમાં જમા થાય છે અને તેથી તે ભાગની ચામડીનો રંગ લાલ-જાંબુડી થાય છે. તેને મરણોત્તર વર્ણકતા (postmortem lividity) કહે છે. મરણોત્તર વર્ણકતાનાં સ્થાન, કદ અને ફેલાવાને આધારે મૃત્યુ-સમય (પ્રથમ 5થી 6 કલાકમાં) નક્કી કરી શકાય છે. મૃત્યુનું કારણ ઘણી વખતે મૃત્યુસમયની શરીરની સ્થિતિ નક્કી કરે છે અને તેથી શરીરના કયા ભાગમાં મરણોત્તર વર્ણકતા થઈ છે તેને આધારે મૃત્યુ-સમયનો અંગવિન્યાસ (posture) અને મૃત્યુનું કારણ જાણી શકાય છે. કેટલાક પ્રકારના ઝેરમાં તેનો રંગ બદલાય છે. જેમ કે સાઇનાઇડના ઝેરમાં ચેરી લાલ (HCN) કે છીંકણી રંગ (KCN, NaCN), કાર્બનમૉનોક્સાઇડના ઝેરમાં ગુલાબી, કાર્બનડાયૉક્સાઇડના ઝેરમાં ગાઢો ભૂરો, ફૉસ્ફરસના ઝેરમાં ગાઢો છીંકણી વગેરે. મરણોત્તર વર્ણકતાને મૃત્યુ પહેલાં કે પછી પડેલા ઉઝરડાથી અલગ પાડવામાં આવે છે.
મરણોત્તર અક્કડતા એક બીજો મહત્વનો ફેરફાર છે, તેમાં શબના સ્નાયુઓ અક્કડ બને છે અને થોડા ટૂંકા થાય છે. મૃત્યુ પછી પ્રથમ 1 કલાક માટે સ્નાયુઓ શિથિલ રહે છે, તે પછી ક્રમશ: અક્કડ બનતા જાય છે. સ્નાયુઓમાં થતા રાસાયણિક ફેરફારોને કારણે તેમની સ્થિતિસ્થાપકતા અને લંબનક્ષમતા (extensibility) જતાં રહે છે. જેટલા પ્રમાણમાં સ્નાયુઓમાંનું ATP નામનું દ્રવ્ય ઘટે છે, તેટલા પ્રમાણમાં આ વિકાર થાય છે. તેથી 30 % ઘટ હોય તો 15 % જેટલી લંબનક્ષમતા ઘટે છે. જ્યારે પૂરતા પ્રમાણમાં ATPનો ઘટાડો થાય ત્યારે લંબનક્ષમતાનો ઘટાડો 66 % જેટલો હોય છે. ઐચ્છિક અને અનૈચ્છિક સ્નાયુઓ – એમ બંને પ્રકારના સ્નાયુઓમાં આ ફેરફાર થાય છે. મરણોત્તર અક્કડતા સૌપ્રથમ અનૈચ્છિક સ્નાયુઓમાં થાય છે. ઐચ્છિક સ્નાયુઓમાં તે નાના સ્નાયુઓમાં વહેલી થાય છે. પરંતુ હસ્ત અને પાદ સ્નાયુઓમાં તે છેલ્લે થાય છે. થોડા સમય પછી વિઘટનની ક્રિયા શરૂ થાય છે અને તે સમયે સ્નાયુઓમાં અનુપ્રાથમિક (secondary) શિથિલન થાય છે. ગરમીની ઋતુમાં મરણોત્તર અક્કડતા 1 કલાકમાં શરૂ થાય, 3થી 4 કલાકમાં બધા ભાગમાં થઈ આવે અને જે ક્રમથી આવી હોય તે જ ક્રમથી 12થી 18 કલાકમાં જતી રહે છે. શિયાળામાં તેની શરૂઆત 2થી 3 કલાકે થાય છે, 4થી 6 કલાકે તે બધા ભાગને અસરગ્રસ્ત કરે છે અને 24થી 48 કલાકે તે જતી રહે છે. મરણોત્તર અક્કડતા થવાની ક્રિયાને ઉંમર, શારીરિક બાંધો, વાતાવરણનું તાપમાન, મૃત્યુનું કારણ, શરીરમાં સ્નાયુનું દળ તથા સ્ટ્રિકિનન કે સાઇનાઇડનું