મૃતશિશુજન્મ (still birth) : 24 અઠવાડિયાંના ગર્ભાશયી કાળ પછી મૃત્યુ પામેલા ગર્ભશિશુ(foetus)નો પ્રસવ થવો તે. આમ ગર્ભશિશુ ગર્ભાશયમાં કે પ્રસવસમયે મૃત્યુ પામે અને જ્યારે અવતરે ત્યારે મૃત હોય તો તેને મૃતશિશુજન્મ કહે છે. તેને ગર્ભપાત (24 અઠવાડિયાં પહેલાંનું મૃત્યુ) અને સજીવજન્મ(જન્મ વખતે જીવતું શિશુ)થી અલગ પાડવામાં આવે છે. જો તેનું કારણ જાણમાં ન આવે તો તેને આકસ્મિક જન્મપૂર્વ – મૃત્યુ – સંલક્ષણ (sudden antenatal death syndrome) કહે છે. જો તેનું કારણ નિશ્ચિત કરી શકાય તો તે ઘણે ભાગે જીવાણુજન્ય ચેપ, કુરચના, રંગસૂત્રીય વિરચના (chromosomal aberation), વૃદ્ધિ-રુદ્ધિ (growth retardation), માતાને મધુપ્રમેહ કે લોહીનું ઊંચું દબાણ, માતાને સગર્ભાવસ્થાની વિષાક્તતા, માતા દ્વારા લેવાયેલી દવાની ઝેરી અસર, ઈજા, વિકિરણ-સંસર્ગ (radiation exposure), Rh અસંગતતાનો રોગ, ગર્ભનાળ સંબંધિત અકસ્માતો વગેરે હોય છે.

મોટા ભાગનાં ગર્ભશિશુઓને મૃત્યુ પામતાં થોડો સમય લાગે છે. તે સમયની તેમની પરિસ્થિતિને ‘ગર્ભને સંકટ’ તરીકે વર્ણવાય છે. (જુઓ ગર્ભને સંકટ, ગુજરાતી વિશ્વકોશ. ખંડ 6, પૃ. 197–198). તે સમયે ગર્ભશિશુના હલનચલનમાં તથા જાગૃતિ-નિદ્રા-ચક્રોમાં વિષમતા આવે છે. આ ઉપરાંત તેના નાડીના ધબકારામાં પણ વિષમતા આવે છે. ગર્ભશિશુદર્શક (foetoscope), ‘અશ્રાવ્યધ્વનિચિત્રણ’ (sono-graphy) કે વીજકણીય નિરંતરમાપનેક્ષણ (electric monitoring) દ્વારા ગર્ભશિશુ જીવિત છે કે મૃત તે નક્કી કરી શકાય છે.

ગર્ભાશયમાં ગર્ભશિશુ મૃત્યુ પામે તેનાં લગભગ 2 અઠવાડિયાંમાં પ્રસવ થઈ જાય છે. જરૂર પડ્યે પ્રસૂતિ કરાવવામાં આવે છે અને શસ્ત્રક્રિયા કરીને મૃતગર્ભશિશુને બહાર કઢાય છે.

શિલીન નં. શુક્લ