ઝેર વગેરે વિવિધ પરિબળો અસર કરે છે. મરણોત્તર અક્કડતાને શબ-સ્નાયુસંકોચન (cadaveric spasm), ઉષ્ણતાજન્ય અક્કડતા, શીતલતાજન્ય અક્કડતા અને વાતજન્ય અક્કડતા(gas stiffening)થી અલગ પડાય છે. મૃત્યુ પહેલાં જે સ્નાયુઓ સંકોચાયેલા હોય તેઓ તે સ્થિતિમાં રહે છે. તેને શબ-સ્નાયુસંકોચન કહે છે. તેવી રીતે મૃતશરીરને અતિશય ગરમી કે ઠંડી આપવામાં આવી હોય કે તેમાં વિઘટન થતું હોય ત્યારે પણ તેનું શબ-સ્નાયુસંકોચન થતું હોય છે. આ બધી સ્થિતિઓને મરણોત્તર અક્કડતાથી અલગ પડાય છે.
(ઈ) મોડેથી થતા ફેરફારો : મૃત્યુ પછી શરીરની રક્ષણાત્મક પ્રક્રિયાઓ બંધ થાય છે અને તેથી મૃતાહારી સૂક્ષ્મજીવો (saphrophytic microorganism), ભૌતિક તથા રાસાયણિક પરિબળો સંયુક્તપણે શરીરમાં કોહવાટ અથવા કોથ (putrefaction) લાવે છે. તેને વિઘટનની ક્રિયા (decomposition) કહે છે. આ પ્રક્રિયામાં કોષોમાંની ચયાપચયી ક્રિયામાંના ઉત્સેચકો પણ ભાગ લે છે. કોષોમાંના પોતાના જ ઉત્સેચકોને કારણે થતા વિઘટનને સ્વવિલયન (autolysis) કહે છે. વિઘટનની ક્રિયાને લીધે શરીરના બહારના દેખાવમાં પણ ફરક પડવા માંડે છે. તે સમયે હાઇડ્રોજન સલ્ફાઇડ નામનો વાયુ બને છે, જેને કારણે શબ ગંધાય છે તથા તેનો રંગ પણ બદલાય છે. નસોમાંના લોહી સાથે તે સંયોજાઈને સલ્ફમેથહીમોગ્લોબિન બનાવે છે. તેથી ચામડી પર નસોના લિસોટા દેખાય છે. તેને ચામડીનું આરસીકરણ (marbling) કહે છે. સામાન્ય રીતે તે મૃત્યુના 36થી 48 કલાકે જોવા મળે છે. આશરે 12થી 24 કલાકમાં વાયુ પેટમાં ભરાય છે અને તેથી પેટ ફૂલે છે, તણાય છે તથા નાક અને મોં વાટે ફીણ બહાર આવે છે. 24થી 48 કલાકમાં વાયુપેશીઓમાં પ્રસરે છે. તેથી જીભ, શિશ્ન, વૃષણકોથળી (scrotum) તથા સ્ત્રીઓનાં સ્તન ફૂલે છે. ચામડી પર હાથ ફેરવવાથી તેની નીચેના પરપોટાની જાણકારી થાય છે. નસોમાંનો વાયુ ફોલ્લાની રીતે ઊપસી આવે છે, જે ફાટે છે અને આમ ચામડીનું ઊપલું સ્તર ઊપડે છે. ફૂલેલી જીભ બહાર આવી જાય છે. 48થી 72 કલાકમાં ગર્ભાશય અને ગુદા પણ બહાર આવે છે અને ગર્ભાશયમાં ગર્ભ હોય તો તેને મરણોત્તર પ્રસવ થાય છે. મૃત્યુ પહેલાંના કે તે પછીના ઘાવમાંથી પ્રવાહી ઝરે છે, આંખો બહાર આવી જાય છે, ચહેરો ફૂલે છે અને વાળ અને નખ ઢીલાં પડવાથી સહેલાઈથી ખેંચી કાઢી શકાય છે. 3થી 5 દિવસમાં પેટ ફાટે છે, દાંત ઢીલા પડે છે, ખોપરીના સાંધા ખૂલે છે અને ખાસ કરીને શિશુઓમાં વિઘટિત અને પ્રવાહીકૃત (liquified) મગજ બહાર વહે છે. 5થી 10 દિવસમાં અન્ય મૃદુપેશી કાળી લુદ્દી જેવી અર્ધઘન સ્થિતિમાં આવે છે. તેની સાથે સંધિબંધ (ligaments) અને કાસ્થિ (cartilage) પણ પ્રવાહીરૂપ બનવા માંડે છે. તેથી જમીન પરનું શબ થોડાક મહિનામાં અને જમીનમાં દટાયેલું શબ એકાદ વર્ષમાં કંકાલસ્વરૂપ બને છે. તે પ્રક્રિયાને કંકાલીકરણ (skeletonisation) કહે છે. હાડકાંનો નાશ લાંબો સમય લે છે. શરીરમાંના અવયવોનું વિઘટન 2થી 3 દિવસમાં થતું હોય છે. સૌથી છેલ્લે વિઘટિત થતા અવયવોમાં પુર:સ્થગ્રંથિ (prostate gland) રહે છે અને તેથી શબનું લિંગ નક્કી કરવામાં તે મદદરૂપ રહે છે. વાતાવરણનું તાપમાન, ભેજ, હવાનું વહન, કપડાં, ઉંમર, મૃત્યુનું કારણ વગેરે વિવિધ પરિબળો વિઘટન અને કોહવાટની ક્રિયાની ઝડપને અસર કરે છે. જો મૃતદેહ પાણીમાં હોય તો તે ઉનાળામાં 24 કલાકમાં અને શિયાળામાં 2થી 3 દિવસમાં તરવા માંડે છે. ઠંડા પ્રદેશોમાં આ સમયગાળો અનુક્રમે 2થી 3 દિવસ અને 1થી 2 અઠવાડિયાંનો છે. વહેલું વિઘટન, ક્ષારયુક્ત પાણી, સ્થિર પાણી, સ્ત્રીજાતિ, કપડાં પહેરેલ મૃતદેહ તથા ઉનાળાની ઋતુ જેવાં વિવિધ પરિબળોની હાજરીમાં મૃતદેહ વહેલો તરવા માંડે છે.
શબશુષ્કન (mummification) એક વિશિષ્ટ પ્રકારનું વિઘટન છે. શરીરની મૃદુપેશી સુકાઈ જાય તો મૃતાહારી (saphrophytic) જીવાણુઓનું સંવર્ધન અટકે છે અને તેથી સામાન્ય કોહવાટની પ્રક્રિયા થતી નથી. વાતાવરણીય પરિબળોને કારણે મૃતદેહ ઝડપથી સુકાઈ જાય છે અને તેની મૃદુપેશી કાળી પડી જાય છે તથા કઠણ બને છે તથા તેવી સ્થિતિમાં જળવાઈ રહે છે. તેને મૃતદેહનું શબશુષ્કન કહે છે. તેથી કાળી અને કઠણ થયેલી ચામડી હાડકાં સાથે ચોંટી જાય છે. ચામડી નીચેની ચરબી પ્રવાહી થઈને અવશોષાઈ જાય છે. અવયવો ક્ષીણ થઈને એકબીજા સાથે ગઠ્ઠાના રૂપે ચોંટી જાય છે તથા તેમનામાંનું ઘનદળ (solid mass) ઘટીને નહીંવત્ થઈ જાય છે. જો તે જ વાતાવરણમાં તે લાંબો સમય રહે તો મહિનાઓ કે વર્ષો પછી તે ધૂળમાં ભળી જાય છે. યોગ્ય વાતાવરણમાં 3 અઠવાડિયાંથી 3 મહિનાના ગાળામાં શબશુષ્કન થાય છે. ગરમ અને સુક્કું વાતાવરણ, પ્રવાહીશોષક જગ્યા (દા.ત., રેતી) તથા હવાનું મુક્ત વહન, શબશુષ્કન માટેની પર્યાપ્ત પરિસ્થિતિનું નિર્માણ કરે છે. શબશુષ્કીકૃત (mummified) મૃતદેહથી ઓળખથી, મૃત્યુનું કારણ તથા મૃત્યુનો સમય જાણવાનું સુગમ રહે છે.
મેદવિઘટન (adepocere) પણ એક પ્રકારનું વિઘટન છે, જેમાં મેદ (ચરબી) અને મેદપેશીનું સફેદ, પોચા મીણ જેવા અને લીસા (greasy) પદાર્થમાં પરિવર્તન થાય છે. ક્યારેક આવા પદાર્થમાંથી કૅલ્શિયમયુક્ત સાબુ બને છે, માટે આ પ્રક્રિયાને કેટલાક સાબૂકરણ (saponification) પણ કહેતા હતા. પણ હાલ તેને મેદવિઘટનની પ્રક્રિયા તરીકે મોટેભાગે ઓળખવામાં આવે છે. ગરમ અને ભેજવાળા વાતાવરણમાં તે પહેલા અઠવાડિયામાં અને ઠંડા વાતાવરણમાં ત્રીજા અઠવાડિયામાં છૂટાછવાયા કિસ્સા રૂપે (sporadic form) જોવા મળે છે. તેમાં જલવિલયન (hydrolysis) અને જલજનીકરણ (hydrogenation) નામની પ્રક્રિયાઓ વડે ચરબીમાં મેદામ્લો (fatty acids) બને છે. આ પ્રક્રિયામાં પાણીની જરૂર પડે છે, માટે આસપાસની મૃદુપેશીનું શબશુષ્કન થાય છે. મેદવિઘટનને કારણે ચરબીમાં 70 % મેદામ્લો થાય છે. મુખ્ય મેદામ્લોમાં પામિક ઍસિડ, સ્ટિએરિક ઍસિડ અને હાઇડ્રોક્સિસ્ટિએરિક ઍસિડ હોય છે. તે સફેદ કે ભૂખરા સફેદ રંગનું અને મીઠા ખોરા તેલની ગંધવાળું પોચું અને મીણ જેવું હોય છે અને પીળી જ્યોત રૂપે બળે છે. તેનાથી શબની ઘનતા ઘટે છે અને મૃતદેહ તરતો થઈ જાય છે. તે ઈથર અને આલ્કૉહોલમાં ઓગળે છે. મેદવિઘટન શરૂઆતમાં કે છૂટાછવાયા વિસ્તારો રૂપે જોવા મળે છે, જે પાછળથી મૃતદેહમાં બધે ફેલાય છે. મેદવિઘટનને કારણે શરીર કોહવાઈ જતું અટકે છે. ગરમ વાતાવરણ, ભેજ, સ્થિર હવા તથા સ્થિર પાણી વગેરે વિવિધ પરિબળો મેદવિઘટનને વધારે છે. મેદવિઘટનમાં મૃતદેહનો ઘાટ જળવાઈ રહે છે; તેથી તેની ઓળખ તથા મૃત્યુનું કારણ શોધવામાં સુગમતા રહે છે.
મૃતદેહમાં વિવિધ સમયે થતા ભૌતિક અને રાસાયણિક ફેરફારોનો અભ્યાસ કરીને મૃત્યુનો ચોક્કસ સમય શોધી કાઢવામાં સુગમતા રહે છે.
શિલીન નં. શુક્લ